Western Times News

Gujarati News

ભારતે ૧૯ પાકિસ્તાનીઓને ચાંચિયાના સકંજામાંથી બચાવ્યા

નવી દિલ્હી, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના સમુદ્રમાં ચાંચિયાઓનો આતંક વધતો જાય છે. તેમાં પણ સોમાલિયાના ચાંચિયા સૌથી વધુ ખતરનાક ગણાય છે જેઓ માલવાહક જહાજોને હાઈજેક કરે છે, તેના પરના લોકોને બંધક બનાવે છે અને પછી તેમને છોડવા માટે લાખો ડોલર માંગે છે.

ભારતીય નેવી આવા ચાંચિયા સામે સખત પગલાં લઈ રહી છે જેમાં તાજેતરમાં એક ફિશિંગ જહાજને છોડાવીને તેના પર બંધક બનાવાયેલા ૧૯ પાકિસ્તાનીઓને મુક્ત કરાવ્યા છે. આ જહાજને સોમાલિયાના પાઈરેટ્‌સ દ્વારા કબજામાં લેવામાં આવેલું હતું. નેવીના સ્ટેટમેન્ટમાં જણાવાયા પ્રમાણે અપહ્યત જહાજ પર ૩૬ લોકો હતા જેમાંથી ૧૯ પાકિસ્તાની હતા જ્યારે બાકીના ઈરાનના નાગરિકો હતા.

કોચિનના સમુદ્ર કિનારાથી ૮૫૦ નોટિકલ માઈલ દૂર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય પેટ્રોલિંગ જહાજ INS સુમિત્રાએ અલ-નઈમી નામના ફિશિંગ જહાજને ચાંચિયાના સકંજામાંથી મુક્ત કરાવ્યું છે. આ જાહાજ મૂળ ઈરાનની માલિકીનું છે, પરંતુ તેના પર પાકિસ્તાની લોકો સવાર હતા.

ભારતીય નેવીના ઓપરેશનમાં ૧૦ સોમાલી ચાંચિયાને પણ પકડવામાં આવ્યા છે. છેલ્લા ૩૬ કલાકની અંદર INS સુમિત્રાએ બે જહાજોને છોડાવ્યા છે. સોમવારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પાકિસ્તાનીઓ સુરક્ષિત રીતે મુક્ત થયા છે.

સોમાલિયાના સમુદ્રમાં ચાંચિયાગિરી સામે ભારતીય નેવીની કામગીરી વધતી જાય છે. ભારતીય યુદ્ધ જહાજ આ એરિયામાં પેટ્રોલિંગ પર હતું ત્યારે તેણે સોમાલિયાના પૂર્વ કિનારે ઈરાનનો ધ્વજ ધરાવતા જહાજને આંતર્યું હતું જેના પર સોમાલિયાના ચાંચિયા સવાર હતા અને ચાલકદળના પાકિસ્તાની સભ્યોને બંધક બનાવ્યા હતા.

ભારતીય નેવીના જહાજને મેસેજ મળ્યો હતો કે પાકિસ્તાનના લોકો સહિતના એક ફિશિંગ જહાજને હાઈજેક કરવામાં આવ્યું છે. આ લોકોને રવિવારે રાતે બંધક બનાવવામાં આવ્યા હતા. પરંતુ ભારતીય નેવીના ઓપરેશનમાં સોમવારે આ લોકો મુક્ત થયા હતા.

INS Sumitraને ચાંચિયાઓની હાજરી વિશે માહિતી મળતા જ ઓફિસરો હરકતમાં આવી ગયા હતા અને હાઈજેક કરાયેલા જહાજને શોધી કાઢવામાં આવ્યું હતું. આ જહાજ પર ઈરાનનો ફ્લેગ હતો. ત્યાર પછી નેવીના શિપના બોટનો ઉપયોગ કરીને સુરક્ષા જવાનો જહાજ પર પહોંચી ગયા હતા અને તેને મુક્ત કરાવ્યું હતું.

આ જહાજ પર કુલ ૩૬ લોકો હતા જેમાંથી ૧૯ પાકિસ્તાની અને ૧૭ ઈરાની હતા જેઓ માછલી પકડવા આવ્યા હતા. આ જહાજ કોચિનના સમુદ્રથી લગભગ ૮૫૦ નોટિકલ માઈલ પશ્ચિમમાં હતું ત્યારે તેને અપહરણ કરવામાં આવ્યું હતું. ચાંચિયાઓ એમ માનતા હતા કે અહીં તેમને કોઈ ખતરો નથી, પરંતુ તેઓ ભારતીય નેવીની રેન્જમાંથી બચી શક્યા નથી અને તમામને પકડી લેવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.