Western Times News

Gujarati News

માનવ શરીરનું પાઠ્યપુસ્તક ભણાવો: પુ. મોરારિબાપુ

તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ સમારોહ તથા શિક્ષક મહાસંમેલન યોજાયા-પુ. મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના માધ્યમથી 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.

તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા) પ્રતિ વર્ષ પુ. મોરારિબાપુ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના માધ્યમથી 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. આ સમારોહનો 24 મો મણકો આજે 31 જાન્યુઆરી 2024 ના રોજ ચિત્રકૂટધામ તલગાજરડાની કેન્દ્રવર્તી શાળા ખાતે યોજાઈ ગયો.

સૌ પ્રથમ પુ. મોરારિબાપુએ જ્યાં પ્રાથમિક શિક્ષણ લીધું છે તે પ્રાથમિક શાળાનું નવીનીકરણ કરીને બાપુ જ્યાં ભણતાં તે ઓરડાને રક્ષિત કરીને બીજા પાંચ ઓરડા નવા બનાવાયા. તે નવનિર્મિત શાળાના ઓરડાઓનું લોકાર્પણ પુ. મોરારિબાપુ તથા શિક્ષણ રાજ્ય મંત્રી માનનીય શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી સંપન્ન થયું. પછી તલગાજરડાની કેન્દ્રવર્તી શાળા કે જે હવે જર્જરીત થઈ છે તેને પુનઃ નિર્માણ કરવા માટે ભુમિપૂજન પણ યોજવામાં આવ્યું.

ચિત્રકૂટ ધામ કેન્દ્રવર્તી શાળા ખાતે સમગ્ર મહુવા તાલુકાના શિક્ષકોનું મહાસંમેલન અને ચિત્રકૂટ એવોર્ડ વિતરણ સમારોહ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. શાબ્દિક સ્વાગત શ્રી  મનુભાઈ શિયાળે  તથા જગદીશભાઈ કાતરીયાએ કર્યું. મહુવા તાલુકાના ચાલુ વર્ષે નિવૃત્ત થઈ રહેલા 13 શિક્ષકોનો વિદાય સમારોહ પણ આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યો. તે તમામની શાલ, પુષ્પમાળા અને સન્માન પત્ર અર્પણ કરી વિદાય આપવામાં આવી.

ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને એક મહાનગરપાલિકા અને એક નગરપાલિકા એમ બધાં મળીને કુલ 35 શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. આ એવોર્ડમાં રૂપિયા 25,000 ની રાશિ, પ્રશસ્તિ પત્ર,શાલ અને સૂત્રમાળાથી બહુમાન થાય છે. મહુવા તાલુકાના શિક્ષક સંઘના આગેવાન તથા જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી ગજેન્દ્રસિંહ વાળાનું મંચના મહેમાનો દ્વારા વિશેષ નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમને સંબોધિત કરતા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતિષભાઈએ આ કાર્યક્રમ માટે બાપુનો આભાર પ્રગટ કરીને પોતે કાર્યક્રમના નિમિત્ત બને છે તેની પ્રસન્નતા વ્યક્ત કરી.

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ કહ્યું કે ગ્રામ્ય શિક્ષણ ખૂબ મહત્વનું છે અને સત્ય, પ્રેમ અને કરુણાને જીવન મંત્ર બનાવીને આપણે સૌએ વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ ગુણોના નિર્માણ કરવા માટે કાર્યરત રહેવું જોઈએ. ઉપનિષદના વિવિધ ઉદાહરણો દ્વારા મંત્રીશ્રીએ તલગાજરડાની તપોભૂમિને બિરદાવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ધન્યતાનો અનુભવ થાય છે તેમ જણાવ્યું હતું .પુ.સીતારામ બાપુએ વિજ્ઞાન ગતિ છે તો અધ્યાત્મ્ય એ દિશા બતાવે છે અને શિક્ષક પરમ તત્વ છે અને તેથી તેમને સતત તે દિશામાં ઉત્તમ કામ કરતાં રહેવું જોઈએ તેમ જણાવ્યું.

પુ. મોરારિબાપુએ આશીર્વાદ પાઠવતા કહ્યું કે શિક્ષકોએ મનુષ્ય શરીરનું પાઠ્યપુસ્તક ભણાવવું જોઈએ.આ પાઠ્યપુસ્તક સરકાર માન્ય નથી પરંતુ આપણાં સૌ માટે તે જરૂરી છે. જેમાં બાપુએ શરીરના પંચતત્વો પૃથ્વી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ બધાનું મહત્વ સમજીને વિદ્યાર્થીઓમાં તેના ગુણનું આરોપણ કરવા માટે વિશેષ ભાર મૂક્યો. બાપુએ કહ્યું કે પૃથ્વી એટલે ભૂગોળ અને તેમાં બધું આવી જાય છે.

આકાશ એટલે ખગોળનું જ્ઞાન, વાયુ એટલે પર્યાવરણનું જ્ઞાન, જળ એટલે જળ તત્વ કે જેનો ગુણ પવિત્રતા સાથે અને વણજોતું નહીં સંઘરવા માટે ખ્યાત છે. તેને અપનાવવું પણ જરૂરી લાગ્યું છે. વાયુ એટલે મંદ,ધીરજ, સુગંધ અને શીતળતા એના ગુણો સ્વીકારવાનું કહે છે. બાપુએ રમુજમાં એમ પણ કહ્યું કે એના માટે કોઈ વધારાનું ઇન્ક્રીમેન્ટ નહીં મળે પરંતુ આશીર્વાદ જરૂર મળશે. શિક્ષક સમીક્ષક પરીક્ષક નિરીક્ષક અને પ્રતિક્ષક હોવો જોઈએ.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ ગામના સરપંચ ભોળાભાઈ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ શ્રી પટેલ અને શ્રી પઢેરિયા તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તથા જિલ્લા સંઘના તથા તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં શિક્ષક સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાઊ. કાર્યક્રમનું સંચાલન શ્રી ભરતભાઈ પંડ્યાએ કર્યું હતું. આભાર વિધિ ગજેન્દ્રસિંહ વાળાએ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.