Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને તબીબી ઉપકરણો ઉત્પાદન ક્ષેત્રે મોખરે છે : માંડવિયા

5-7 માર્ચ દરમિયાન ઇન્ડિયા ફાર્મા એન્ડ ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ-2020’ કોન્ફરન્સ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાશે

અમદાવાદ,  અમદાવાદમાં આગામી 5-7 માર્ચ, 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા ‘ઇન્ડિયા ફાર્મા એન્ડ ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ-2૦2૦’ની તૈયારીના ભાગરૂપે ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય તથા ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફીક્કી)ના સંયુક્ત ઉપક્રમે કર્ટેન રેઝર કાર્યક્રમનું આયોજન થયું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રીશ્રી સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, “ભારત જેનરિક દવાઓનું અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર છે, હજી વિકાસની અપાર સંભાવનાઓ છે. 2025 સુધીમાં ભારત ફાર્મા ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું લક્ષ્યાંક પ્રાપ્ત કરશે. ભારત સરકાર મેક ઇન ઈન્ડિયાને વેગ આપવા માટે પ્રયત્ન કરી રહી છે અને ઇઝ ઑફ ડુંઇગ બિઝનેસ માટે પણ પ્રયત્નશીલ છે.”

આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં ટ્રેન્ડઝ ઇન હેલ્થ કેર ટેક્નોલોજી, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, આયાત-નિકાસના મુદ્દાઓ, એપીઆઇની સમસ્યાઓ, લેબલીંગ અને પેકેજિંગ ઇનોવેશન અને પડકારો, ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ માટે આર એન્ડ ડીની વ્યવસ્થા, આયુષ્યમાન ભારત-2.0, તબીબી ઉપકરણો  રેગ્યુલેશન્સ, મેક ઇન ઇન્ડિયા, પ્રાઇસિંગ જેવા વિષયોની ચર્ચા થશે.

કેન્દ્રીય શિપિંગ તથા કેમિકલ અને ફર્ટિલાઇઝર રાજ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે, “5-7 માર્ચ દરમિયાન ‘ઇન્ડિયા ફાર્મા એન્ડ ઇન્ડિયા મેડિકલ ડિવાઇસ-2૦2૦’નું ગુજરાતમાં આયોજન થઇ રહ્યું છે, ત્યારે ગુજરાત માટે આ એક ગર્વની વાત છે, કેમ કે આ ક્ષેત્રમાં યુવાનો અને ઉદ્યોસાહસિકો માટે ઘણી બધી તકો રહેલી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને તબીબી ઉપકરણો  ક્ષેત્રે મોખરે છે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે આ કાર્યક્રમની પાંચમી આવૃતિનું આયોજન સૌપ્રથમ વખત ગુજરાતમાં મહાત્મા મંદિર ખાતે આગામી 5-7 માર્ચ, 2020 દરમિયાન થવા જઇ રહ્યું છે. તેની તૈયારીના ભાગરૂપે આજે (ડિસેમ્બર 19, 2019) અમદાવાદમાં કોર્ટયાર્ડ મેરિઓટ ખાતે કર્ટેન રેઝર કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ગુજરાત આ કાર્યક્રમનું ‘સાથી રાજ્ય’ પણ છે, જે રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત ગતિશિલ ઉદ્યોગ સાહસિકતા કૌશલ અને અનુકૂળ નીતિઓના સુભગ સમન્વય થકી તેના પશ્ચિમ દરિયા કિનારાના કારણે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે.

આ મંચમાં ભાગ લેવા ઔષધ અને તબીબી ઉપકરણ ઉદ્યોગના 150થી વધારે સીઇઓને આમંત્રણ અપાઇ ચૂક્યું છે. આ ક્ષેત્રના વિકાસ માટે મહત્વ ધરાવે છે તેવા 18 દેશોમાંથી આંતરરાષ્ટ્રીય ઔષધ નિયંત્રણકારોને ભારતીય ઔષધ નિયંત્રકો અને ઉદ્યોગ નિયમન અધિકારીઓ સાથે વાર્તાલાપ કરવા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત સરકાર અને ભાગ લઇ રહેલા ઉદ્યોગકારો સાથે ગહન ચર્ચા-વિચારણા માટે 50થી વધુ દેશોના રાજદૂતો અને વ્યાવસાયિક પરામર્શકારોને પણ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ અપાયું છે.

આ ઉપરાંત ઇન્ડિયા ફાર્મા લીડર એવોર્ડ, ઇનોવેશન ઑફ યર એવોર્ડ, બલ્ક ડ્રગ કંપની ઑફ ધ યર એવોર્ડ અને મેડિકલ ડિવાઇસ કંપની ઑફ ધ યર એવોર્ડ સહિત વિવિધ શ્રેણીઓમાં ભારત સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા ભારતીય ફાર્મા અને તબીબી ઉપકરણ પુરસ્કારો પણ એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ ડૉ. પી ડી વાઘેલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તબીબી ઉપકરણોના ઘરેલું ઉત્પાદનને વેગ આપવા માટે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેરળમાં ‘મેડિકલ ડિવાઇસીસ પાર્ક’ સ્થાપવાની મંજૂરી આપી છે. આ પ્રસંગે ફાર્માસ્યુટિકલ્સ, મેડિકલ અને હેલ્થેકેર સાથે સંકળાયેલી કંપનીઓના સીઇઓ તથા અધિકારીશ્રીઓ અને હોદ્દેદારો સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.