Western Times News

Gujarati News

સીતારામ જિંદાલને પ્રકૃતિના જતન અને સખાવતી કાર્યોમાં ઉદાહરણીય યોગદાન બદલ પદ્મભૂષણથી સન્માનિત કરાયા

જાણીતા દાનવીર અને દૂરંદેશી ધરાવતા ડો. સીતારામ જિંદાલને હેલ્થકેર અને એજ્યુકેશનમાં પરિવર્તનકારી અસર લાવવા માટે સન્માનિત કરાયા

બેંગાલુરુ, સખાવતી કાર્યો અને હેલ્થકેરના ક્ષેત્રે અનન્ય વ્યક્તિત્વ ધરાવતા ડો. સીતારામ જિંદાલને પ્રતિષ્ઠિત પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જેનાથી સમગ્ર ભારતમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. આ સન્માન તેમના અદ્વિતીય પરોપકારી કામો, ખાસ કરીને પ્રકૃતિના જતનના ક્ષેત્રે, તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે આપવામાં આવ્યું છે. ડો. જિંદાલે ડ્રગલેસ થેરાપીમાં આપેલુ અભૂતપૂર્વ પ્રદાન અને જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટ (જેએનઆઈ)ની સ્થાપનાને જોતાં તેમને આ પ્રતિષ્ઠિત સન્માન હાંસલ થયું છે. SITARAM JINDAL HONORED WITH PADMA BHUSHAN FOR EXEMPLARY CONTRIBUTIONS TO NATURECURE AND PHILANTHROPY.

1932માં હરિયાણાના અંતરિયાળ નાલવા ગામમાં જન્મેલા ડો. જિંદાલની નેચરક્યોર તરફની સફર તેમના યુનિવર્સિટીના વર્ષો દરમિયાન શરૂ થઈ હતી જ્યારે તેઓ પેટના ક્ષયરોગથી પીડાઈ રહ્યા હતા. સારવાર ન થઈ શકે તેવી સ્થિતિનો સામનો કરતા તેમણે એક નાનકડા નેચરક્યોર ક્લિનકનું શરણું લીધું જ્યાં ઉપવાસ, એનિમા અને બીજી બિનપરંપરાગત પદ્ધતિઓ દ્વારા રાહત મેળવી. આ પરિવર્તનકારી અનુભવે નેચરક્યોર અને યોગમાં તેમની મજબૂત શ્રદ્ધાને વેગ આપ્યો.

એક વ્યાપક નેચરોપેથી અને યોગ હોસ્પિટલની સ્થાપના કરવાના વિઝનથી પ્રેરિત ડો. જિંદાલે 1977-79માં બેંગ્લોરની બહાર વિશાળ વિસ્તારની જમીન હસ્તગત કરી. આ રીતે જેએનઆઈની શરૂઆત થઈ, જે જિંદાલ એલ્યુમિનિયમ લિમિટેડ (જેએએલ) દ્વારા ઉદારતાથી ભંડોળ પૂરું પાડવામાં આવેલ રિસર્ચ વિંગ ધરાવે છે, જે નેચરક્યોરને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા માટે ડો. જિંદાલની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તે સમયે પ્રચલિત પરંપરાગત નેચરક્યોર સારવારથી તદ્દન વિપરીત, ડો. જિંદાલે આ વિજ્ઞાનને આધુનિક બનાવવા અને નવીનતા લાવવાનું મિશન શરૂ કર્યું. રૂઢિચુસ્ત નેચરક્યોર પ્રેક્ટિસમાં ઉત્સાહ અને પ્રગતિના અભાવને જાણ્યા બાદ તેમણે ડ્રગ રહિત ઉપચારને ઉત્થાન અને પ્રોત્સાહન આપવા માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી. 1969માં સ્થપાયેલ એસજે ફાઉન્ડેશન, સરકાર કે અન્ય વ્યક્તિઓ પાસેથી ટેકો લીધા વિના, ફક્ત જેએએલના યોગદાન પર આધાર રાખીને તેમની સખાવતી પહેલ માટે નાણાંકીય આધારસ્તંભ બની ગયું.

ડો. જિંદાલના અથાક પ્રયાસોએ ડ્રગરહિત ઉપચારના ક્ષેત્ર પર નોંધપાત્ર અસર કરી છે અને જેએનઆઈને અસ્થમા, ડાયાબિટીસ, હાયપરટેન્શન, આર્થરાઇટિસ અને કેન્સરના કેટલાક કેસ સહિત વિવિધ બીમારીઓની સારવારમાં વિશેષતા ધરાવતી વિશ્વ કક્ષાની સુવિધા તરીકે સ્થાપિત કરી છે. 550 બેડ્સ ધરાવતું આ ઇન્સ્ટિટ્યૂટ જે લોકો તેમના આરોગ્યની ચિંતાઓ માટે દવા-મુક્ત વિકલ્પો શોધતા હોય તેમના માટે આશાનું કિરણ બની છે.

જેએનઆઈ ઉપરાંત ડો. જિંદાલે સામાજિક સુધારણા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવતા અસંખ્ય સખાવતી પ્રવૃત્તિઓ હાથ ધરી છે. આમાં એલોપેથી હોસ્પિટલો, શાળાઓ અને કોલેજોની સ્થાપના, ગ્રામીણ વિકાસની પહેલ, હેલ્થકેર અને શિક્ષણ માટે ગામડાંને દત્તક લેવા અને હેલ્થકેર તથા શિક્ષણમાં અથાક કામ કરતી વિવિધ એનજીઓને સમર્થન આપવાનો સમાવેશ થાય છે.

ડો. જિંદાલના પરોપકારી પ્રયાસો નેચરક્યોરથી આગળ વિસ્તરે છે, જેમાં તેમના વતન નલવા ગામમાં આઠ ચેરિટેબલ સંસ્થાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે, જે આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર લોકોને લાભ આપે છે. સ્કોલરશિપ થકી વંચિત વિદ્યાર્થીઓને તેમની મદદ તથા હેલ્થકેર અને શિક્ષણ પ્રત્યે સમર્પિત એનજીઓને નાણાંકીય પીઠબળ પૂરું પાડીને સામાજિક કલ્યાણ પ્રત્યે તેમણે પોતાની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી છે.

ડો. જિંદાલની કામગીરીની અસર જેએનઆઈની બહાર પણ પહોંચી છે. નેચરોપેથી અને યોગ પર ભાર મૂકતા આરોગ્ય પ્રત્યેના તેમના સર્વગ્રાહી અભિગમે વૈશ્વિક સ્તરે લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. નિવારક સંભાળ અને દવાઓની આડ અસરો વિશે જાગૃતિ વધારવા માટેની તેમની પ્રતિબદ્ધતા તેમની એ માન્યતાનું સમર્થન કરે છે કે નેચરોપથી એલોપેથિક હોસ્પિટલો પરના ભારણને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

તેમની સમગ્ર સફર દરમિયાન ડો. જિંદાલે સ્વાસ્થ્ય સમસ્યાઓના ક્ષેત્રનું સમાધાન પૂરું પાડતા અસંખ્ય નવીનતાઓ અને ઉપચારો રજૂ કર્યા છે. સરળ એબ્ડોમિનલ પેકથી માંડીને હર્બલ ટી, સ્પાઇનલ બાથ ટબ્સ અને કોલ્ડ એન્ડ હોટ રિફ્લેક્સોલોજી ટ્રેક સુધી, તેમના યોગદાનથી નેચરક્યોર સારવારનો વિસ્તાર થયો છે.

તેમના દૂરંદેશી નેતૃત્વ અને મોટાપાયે આપેલા યોગદાનની સ્વીકૃતિ આપતા ડો. જિંદાલને ભૂતપૂર્વ વડા પ્રધાનો અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર, આઈ.કે. ગુજરાલ, એચ.ડી. દેવેગૌડા, નાયબ વડા પ્રધાન દેવીલાલ અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રામકૃષ્ણ હેગડે સહિતની જાણીતી હસ્તીઓ તરફથી સન્માનપત્રો પ્રાપ્ત થયા છે.

સમાજની સુધારણા માટે ડો. જિંદાલનો અવિરત પ્રયાસ હેલ્થકેરના ક્ષેત્રથી આગળ વિસ્તરે છે. તેઓ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ના પ્રખર હિમાયતી રહ્યા છે અને ઉદ્યોગપતિઓને ગરીબી દૂર કરવા માટે તેમના નફાનો એક ભાગ ફાળવવા વિનંતી કરી રહ્યા છે. સીએસઆરની ફરજિયાત ટકાવારી વધારવા માટે સરકાર સાથે તેમનો સતત સંઘર્ષ સામાજિક કલ્યાણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ડો. સીતારામ જિંદાલનું જીવન અને કામ વ્યવસાયિક સફળતા અને માનવતાની કરૂણાપૂર્ણ સેવાના સુમેળભર્યા મિશ્રણનું પ્રતીક છે. નેચરક્યોર અને પરોપકાર પ્રત્યેના તેમના સમર્પણે હેલ્થકેર અને સામાજિક સુધારણાના ક્ષેત્ર પર અવિશ્વસનીય છાપ છોડી છે, જે તમને પદ્મભૂષણ પુરસ્કારના લાયક પ્રાપ્તકર્તા બનાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.