Western Times News

Gujarati News

ચાંદખેડાના ફ્લેટમાંથી 6.50 લાખની રોકડ ચાંદીના સિક્કાની ચોરી

પ્રતિકાત્મક

ચાંદખેડામાં ધોળા દિવસે રૂ.૬.૫૬ લાખની ચોરી કરી તસ્કરો ફરાર

(એજન્સી)અમદાવાદ, શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. તસ્કરો શહેરની ચારેય દિશામાં ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. વેજલપુર, મકરબા, ઓઢવ, ચાણક્યપુરી, મણિનગરમાં થયેલી લાખો રૂપિયાની ચોરી બાદ તસ્કરો ગુરુવારે ચાંદખેડાના એક ફ્લેટમાં ૬.૫૦ લાખની રોકડ તેમજ ચાંદીના સિક્કાની ચોરી કરીને ફરાર થઇ જતાં ચકચાર મચી ગઈ છે.

આધેડે બે મહિના પહેલાં પોતાનો ફ્લેટ વેચ્યો હતો, જેના રૂપિયા આવ્યા હતા, આધેડે ઘર વેચાણના રૂપિયા તિજોરીમાં મૂક્યા હતા, જે તસ્કરો ચોરી ગયા હતા. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સિદ્ધિ ફ્લેટમાં રહેતા કીર્તિકુમાર બ્રહ્મભટ્ટે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૬.૫૬ લાખની ચોરીની ફરિયાદ કરી છે. કીર્તિકુમાર સિદ્ધિ ફ્લેટમાં પત્ની પારુલ, દીકરો અક્ષિત અને દીકરી આયુષી સાથે રહે છે.

સિદ્ધિ ફ્લેટમાં કીર્તિકુમારના બે ફ્લેટ છે, જે પૈકી એકમાં તે રહે છે અને બીજો ફ્લેટ તેમણે ત્રણ મહિના પહેલાં ૨૮.૫૦ લાખ રૂપિયામાં મહેશ દેસાઈને વેચી દીધો હતો. મહેશભાઈ દેસાઈએ બાર લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને ૧૧ લાખ રૂપિયા ટુકડે-ટુકડે આપ્યા હતા, જ્યારે ૫.૫૦ લાખ રૂપિયા મહેશભાઈ પાસેથી લેવાના બાકી હતા.

કીર્તિકુમારના મિત્ર સાહિલને આઠ લાખ રૂપિયાની જરૂર હોવાથી તેણે થોડા દિવસ પહેલાં આરટીજીએસ મારફતે રૂપિયા આપ્યા હતા. સાહિલે વીસ દિવસ બાદ આઠ લાખ રૂપિયા રોકડા કીર્તિકુમારને પરત આપી દીધા હતા. દીકરાની કોલેજની ફી ભરવાની બાકી હોવાથી કીર્તિકુમારે આઠ લાખ રૂપિયામાંથી ફી ભરી હતી, જ્યારે બાકી છ લાખ રૂપિયા તિજોરીમાં મૂક્યા હતા, જ્યારે ઘરખર્ચ માટેના ૫૦ હજાર રૂપિયા અલગ મૂક્યા હતા.

ગુરુવારે કીર્તિકુમાર અને પારુલ ઘરને લોક મારીને ઘીકાંટા કોર્ટમાં કામથી ગયાં હતાં, જ્યારે તેમનાં બાળકો કોલેજ ગયાં હતાં ત્યારે તેમના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા. સાંજના સવા પાંચ વાગ્યાની આસપાસ કીર્તિકુમાર પારુલ સાથે ઘરે પરત આવ્યા ત્યારે ઘરનો સામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરી ખુલ્લી હતી. કીર્તિકુમારે તિજોરીમાં મૂકેલા છ લાખ રોકડા તેમજ ચાંદીના સિક્કા તેમજ ઘરખર્ચ માટે ડબામાં મૂકેલા ૫૦ હજાર ગાયબ હતા,

જે અંગે કીર્તિકુમારે તરત જ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરીને જાણ કરી દીધી હતી. ચોરીની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ તરત જ સિદ્ધિ ફ્લેટમાં પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. ચાંદખેડા પોલીસે ૬.૫૬ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.