Western Times News

Gujarati News

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ચોથો વાર્ષિક પદવીદાન સમારોહ

૧૨ હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી- ડિપ્લોમા, ૩૭ ગોલ્ડ મેડલ, ૩૮ સિલ્વર મેડલ, ૪૫ પીએચ.ડી.ની ડિગ્રી તથા ૪૫ પ્રમાણપત્ર એનાયત

રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યું છે કે, યુનિવર્સિટીઓમાંથી પાસ થઈને બહાર નીકળનારા વિદ્યાર્થી બૌદ્ધિક અને વ્યવસાયિક રીતે સક્ષમ હોવા સાથે સમાજ સાથે નિસબત ધરાવતાં સંવેદનશીલ હોવા જોઈએ. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલ ચોથા વાર્ષિક પદવીદાન સમારોહમાં તેમણે જણાવ્યું કે, વિશ્વ જ્યારે ગ્લોબલ વિલેજ બન્યું છે ત્યારે વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી શિક્ષણમાં બદલાવ  લાવવો આવશ્યક છે.  રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ડો. બાબાસાહેબ આંબેડકરે જે માર્ગ પ્રશસ્ત કર્યો હતો તે માર્ગે પાસઆઉટ થનાર વિદ્યાર્થીઓ ચાલે અને તે રીતે સમાજનું ઋણ ચૂકવે.

તેમણે કહ્યું કે, પરંપરાગત શિક્ષણ સાથે દૂરવર્તી શિક્ષણ પણ ખૂબ જ ઉપયોગી છે. જે લોકો શિક્ષણથી વંચિત રહ્યા છે તેઓ તેમના ધંધા- વ્યવસાય સાથે શિક્ષણ મેળવી શકે તેવી તક આવી ઓપન યુનિવર્સિટીઓ પૂરી પાડે છે. યુનિવર્સિટી દ્વારા નવું શરૂ કરવામાં આવેલ સ્પેશિયલ સપોર્ટ સેન્ટર, દિવ્યાંગ, આદિજાતિ તથા છેવાડાના લોકો સુધી વિશિષ્ટ શિક્ષણ આપી અને તેઓને પગભર કરવા જે પ્રયત્ન કરી રહ્યું છે તેની રાજ્યપાલશ્રીએ સરાહના કરી હતી.

તેમણે કહ્યું કે, ભારતમાં યુવા શક્તિનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યુવાશક્તિ જવાબદારી નહીં પરંતુ અસ્ક્યામત બને તે દિશાનું શિક્ષણ યુનિવર્સિટીઓ દ્વારા અપાય કે આજની તાતી આવશ્યકતા છે. યુનિવર્સિટી દ્વારા યોજાયેલ કોન્ફરન્સ અંગેની પુસ્તિકાઓનું વિમોચન પણ રાજ્યપાલશ્રીએ આ તકે કર્યું હતું. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વિભક્ત કુટુંબની વ્યવસ્થા ફુલીફાલી તેમ- તેમ શિક્ષણ અને સલામતીની ભાવના બળવત્તર બની ગઈ છે અને તેમાંથી શિક્ષણ ન માત્ર નોકરી- વ્યવસાય માટે પરંતુ પોતાના અને કુટુંબમાં વિકાસ માટે પણ જરૂરી છે એવો ખ્યાલ વિકસિત થયો છે

પદવી લેવા કૂખમાં બાળક લઈને આવેલી વિદ્યાર્થીનીની સરાહના કરતા તેમણે કહ્યું કે, પહેલાં જ્યાં મહિલાઓને શિક્ષણ આપવાની માનસિકતા નહોતી તેવી સમાજ વ્યવસ્થામાં શિક્ષણ લેવાનું મહત્વ આજે વધ્યું છે જે મહિલા સશક્તિકરણની સારી નિશાની છે.  તેમણે કહ્યું કે, વિશ્વમાં દેશનું અસ્તિત્વ ઉન્નત બનાવવા માટે દેશ એક હોય તે જરૂરી છે. ડૉ બાબાસાહેબે જ્ઞાતિ-જાતિના વાડા તોડી એક દેશ- સમર્થ દેશનો ખ્યાલ સામાજિક એકતા અને સામાજિક સમરસતા થકી આપ્યો હતો, જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે. ઇન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. નાગેશ્વર રાવે જણાવ્યું કે, ભારત જેવા વૈવિધ્યપૂર્ણ અને વસ્તીની બહુલતા ધરાવતા દેશમાં મૂક્ત અને દુરસ્ત શિક્ષણ ખૂબ જ ઉપયોગી છે.

ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ શ્રીમતી અમીબેન ઉપાધ્યાયે યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલ વિવિધ પાસાઓ વિશેની વિસ્તૃત વિગતો અને યુનિવર્સિટીની માંગ આધારિત પ્રવેશથી માંડી, માંગ આધારિત પરીક્ષાની દિશામાં સજાગ રીતે કાર્યરત છે તેની ભૂમિકા આપી હતી.

આ પદવીદાન સમારોહમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, ફુલ સચિવશ્રી ભાવિન ત્રિવેદી, પ્રાધ્યાપકશ્રીઓ, ડીગ્રી- ડિપ્લોમા મેળવનાર વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.