Western Times News

Gujarati News

AMC મ્યુનિ. કમિશ્નર ઓફિસમાં બદલીના નિયમો કોરાણે મુકાયા

જુનીયર આઈએસ કરતા વધુ પગાર મેળવનાર બે અધિકારી ૨૦૧૪થી કમિશ્નર ઓફિસમાં અડ્ડો જમાવીને બેઠા છે

(પ્રતિનિધિ) અમદાવાદ, “દુનિયા ઝુકતી હૈ જુકાને વાલા ચાહિયે” આ ફિલ્મી ડાયલોગ કે કહેવત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ માટે યર્થાથ સાબિત થઈ રહી છે જેના કારણે જ વિજય પટેલ જેવા એડીશનલ ઈજનેર કે જેમનો પ્રમોશનનો પ્રોવેશન પિરિયડ હજી પૂર્ણ થયો નથી તેમને સીધા સીટી ઈજનેર બનાવવામાં આવે છે

જયારે નાના કર્મચારીઓ તેમજ કોર્પોરેશનના અન્ય કર્મચારીઓની ત્રણ વર્ષ કે તેથી ઓછા સમયમાં મનફાવે તે રીતે બદલી કરવામાં આવે છે પરંતુ મ્યુનિ. કમિશ્નર ઓફિસમાં ફરજ બજાવતા વિશાલ નાયક અને નયનેશ દોશી નામના બે એડીશનલ ઈજનેરને છેલ્લા ૧૦ વર્ષથી સત્તાધારી પક્ષના માંધાતાઓ કે આઈએસ ઓફિસરો પણ હલાવી શકયા નથી.

અમદાવાદ મ્યુનિ. કમિશ્નરના એકિઝિવિટીવ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નયનેશ દોશીની છેલ્લા ૧૦ વર્ષથી બદલી થઈ નથી નયનેશ દોશીની ભરતી ૧૯૯પમાં થઈ હતી ત્યારબાદ નાના મોટા પ્રમોશનો મેળવી તેઓ ફેબ્રુઆરી ર૦૧૩માં ડેપ્યુટી સીટી ઈજનેર થયા હતાં તેમજ ર૦૧૪માં તેમની બદલી વિજીલન્સ વિભાગમાં કરવામાં આવી હતી તે સમયથી જ તેઓ કમિશનર ઓફિસમાં પણ ફરજ બજાવી રહ્યા હતા. જેનો કોઈજ જીડીએસટી થયો ન હતો.

ત્યારબાદ ર૦૧પમા તેમને એક લીટીનો ઠરાવ કરી કમિશ્નરના એકઝીકયુટીવ આસીસ્ટન્ટ તરીકે પણ ફરજ સોંપવામાં આવી હતી આમ જુન ર૦૧પથી અત્યાર સુધી તેઓ મ્યુનિ. કમિશ્નરના એકિઝકયુટીવ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવી રહયા છે. તેવી જ રીતે ર૦૧૪થી તેઓ વિજીલન્સ વિભાગમાં ડેપ્યુટી સીટી ઈજનેર તરીકે નિયુક્ત થયા હતાં ત્યારબાદ ર૦ર૧માં તેઓ પ્રમોશનથી એડીશનલ સીટી ઈજનેર બન્યા છે.

પરંતુ પ્રમોશન બાદ પણ તેમની વિજીલન્સ વિભાગમાંથી બદલી કરવામાં આવી નથી. મ્યુનિ. કોર્પો.માં થતી ચર્ચા મુજબ નયનેશ દોશીને પ્રમોશન બાદ જે પે મેટ્રીકસ આપવામાં આવ્યો છે તે જુનીયર આઈએસ ઓફિસર કરતા પણ વધારે છે. સામાન્ય રીતે કોઈપણ ડેપ્યુટી ઈજનેરની એડીશનલ તરીકે બઢતી થાય ત્યારબાદ તેમના વિભાગ બદલવામાં આવે છે પરંતુ નયનેશ દોશીના કેસમાં આ નિયમ પણ લાગુ પડયો નથી.

મ્યુનિ. કોર્પો.માં થતી ચર્ચા મુજબ એડીશનલ ઈજનેર તરીકે પ્રમોશન મેળવવા માટે તેમણે તેમના હરીફ માનવામાં આવતા અનેક ડેપ્યુટી ઈજનેરોને શો કોઝ કે અન્ય નોટીસો ફટકારી તેમના પ્રમોશન પરોક્ષ રીતે અટકાવ્યા હતાં. જોકે આ તો બધી તો અને જો ની વાત છે.

મ્યુનિ. કમિશ્નરના એકિઝકયુટીવ આસીસ્ટન્સ તરીક વિશાલ નાયક ફરજ બજાવી રહયા છે તેમની ર૦૧૩માં ડેપ્યુટી સીટી ઈજનેર તરીકે એનર્જી એફીસીયન્સી વિભાગમાં ભરતી કરવામાં આવી હતી પરંતુ ર૦૧૪થી જ તેઓ પણ કમિશ્નર ઓફિસમાં જ અડ્ડો જમાવીને બેઠા છે અને ભાજપના મહાનુભાવો તેમનો વાળ પણ વાંકો કરી શકયા નથી. તેમને પણ નયનેશ દોશીની સાથે જ એડીશનલ ઈજનેર તરીકે સમાન પે ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે

અહી ફરક માત્ર એટલો જ છે કે પ્રમોશન બાદ તેમની કહેવાતી બદલી એનર્જી એફીસીયન્સી સેલમાંથી લાઈટ પ્રોજેકટ વિભાગમાં કરવામાં આવી છે પરંતુ તેઓ ફરજ કમિશ્નર ઓફિસમાં જ બજાવી રહયા છે. આમ વિશાલ દોશી અને નયનેશ નાયક જે રીતે છેલ્લા ૧૦ વર્ષથી કમિશ્નર ઓફિસમાં એક ચક્રી શાસન કરી રહયા છે તે જોતા લાગી રહયુ છે કે ગાંધીનગરથી નિમણુંક પત્ર લઈને આવનાર આઈએસ અધિકારીઓ તેમની ‘વહીવટ’ કરવાની ક્ષમતાના કારણે જ બદલી કરતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.