Western Times News

Gujarati News

હેલ્મેટ પહેરવાની માનસિકતા કેળવવી પડશે : ફળદુ

અમદાવાદ: આવતીકાલે રાજકોટના તરઘડીયા કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોનું સંમેલન યોજાનાર છે. સંમેલનને લઇને રાજકોટના સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી આર.સી. ફળદુ અહીંની મુલાકાતે છે ત્યારે તેમણે બહુ મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ છે અને તે નિમિતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખેડૂતોને પાક વીમાની સહાયની ચૂકવણી કરવામાં આવશે. ફળદુએ એ મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી કે, રાજયના નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિકતા કેળવવી પડશે.


રાજયના કૃષિ અને વાહનવ્યવહાર મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી જે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે તેવા ખેડૂતોને આવતીકાલથી સહાય ચૂકવવાનું શરૂ કરવામાં આવશે. રાજ્યના નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિકતા કેળવવી પડશે, સુપ્રિમ કોર્ટ દ્વારા નિમાયેલી રોડ સેફ્‌ટી કાઉન્સીલ દ્વારા રાજ્યને એક પત્ર મળ્યો છે.

આ પત્ર અંગે મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ છે. આગામી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, આવતીકાલે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજીનો જન્મદિવસ છે. રાજકોટના તરઘડીયામાં કાલે લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં ખેડૂતોને સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવશે.

ખેડૂતોને નુકસાની હશે તેમાં સરકાર અવશ્ય મદદ કરશે. જે ખેડૂતોએ નુકસાન બાબતે અરજી નથી કરી તે હજુ કરી દે, સરકાર તરફથી તેઓને પણ સહાય ચૂકવાશે. આવતીકાલના ખેડૂત સંમેલનમાં આર.સી. ફળદુ, કુંવરજીભાઇ બાવળિયા સહિત રાજકીય આગેવાનો હાજર રહેશે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન સંદર્ભે રાજકોટ, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાના એક લાખ ખેડૂતોએ સહાય અંગે અરજી કરી હતી. સરકારે નાના ખેડૂતો માટે હેક્ટર દીઠ ૬ હજાર અને ૪ હજારની સહાય જાહેર કરી છે. આ અરજી કરનાર ખેડૂતોને દાવા અંગેના પ્રમાણપત્ર આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.