Western Times News

Gujarati News

નાઈટ પેટ્રોલીંગના અભાવે સાઠંબામાં 5 દુકાન અને 3 મકાનનાં તાળા તૂટયાં

સાઠંબા ગામે પાંચ દુકાન અને ત્રણ મકાનનાં તાળાં તોડી તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો -સાઠંબા પોલીસે ચોરોનું પગેરૂ શોધવા સીસીટીવી કેમેરા ચેક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ઃ નાઈટ પેટ્રોલીંગ સઘન કરવાની જરૂરિયાત

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ મથકના સાઠંબા ગામે રવિવારે મધ્યરાત્રિએ ચોરોએ પાંચ દુકાન અને લુહારીયા પરિવારના ત્રણ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

સાઠંબા ગામે રવિવારે મધ્યરાત્રીએ સાઠંબાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અનાજનું ખરીદ વેચાણ કરતા વેપારીના શટરને તોડી નાખી અંદર ચોરી કરવાનો પ્રયાસ ચોરોએ કર્યો હતો ત્યારબાદ હડકાઈ માતાના મંદિર પાસે ડબગર સ્વ. જયંતીભાઈની દુકાનમાં તાળું તોડી ઉપરના ભાગે મુકેલા પાણી ભરવાના સાતથી આઠ કેરબાની ચોરી કરી હતી.

ત્યારબાદ એક ગોડાઉનનું તાળું તોડતા તેમાંથી કાંઈ રોકડ હાથ ના લાગતાં તેને મૂકી ચોરોએ નીલકંઠ મહાદેવ પાછળ આવેલા લુહારિયા સમાજના ત્રણ મકાનોને નિશાન બનાવી તેના તાળાં તોડી ઘરની અંદર આવેલ તિજોરીઓ તોડી નાખી પીપળામાં ભરેલો સામાન વેરવિખેર કરી નાખી લુહારિયા પરિવારના બે ઘરમાંથી અંદાજિત ૯૦ હજાર રૂપિયાનો દરદાગીના અને રોકડ ઉઠાવી ગયાનું ઘર માલિકે જણાવ્યું હતું.

સાઠંબા નગરમાં વર્ષે દહાડે બે ત્રણ વાર આવી મોટી ચોરીઓ થતી હોય છે પરંતુ સાઠંબા નગરની તવારીખ રહી છે કે આજ દિન સુધી પોલીસ આવી ચોરીઓને અંજામ આપનાર ચોરોને પકડવામાં નિષ્ફળ રહી છે…!!!! સાઠંબા નગરમાં નાઈટ પેટ્રોલિંગ બાબતે પણ નાગરિકો તરેહ તરેહના સવાલો ઉઠાવી રહ્યા છે…!!!

સાઠંબા નગરમાં વારંવાર થતી ચોરીઓની બદીને ડામવા માટે સાઠંબા પોલીસે નાઈટ પેટ્રોલિંગ સઘન કરવાની તાતી જરૂરીયાત ઊભી થઈ છે..!!
સાઠંબા નગરમાં વારંવાર થતી ચોરીઓ બાબતે કોઈપણ પ્રકારનો ભેદ ના ઉકેલાતો છેવટે વેપારીઓ અને સમજુ નાગરિકો હવે તો પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે….!!!

ચોરીની ઘટનાની જાણ થતાં સાઠંબા પી.એસ.આઇ બી કે વાઘેલા તેમની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચીને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી ચોરોનું ચોરોનું પગેરું શોધવા માટે ડૉગ સ્ક્વોડ બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.