Western Times News

Gujarati News

પંચમહાલના ભાજપના ઉમેદવારે સમર્થકો સાથે વિશાળ રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભર્યું

(પ્રતિનિધિ) ગોધરા, ૧૮- પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સુપરત કરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી,

ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભાને સંબોધીને રાજપાલસિંહ જાદવ રેલીસ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા ચૂંટણી કચેરી ખાતે પહોંચ્યા હતા, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા હતા, લોકસભાની ચૂંટણીનું તબક્કાવાર જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું, જે બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, ત્યારે ૧૮ પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે સોમવારે વિજયમુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે, ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલ પાર્ટીપ્લોટ ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,

 

જે બાદ જાહેરસભાના સ્થળેથી જિલ્લા સેવાસદન કચેરી અને જિલ્લા ચૂંટણી કચેરી સુધી બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના ઉમેદવાર ખુલ્લી જીપમાં રેલી સ્વરૂપે પહોંચ્યા હતાં, પંચમહાલ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આશિષ કુમારને ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે પોતાનું ઉમેદવારીપત્ર સુપરત કરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી,

પોતાનું ઉમેદવારીપત્ર ભરવા માટે આવેલા ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્યસભાના સાંસદ જે એસ પરમાર, મધ્ય ગુજરાત ભાજપના પ્રભારી નરહરિ અમીન, પંચમહાલ લોકસભાના પ્રભારી ભરતભાઈ ડાંગર સહિત પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યો, તેમજ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.