Western Times News

Gujarati News

બસની ટક્કરથી વેપારીના મોતનો વીડિયો વાઈરલ થતા ભારે ઉહાપોહ (જૂઓ વિડીયો)

અમદાવાદના ભુલાભાઈ ચાર રસ્તા પરની ઘટના-પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે

(પ્રતિનિધી) અમદાવાદ, અમદાવાદમાં ફરી એકવાર એએમટીએસ બસે માતેલા સાંડની જેમ દોડીને એક યુવકનો જીવ લીધો છે. મોતની સવારી બનીને ઘૂમતી એએમટીએસ બસની અડફેટે ટુ વ્હીલર ચાલકનું મોત નિપજ્યુ છે. અમદાવાદના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે એએમટીએસ બસે બાઈક ચાલક યુવકને અડફેટે લઈને કચડ્યો હતો. તેમાં પણ માનવતા ભૂલેલો ડ્રાઈવર અકસમાત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

એક સેકન્ડ પણ ગાડી ઉભી રાખીને તેણે નીચે ઉતરવાની તસ્દી લીધી ન હતી. આ ભયાવહ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. અમદાવાદના મણિનગર વિસ્તારના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે અકસ્માતની આ ઘટના બની હતી. એએમટીએસની ટક્કરે યુવાનના કમકમાટીભર્યા મોતનો વીડિયો સામે આવ્યો છે. શહેરના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે એએમટીએસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે.

અકસ્માત સર્જી એએમટીએસ બસ ચાલક ત્યાંથી રમરમાટ ગાડી દોડાવીને ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, અકસ્માત સર્જનાર બસની એજન્સી અર્હમ ટ્રાવેલ્સ છે. જોકે, સમગ્ર અકસ્માતમાં એએમટીએસ દ્વારા એજન્સીને ફક્ત ૨ લાખનો દંડ કરી સંતોષ માનવામાં આવ્યો. આ અકસ્માતના પગલે સ્થાનિક વિસ્તારમાં ટ્રાફિકજામ થયો હતો અને ડ્રાઈવર પણ બસ છોડીને ભાગી છૂટ્યો હતો.

આ સમગ્ર ઘટનાનું સીસીટીવી વીડિયો પણ ફરતો થતાં નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળતો હતો. અમદાવાદ શહેરમાં એએમટીએસ બસ સેવા ખૂબ જ આવશ્યક બની છે. પરંતુ તેની સાથે સાથે કેટલાક બસના ચાલકો બેફામ ગતિએ બસ દોડાવતા અકસ્માતો સર્જાતા હોય છે. પરિવાર પોતાનો એક સભ્ય ગુમાવે છે પરંતુ એએમટીએસને તેની કોઈ જ પડી ન હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

ભુલાભાઈ ચાર રસ્તા પાસે આ ઘટના બે-ત્રણ દિવસ પહેલાંની છે. પરંતુ તેનો વીડિયો વાઈરલ થતાં જ તંત્ર સફાળુ જાગ્યું હતું. આ અંગે ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે. પોલીસે આ અંગે ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોની માંગણી છે. એએમટીએસ દ્વારા દર છ મહિને ડ્રાઈવરોને રક્ષા શક્તિ યુનિ.ના ટ્રેનર દ્વારા તાલીમ આપવામા આવતી હોવાના દાવા કરવામા આવે છે. પરંતુ જે રીતના અકસ્માત થાય છે જોતા એમ લાગી રહ્યુ છે કે તાલીમના નામે ફકત તાઈફા જ થાય છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે.

AMTSની બસો દ્વારા ૧૦ વર્ષમાં ૭ર૮૩ અકસ્માત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની જાહેર પરિવહન સેવા સાક્ષાત યમદૂત સમાન બની રહી છે. અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ બસોના છેલ્લા દસ વર્ષમાં સાત હજાર કરતાં વધુ અકસ્માતો થયા છે. જેમાં ૧પ૦ કરતાં વધુ નાગરિકોના કરૂણ મૃત્યુ થયા છે. તેમ છતાં મ્યુનિ. સત્તાવાળાઓએ આ મામલે આંખ આડા કાન કરીને ખાનગી ઓપરેટરોને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.

મ્યુનિ. કોર્પો. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ર૦૧૦-૧૧થી ડિસેમ્બર ર૦ર૩ સુધી એએમટીએસ બસો દ્વારા ર૪૦૭ અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં પપ નાગરિકોના મૃત્યુ થયા છે. જ્યારે ખાનગી કોન્ટ્રાક્ટરોની બસોના ૪૮૭૬ અકસ્માતો થયા છે જેમાં ૧૬ વ્યક્તિના કરૂણ મોત થયા છે. ર૦૧પથી ર૦૧૭ દરમિયાન ખાનગી ઓપરેટરો વધુ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે.

આ સમયગાળા દરમિયાન ખાનગી બસોના ૧ર૭૮ અકસ્માતો થયા થયા જે પૈકી રપ જીવલેણ અકસ્માત હતા. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના વહીવટી તંત્રનો ખાનગી ઓપરેટરોનો કોઈ અંકુશ રહ્યો નથી. ખાનગી ઓપરેટરો દ્વારા જે ડ્રાઈવરો રાખવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગે શીખઉ છે અને તેમની પાસે લાઈસન્સ પણ હતા નથી. દારૂ પીને બસ ચલાવવાના અનેક કિસ્સા બહાર આવ્યા છે.

આ ડ્રાઈવરો અસામાન્ય સ્પીડમાં બસ ચલાવતા હોય અકસ્માતોની સંખ્યા વધી રહી છે. જીવલેણ અકસ્માતમાં માત્ર પોલીસ ફરિયાદ કરી કેસ રફેદફે કરવામાં આવે છે. ખાનગી ઓપરેટરોના ડ્રાઈવરો જંકશન પર સિગ્નલની પણ દરકાર કરતાં નથી. લાલ સિગ્નલ હોવા છતાં પણ આ લોકો બસ ઊભી રાખતા નથી. જેના કારણે આવા અકસ્માત થાય છે.૧૭૧ના મૃત્યુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.