Western Times News

Gujarati News

જીવ અને જગતનું રહસ્ય

ધરતીની સુગંધઃ દીનકરભાઈ દેસાઈ વિશ્વબંધુ

આપણા સનાતન વૈદિક સાહિત્યમાં એવા કેટલાક પ્રસિદ્ધ પ્રસંગો છે, જે સેકડો વર્ષોથી સાધુ-મહાત્માઓની કથાઓમાં તેમજ અનેક લેખકોની ચર્ચા માટેના એ વિષયો રહેલા છે અને જેની ભવિષ્યમાં તેટલી જ મહત્તા અને ઉપયોગીતા છે, કારણ તેની વિચારસામગ્રી સત્યસંશોધન માટેની છે, ‘હું કોણ ?’ તે સમજવા માટેની છે. હાલનો જમાનો અર્થ-કામનો છે. ધર્મ-મોક્ષ માટેનો મુખ્યત્વે નહી છતાં આ દેશ હજુ ધર્મવિહોણો નથી તેથી ઈતજરનો તેની કદર કરે છે. એટલું તો આ દેશનું સદ્‌ભાગ્ય છે !
‘છાંદોગ્યોપનિષદમાં જીવ અને જગતનું રહસ્ય સમજાવ્યું છે. તત્વજ્ઞાપિતા ઉદાલક આરૂણી અને તત્વજીજ્ઞાસુ પુત્ર શ્વેતકેતુના સંવાદમાંથી આ રહસ્ય પ્રાપ્ત થાય છે.

પોતાના પિતા ઉદાલક આરૂણી પાસથી, પુત્ર શ્વેતકેતુએ એ જાણવાની ઈચ્છા બતાવી કે, ઉંઘ શું છે ?’
ઉદાલકે કહ્યુંઃ ‘હે પુત્ર ! સાંભળ, હું તને બતાવું છું કે ઉંઘ શું છે.’

માણસ માટે આપણે એમ કહીએ છીએ કે, તે ઉઘી ગયો છે.’ ત્યારે આપણે એ જાણવું જોઈએ કે આ વિશ્વાત્મા જેસત છે તેની સાથે તે એકાકાર થઈ ગયો છે. ત્યારે બ્રહ્મચેતનાનો અભાવ હોય છે અનેતે અંતશ્વેતના સાથે એકરૂપ હોય છે. આ અવસ્થામાં તે વાસ્તવીક પોતપણાની પ્રાપ્ત કરે છે. જેવી રીતે દોરથી બંધાયેલ પક્ષી કોઈવાર આ બાજુ ઉડે છે. તો કોઈવાર બીજી બાજુ ઉડે છે, પણ અંતે તો આરામ લેવા, જયાં તે દોરીનો છેડો છે ત્યાં આવીને જ આરામ કરે છે. એ જ પ્રમાણે મનરૂપી પક્ષીનો દોર પ્રાણ આત્મા છે. મન પણ અહીં તહીં ભટકયા બાદ કોઈ આશ્ચયસ્થાન ન મળતાં આત્માનો જ આશ્રય શોધે છે.

શ્વેતકેતુએ કહ્યુંઃ ‘પિતાજી ! મને ભૂખતરસની વિશેષતા બતાવો ?’

ઉદાલકે કહ્યુંઃ ‘માણસ જયારે એમ કહે કે, હું ભુખ્યો છું. ત્યારે માની લેવું જોઈએ કે એનાં શરીરમાં અન્ન અને પાણીનો અભાવ છે. માણસ અનાજ ખાય છે. અને પાણી તેને ગળાની નીચે ઉતારે છે, એટલે તો પાણીને અન્નને નીચે ઉતારનાર ‘અશનાય’ કહે છે. કહેવાય છે કે, શરીરનું કારણ પણ તે જ છે. આ શરીરની ઉત્પત્તિ કારણ વિના થઈ નથી તે સમજવું જોઈએ.’

શ્વેતકેતુએ પૂછયુંઃ‘પિતાજી ! એ કારણ કર્યું ?’

ઉદાલકે ઉત્તર આપ્યોઃ ‘પાણી વિના એનું બીજું કારણ કયું હોઈ શકે ભલા ? અન્નને ઉત્પન્ન કરનાર પાણી છે. અને આ શરીર પણ અન્નથી જ ઉત્પન્ન થાય છે, એટલે પાણી જ શરીરનું મુળ કારણ છે. પાણીની ઉત્પતી જગતનાં પ્રાણીમાત્રની ઉત્પતિ આ એક ‘સત્ય’ જ છે. ‘હું તરસ્યો છું.એમ માણસ કહે, ત્યારે તેનામાં પાણીનો અભાવ છે. તેમ સમજવું. માણસ તેજ દ્વારા પાણીને ગળાની નીચે ઉતારે છે એટલે જ પાણીને લઈ જનાર તેજને ‘ઉદન્ય’ કહે છે. આ શરીરનું કારણ તે છે. આ શરીરની ઉત્પતી કારણ વિના થઈ નથી તે સમજવું જાઈએ.’

શ્વેતકેતુએ ફરીથી પૂછયુંઃ તે કારણ કર્યું ?’

ઉદાલકે કહ્યુંઃ પાણી વિના એનું બીજું કારણ કયું હોઈ શકે ? તારે જાણવું જાઈએ કે, જે તેજ પાણીનું કારણ છે અને તેજનું કારણ સત્ય છે. આ પ્રકારે આ વિધીનાં સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ, સ્થિતી અને અંતનું મુળ કારણ આ સત્ય છે, જયારે માણસ આ સંસારને છોડીને જાય છે. ત્યારે, વાણી મનમાંવિલીન થઈ જાય છે, મન પ્રાણમાં વિલીન થઈ જાય છે. આત્મા તેજમાં લીન થઈ જાય અને અંતે તેજ પરબ્રહ્મ મગ્ન થઈ છે., સમસ્ત વિશ્વનો પ્રાણતે પરબ્રહ્મ છે. તે પરબ્રહ્મ સત્ય છે. તે જ વિશ્વનો આત્મા છે. હે

શ્વેતકેતુ ! તું જ તે આત્મા છે.’ શ્વેતકેતુએ પૂછયુંઃ પિતાજી ! હું વળી તે આત્મા શી રીતે હોઈ શકું ? તમે આ બાબતમાં જરા વધારે સ્પષ્ટ રીતે સમજાવવાની કૃપા કરો.’

ઉદલકે કહ્યુંઃ‘પુત્ર ! તારી વાત યોગ્ય છે. મારે તને સારી રીતે સમજાવવું જાઈએ. તો સાંભળ. જેવી રીતે મધમાખી મધ તૈયાર કરવાની ઈચ્છાથી અનેક વૃક્ષોનાં ફુલોમાંથી રસ એકત્રીત કરે છે, પણ સરવાળે એક જ વિશીષ્ટ રસમાં ફેરવી દે છે, જેને આપણે મધ કહીએ છીએ. વિભીન્ન વૃક્ષોમાં ફુલોમાંથી રસ મેળવવ્યો હોવા છતાં એના રસમાં કોઈ અસમાનતા રહેતી નથી. તેવી જ રીતે હે પુત્ર ! આ વિશ્વનાં સમસ્ત પ્રાણીઓ મૃત્યુ બાદ એક માત્ર સત્યરૂપમાં ફેરવાઈ જાય છે અને એનાંપાડવામાં આવેલાં નામ નષ્ટ થઈ જાય છે. કયાવૃક્ષનાં ફુલોનું આ મધ તે મધની બાબતમાં કહી શકાતું નથી. તેમ આ કયો આત્માકોનો આત્મા તે કહી શકાતું નથી. વળી પાછો તે પોતાનાં વિશીષ્ટ નામો ધારણ કરીને જન્મ લે છે, જે મરણ પહેલાં તેણે ધારણ કરેલાં હોય છે. વાઘ, સિંહ, રીંછ, કીડા, પતંગીયાં, મચ્છર ઈત્યાદી જીવજંતુઓના સબંધમાં પણ એમ જ માનવાનું છે. જે મુળ તત્વ છે, તે આત્મા છે. તે સત્ય છે. હે શ્વેતકેતુ ! તું સ્વયં તે આત્મા છે, તે જ સત્ય તું છે.’

શ્વેતકેતુએ કહ્યુંઃ ‘પિતાજી ! હજી આ વિષયને જરા બરાબર સ્પષ્ટ કરો.’ ઉદાલકે કહ્યુંઃ તારી વાત યોગ્ય છે, તો સાંભળ આ નદીઓ પૂર્વમાંથી નીકળી પશ્ચિમ બાજુવહે છે. અને અંતે સમુદ્રને મળે છે. પછી વાદળો દ્વારા પાછી વરસાદના રૂપમાં પાછી ફરે અને નવા સ્વરૂપે જન્મ ધારણ કરે છે. આ નદીઓમાં વહેતું પાણી એ જ હોય છે. જે પહેલાં હતું. પણ નદીને એની ખબર નથી હોતી. તે પ્રમાણે આ જગતના જીવોની ઉત્પત્તિ સત્યમાંથી થયા પછી એ નથી જાણતા કે પોતાની ઉત્પત્તિ સત્યમાંથી થઈ છે. જેવી રીતે નદીઓ પોતાનું અસલ સ્વરૂપ ન જાણતી હોવા છતાં, પોતાનું મુળ નામ, આકાર ધારણ કરી લે છે, તેમ જીવ પણ પોતાનું સત્યરૂપ ન જાણ્યા છતાં પોતાનું મુળ રૂપ, આકાર ધારણ કરી લે છે. જે મુળ તત્વ છે તે આત્મા છે, તે સત્ય છે. હે

શ્વેતકેતુ ! તું તે જ છે.’ શ્વેતકેતુએ પૂછયુંઃ ‘પિતાજી ! તમારું કહેવું બરાબર છે, પણ કૃપા કરીને મને એ સમજાવો કે પ્રાણી ઉની અવ્યવસ્થામાં અને મૃત્યુની અવ્યવસ્થામાં વિશ્વાસત્મામાં વિલીન થઈ જતું હોવા છતાં પોતપોતાની વિશીષ્ટતા કેમ નથી ગુમાવતું ?’

ઉદાલકે કહ્યુંઃ ‘બેટા !એ હું તને સમજાવું. કોઈ મોટા વૃક્ષના મુળમાં કુહાડીનો ઘા કરવામાં આવે તો તેની અંદર રહેલ જીવનરસ ટપકવા લાગશે. થડ કે ડાળીઓ પર ઘા થાય તો ત્યાંથી પણ એ જ જીવનસ્રસ મળવાનો જયાં સુધી એનામાં જીવ હશે ત્યાંસુધી એપૃથ્વીમાંથી સત્ય ચુસ્યા વિના રહેવાનું નહી. પણ જયારે તેની કોઈ ડાળીને જીવનરસ મળતો બંધ થાય, ત્યારે તે ડાળી સુકાઈ જાય. બીજી ડાળીમાં જીવનરસ પહોચે નહી, તો તેનું પણ તેમ જ થાય અને અંતે આખું વૃક્ષ સુકાઈ જાય. એ જ પ્રમાણે તારે જાણવું જાઈએ કે, આ શરીરમાંથી જયારે જીવનરસ ચાલ્યો જાય છે. ત્યારે શરીર અવશ્ય મરી જાય છે, પણ જીવન મરી જતું નથી. તે જીવન, જે આ શરીરમાં રહેલ આત્મા છે, જે સત્ય છે. સત્ય જ વિશ્વનો આત્મા છે. હે શ્વેતકેતુ ! તું પણ જાણે જ આત્મા છે.’

શ્વેતકેતુના મનમાં હજી પણ કેટલીક શંકાઓ પડી હતી. એની જ્ઞાનિપપાસા અદમ્ય હતી, એટલે પિતાને પુછયુંઃ પિતાજી! અદશ્ય અને નામરૂપ રહીત સત્ય દ્વારા આ સૃષ્ટિની ઉત્પતી શી રીતે થઈ અને એનો વિકાસ કેવી રીતે થયો તે કૃપા કરીને બતાવો.’

ઉદાલક બોલ્યોઃ ‘તારી વાત યોગ્ય છે. પહેલાં તો તું વડનો એક ટેટો લાવ.’ શ્વેતકેતુ પાસે જ આવેલા એક વડનો ટેટો લઈ આવ્યો. ઉદાલકે કહ્યુંઃ હવે તું તેને તોડી નાખ !’ શ્વેતકેતુએ ટેટાને તોડયો, તો તેમાં નાનાં નાનાં બીજ દેખાયાં. ઉદાલકે એ બીજને પણ તોડી નાખવાનું કહ્યું. શ્વેતકેતુએ તેમ કર્યું, પછી ઉદાલકે પૂછયુંઃ ‘હે પુત્ર ! હવે બીજમાં શું છે તે મને કહે.’
શ્વેતકેતુએ કહ્યુંઃ કશું જ નથી રહેતું, પિતાજી !’

ઉદાલકે તેને સમજાવ્યુંઃ ‘ બેટા ! બસ આ કશું જ નહી શૂન્યમાંથી જે મહાન વટવૃક્ષની ઉત્પતી થઈ છે, તે જ પ્રમાણે આ સત્ય જે નામરૂપરહીત અને અદૃશ્ય છે, તેમાંથી જ આ વિરાટ સૃષ્ટિ ઉભી થઈ છે, એ સત્ય જ આત્મા છે અને હે શ્વેતકેતુ ! તુંપોતે પણ તે જ છે !’

શ્વેતકેતુએ પિતાની વાત સાંભળી પછી કહ્યુંઃ પિતાજી ! સત્યમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ હોવા છતાં તે સ્થાયી કેમ નથી રહેતી. ? કૃપા કરીને મને સમજાવો.’

ઉદાલકે કહ્યુંઃ બેટા ! તારી વાત યોગ્ય છે. પહેલાં તું એક કામ કર. સવારે તું આવજે પણ તે પહેલાં સ્વચ્છ પાણીમાં થોડું મીઠું નાખીને રાખી મુકજે.’ બીજે દિદવસે મીઠું પાણી ભરેલું વાસણલઈને શ્વેતકેતુ પિતાની પાસે ગયો.
પિતાએ કહ્યુંઃ હે શ્વેતકેતુ ! હવે તું એ પાણીમાંથી તારું નાખેલું મીઠું કાઢી આપ.’ પણ, પાણીમાં નાખેલું મીઠું તો સમગ્ર પાણીમાં નાખેલું મીઠું તો સમગ્ર પાણીમાં એકાકાર થઈ ગયું હતું. તે કયાંથી મળે ?
ઉદાલકે કહ્યુંઃ ‘તું આ પાણીને ચાખી જાઈઅ. તને એ કેવું લાગે છે તે કહે જાઈએ.’
શ્વેતકેતુએ પાણી ચાખ્યું અને કહ્યુંઃ પિતાજી ! એ ખારું લાગે છે.’
ઉદાલકે કહ્યુંઃ બેટા ! હવે એ પાણીને ઉપરથી, વચ્ચેથી અને છેક નીચેથી ચાખ અને કહે જાઈએ, તને કેવું લાગે છે ?’
જવાબ મળ્યો,‘ખારું.’

ઉદાલકે પુત્રની પરીક્ષા લેવા પૂછયું ‘બેટા ! અનુભવ ઉપરથી તું કયા નિર્ણય ઉપર પહોચ્યો ?’
બુદ્ધિમાન પુત્રે જવાબ આપ્યો.‘ આ મીઠું જે પાણીમાં એકાકાર થઈ ગયું તે શાશ્વત છે. પાણીમાં ભળ્યાથી તેનું રૂપ બદલાયું છે, પણ મુળ તત્વ હાજર છે. તે સ્વયં ગમે તે પરીસ્થિતીમાં નષ્ટ થતું નથી. જોકે હું તેને હવે આંખોથી જાઈ શકતો નથી, છતાં મારી જીભ તેના અસ્તિત્વનો અનુભવ તો કરે છે જ.’

પછી પિતાએ કહ્યુંઃ
‘બેટા ! જે સત્યે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે તે સત્ય આત્મા અદૃશ્ય સ્વરૂપે વ્યાપ્ત છે. આત્મા દેખાતો નથી, છતાં તેની હાજરીનો અનુભવ તો થાય છે જે તે સર્વત્ર વિધામાન છે. હે શ્વેતકેતુ! તે સત્ય છે. તું પણ સ્વયં તે જ છે.

શ્વેતકેતુનાં જ્ઞાનચક્ષુ હવે ઉઘડયાં હતાં, છતાં એણેપુછયુંઃ પિતાજી ! જેવી રીતેઆ મીઠું અદૃશ્ય હોવા છતાં જીભ દ્વારા તેનો અનુભવ થઈ શકે છે તેમ આ વિશ્વનું કારણ જે આત્મા છે. તે આ સ્થુળ ઈન્દ્રીયો દ્વારા અનુભવગયમ્ય છે.ન હોવા છતાં મન અને બુદ્ધિ દ્વારા કેવી રીતે ગમ્ય થાય તે કૃપા કરીતે મને હવે બતાવો. હું સમજી ગયો છું. કે જયાં સુધી આ આત્મતત્વ શું છે તેનો તાગ નહી મેળવું ત્યાં સુધી મારુ કલ્યાણનથી. હું આ આત્માને જાણવા માગું છું એનો અનુભવ થાય તેવું સાધન મને બતાવો.’
ઉદાલકે કહ્યુંઃ ‘બેટા ! તારી વાત યોગ્ય છે. વળી, તે તે જાણવા માટે તું અધિકારી જીવ પણ છે, માટે હું જે કહું તે ધ્યાન દઈને સાંભળ અને મસજવાનો પ્રયત્ન કર. જા ગાંધાર દેશના કોઈ પુરુષની આંખે પાટો બાંધી કોઈ નિર્જન સ્થળમાં છોડી મુકવામાં આવે અને એની આંખનો પાટો કોઈ સજજન છોડી ગાંધાર દેશનો માર્ગ બતાવે, તો પછી એ પુરુષ એની મેળે એ દેશમાં પહોંચી જવા શકિતશાળી બને છે. તેમ આ સંસારમાં જન્મ ધર્યા પછી મનુષ્યને એવી ખબર પડે કે પોતે ભૂલો પડયો છે.અને સાચા જ્ઞાનનીફ ઈચ્છા રાખનાર મનુષ્યને કોઈ યોગ્ય ગુરુ મળી જાય, અને તેની પાસેથી જા આત્માને પ્રાપ્ત કરવાનો માર્ગ જાણી લે, તો પછી તે મનુષ્ય તેને પ્રાપ્ત કર્યાવિના રહેતો નથી. જયાં સુધી તે સમસ્ત સાંસારીક બંધનોથી મુકત થઈને મોક્ષ પ્રાપ્ત નથી કરી લેતો, ત્યાં સુધી તે શાંતીનો શ્વાસ લેશે નહીં, હે શ્વેતકેતુ ! વિશ્વનો અણુરૂપ આત્મા જ સત્ય છે અને તે સ્વયં તું જ છે.’

શ્વેતકેતુએ નમ્રતાપૂર્વક કહ્યુંઃ ‘પિતાજી ! હજી પણ ફરી એકવાર મને એ સમજાવવાની કૃપા કરો કે આ સત્યને મારે કેવીરીતે પ્રાપ્ત કરવું ?’

ઉદાલકે કહ્યુંઃ ‘બેટા ! તારી વાત યોગ્ય છે. તને એક દૃષ્ટાંત દ્વારા સમજાવું જયારે કોઈ વ્યકિત રોગનો ભોગ બની મરણ પામવાની તૈયારીમાં હોય છે, ત્યારે, એનાંસગાં-વહાલાં જીજ્ઞાસાવશ એને પુછે છે, મને ઓળખો છો કે ? રોગી એ સંબંધીને ઓળખી જાય છે. તેનું નામ પણ દે છે, પણ પછી તો એ રોગીની વાણીમનમાં લીન થઈ જાય છે, મન જીવમાં લીન થઈ જાય છે, આત્મા તેજમાં ભળી જાય છે. અને તેજ આત્મામાં લય પામી જાય છે, ત્યારે તો તે કોઈને ઓળખી શકતો નથી. જે અણુ સ્વરૂપ આત્મા જે તત્વમાં લીન થઈ જાય છે. તે પરમ સત્ય છે. હે બેટા !એ સત્યસ્વરૂપ આત્મા સ્વયં તું જ છે.’

સંસારમાં જન્મેલા અને મોહ-માયાથી વીટળાયેલા આત્માને પોતાના નિજસ્વરૂપનો સાચો ખ્યાલ ન હોવાથી અહી તહી અથડાયા કરે છે. અને અંતે નશ્વર દેહ છોડી નવો દેહ ધારણ કરે છ. માયાનુંબંધન ઝટ છૂટે તેવું નથી.નદીની માફક ફરીથી પાછો પોતાની આકૃતિ ધારણ કરે છે, અને પાછું એનું એ જ ‘તત્વમસિ’ સૂત્રને યથાર્થ સમજીએ તો આત્માના અસલ સ્વરૂપનો ખ્યાલ આવે. જગતના જીવો મહદ અંશે તો ભૌતિક સુખ-સગવડો મેળવવા રાત-દિવસ મચ્યા રહે છે અને જન્મ-મરણની ઘટમાળમાં ફાવટ આવી ગઈ હોવાથી મસ્ત બનીને ફર્યા કરે છે. કરોડોમાંથી કોઈક જ આત્માની શોધ માટે પ્રયત્નો કરે છે અને ભાગ્યે જ કોઈ અનેક જન્મોના અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.