Western Times News

Gujarati News

UGVCLની જાહેરાતમાં ડિગ્રી એન્જીનિયર અરજી ન કરી શકતાં રજૂઆત

મોડાસાના વાલી દ્વારા એડિશનલ જનરલ મેનેજરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યો –અગાઉની ભરતીમાં ડિગ્રી એન્જીનિયરને સ્નાતકકક્ષાના ગણી ભરતી કરાતી હતી

ગુજરાતમાં વીજ કંપનીઓના અનેક ધાંધિયા લોકો સામે આવતા હોય છે. તેમાંય ચાલુ વર્ષે યુજીવીસીએલની વિદ્યુત સહાયકની જાહેરાતમાં બી.ઈ.ડિગ્રી એન્જીનિયરીંગ કરેલ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી ન શકતાં ભારે રોષ ઉભો થયો છે. જેમાં અગાઉ થયેલ ભરતીમાં એન્જીનિયરીંગ કરેલ ઉમેદવારોને સ્નાતકકક્ષાના ગણીને ભરતી કરવામાં આવી હતી. ત્યારે તાજેતરમાં જ આવેલ જાહેરાતમાં એન્જીનિયરોને સ્નાતકકક્ષાના ન ગણ્યા હોય તેમ ઓનલાઈનમાં એપ્લીકેશન થઈ શકતી નથી. જેના પગલે મોડાસાના એક વાલીએ યુજીવીસીએલના એડિશનલ જનલર મેનેજરને લેખિત અરજી કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો અને સ્નાતક કરતાં એક વર્ષ વધુ અભ્યાસ કરેલાને પણ યોગ્ય ન ગણવામાં આવતી આ નિતિને વખોડી હતી.
ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડની ગત ૨૬ ડિસેમ્બરના રોજ વિદ્યુતસહાયક (જુનિયર આસિસ્ટન્ટ)ની ભરતી માટેની જાહેરાત પ્રસિધ્ધ કરાઈ હતી. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને જેમ જેમ કોલમ ભરાતા જાય તેમ તેમ એપ્લીકેશન આગળ વધતી જાય છે. કંપનીએ માગ્યા પ્રમાણેના સંપૂર્ણ ડેટા ભરાઈ જાય ત્યારે જ ફોર્મ ભરાતું હોય છે. આ જાહેરાત સંદર્ભે મોડાસાના એક બી.ઈ.ડિગ્રી એન્જીનિયરે પણ ઉમેદવારી કરવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરતાં ફોર્મ ભરાયું ન હતું.
ઓનલાઈન ફોર્મ ન ભરાતાં ઉમેદવારના વાલી ધર્મેન્દ્રકુમાર શાહે ઉત્તર ગુજરાત વીજ કંપનીના એડિશનલ જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ડિગ્રી એન્જીનિયરીંગમાં ૫૫ ટકા કરતાં વધુ માર્ક ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકતા નથી.
આ અગાઉ જ્યારે પણ વિદ્યુત સહાયકના ફોર્મ ભરાયા હતા તેમાં બી.ઈ.ડિગ્રી એન્જીનિયરીંગ કરેલા ઉમેદવારોને લાયક ગણવામાં આવ્યા હતા અને તે સમયે ફોર્મ ભરાયા હતા. પરંતુ ગત વર્ષની અરજીઓ રદ કરી નવેસરથી જાહેરાત આવી તેમાં બી.ઈ.થયેલ ઉમેદવારોને અન્યાય થયો છે.
હાલમાં હજારોની સંખ્યામાં બી.ઈ. થયેલા ઉમેદવારો બેકાર છે ત્યારે આવી જાહેરાતોમાંથી પણ તેઓને સ્નાતક સમકક્ષ ન ગણીને બાકાત રાખવામાં આવે તે અન્યાય છે. સરકારની જે સ્નાતકકક્ષાની જાહેરાત આવે તેમાં બી.ઈ.થયેલાને સ્નાતક સમકક્ષ ગણવામાં આવે છે અને તેઓ અરજીઓ પણ કરી શકે છે. ત્યારે ૨૬ ડિસેમ્બરે યુજીવીસીએલની જે જાહેરાત આવી તેમાં બી.ઈ.થયેલ ઉમેદવારોને બાકાત કેમ રખાયા ? આ અંગે તાત્કાલીક અસરથી ફરીથી જી.આર.બહાર પાડી બી.ઈ.ઉમેદવારો ફોર્મ ભરી શકે તેમ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
 મોડાસાની તત્વ એન્જીનિયરીંગ કોલેજના ડાયરેક્ટર શું કહે છે ? : તાજેતરમાં યુજીવીસીએલ કંપનીએ વિદ્યુત સહાયકની જાહેરાત બહાર પાડી છે જેમાં બી.ઈ.ડિગ્રી એન્જીનિયરીંગ કરેલ ઉમેદવારોને સ્નાતક સમકક્ષ ન ગણ્યા હોય તેમ તેઓ ઓનલાઈન ફોર્મ ભરવામાં નિષ્ફળ થયા છે.
આ અંગે મોડાસાની તત્વ એન્જીનિયરીંગ કોલેજના ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર રોજગાર આપવાને બદલે રોજગાર મળતો હોય તે પણ છીનવી લેતી હોય તેવું લાગી રહ્યું છે. બેરોજગારી વધારવાને બદલે તેઓને નવી તકો કે પ્રોત્સાહન આપવામાં આવે. સાથે સ્નાતક કરતાં પણ એક વર્ષ વધુ અભ્યાસ કરેલા ઉમેદવારોને સ્નાતકકક્ષાના ન ગણવામાં આવે તે તો અણધડ નિતિ કહેવાય અને જો સ્નાતકકક્ષાના ન ગણવામાં આવે તો આવા ઉમેદવારો માટે બીજી તકો ઉભી કરવામાં આવે અથવા એન્જિનિયરીંગ થયેલા વિદ્યાર્થીઓને સ્નાતકકક્ષાના ગણવામાં આવે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.