Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાનું આજે સત્ર તોફાની બનશે : અનેક મુદ્દા છવાશે

File Photo

અમદાવાદ: રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર આવતીકાલે મળનાર છે. સત્ર એક દિવસનું હોવા છતાં તેમાં કેટલીક મહત્વની બાબતો રજૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી એક દિવસના સત્રમાં પણ સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે જેમાં બાળકોના મોતના મામલે, ખેડૂતોને હાલમાં કમોસમી વરસાદ અને કરાથી નુકસાન, બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં તીડથી ખેડૂતોને નુકસાન સહિતના મુદ્દા ચમકે તેવી શક્યતા છે. આ ઉપરાંત નાગરિક સુધારા કાનૂન, હાલની હિંસાના મુદ્દા પણ એક દિવસના સત્રમાં ચમકશે.

આવતીકાલે તા.૧૦મી જાન્યુઆરીએ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનું છે. જેમાં ભાજપ સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલાં સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. તો બીજી તરફ કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત, સીએએનો વિરોધ, એનએસયુઆઇના કાર્યકરો પર એબીવીપીના લોકો દ્વારા જીવલેણ હુમલો સહિતના મુદ્દે આક્રમક વલણ અપનાવી ભાજપ સરકારને સાણસામાં લેવા તૈયાર છે.


જેના કારણે આવતીકાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર તોફાની બને તેવી પૂરી શક્યતા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં નવજાત બાળકોના મોત મુદ્દે હવે રાજકારણ ગરમાયુ છે. એક દિવસીય વિધાનસભાના સત્રને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. વિપક્ષ હવે ગુજરાત સરકારને આડે હાથે લઇ રહી છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્રમાં બાળકોના મોતનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ હવે સરકારને ઘેરવા તૈયારીઓ કરી કરી છે.

એકબાજુ, ભાજપ સરકાર આવતીકાલના વિધાનસભા ગૃહમાં સીએએના સમર્થનમાં પ્રસ્તાવ લાવી મોદી સરકારને સીધો ટેકો આપવાની ફિરાકમાં છે, જા કે, કોંગ્રેસ સીએએનો સ્પષ્ટ રીતે વિરોધ કરી રહ્યું છે અને તે આ કાયદાને દેશના હિતમાં ના હોઇ તેનો કોઇપણ ભોગે અમલ નહી કરવા દેવાના વિરોધ કાર્યક્રમો ગુજરાત સહિત દેશભરમાં આપી રહ્યું છે

ત્યારે સીએએના મુદ્દે પણ આવતીકાલે વિધાનસભા ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે તડાફડી થવાના એંધાણ છે. ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર આવતીકાલે (૧૦મી જાન્યુઆરી) મળવા જઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં ચાલી રહેતા સાંપ્રત પ્રવાહોના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ રાજ્યના બજેટ વિશે પણ મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યના બજેટ જાહેર કરવાની તારીખનું એલાન થઈ ગયું છે. ૨૪ ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ થશે, અને રાજ્યનું બજેટ સત્ર ૩૧ માર્ચ સુધી ચાલશે.

રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી એવા નીતિનભાઇ પટેલ આ વખતે ગુજરાત રાજયનું મહત્વનું બજેટ રજૂ કરશે જેને લઇને પણ હવે સામાન્ય માણસની ઇન્તેજારી વધી છે કે, ગુજરાત સરકાર નવા વર્ષના બજેટમાં આમ આદમીને કેવી અને કેટલા પ્રકારની રાહતો આપે છે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ આવતીકાલે સત્ર મળશે. સત્રની શરૂઆત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૭૬ મુજબ રાજ્યપાલના સંબોધનથી થશે. સંબોધન બાદ ૧૫ મિનિટનો વિરામ રહેશે. ત્યારબાદ ગૃહની બેઠક મળશે. ત્યારબાદ કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો અહેવાલ રજૂ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.