Western Times News

Gujarati News

મોડાસાની ૧૭ વર્ષીય નિલાંશી પટેલએ પોતાના જ લાંબા વાળનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

૨૦૧૮ માં ૧૭૦.૫ સેન્ટિમીટર હતો જે ૨૦૧૯  માં ૧૯૦ સેન્ટિમીટર થતાં વિશ્વ રેકોર્ડ

મોડાસાની નિલાંશી પટેલ સૌથી આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવે છે. ર૦૧૮માં ઈટલીના રોમ ખાતે ૧૭૦.પ સે.મી લાંબા વાળ સાથે ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અગાઉ નામ નોંધાયુ હતુ. ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થીનીએ સતત બીજા વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડયો છે અને ૧૯૦ સે.મી. લાંબા વાળ સાથે સતત બીજા વર્ષે લોન્ગેસ્ટ હેયર ટીનેજરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ૧૮ વર્ષથી નીચેની ઉંમરમાં આખા વિશ્વમાં સૌથી લાંબા વાળ નિલાંશી ધરાવે છે અને ગત વર્ષનો પોતાનો જ રેકોર્ડ તેણે તોડયો છે.

મોડાસા તાલુકાના સાયરાના શિક્ષક દંપતિ બ્રિજેશભાઈ પટેલ અને કામિનીબેનની દિકરીએ આ સિધ્ધી હાંસલ કરતાં સમગ્ર દેશનુ નામ રોશન કર્યુ છે. આ અગાઉ નિલાંશીએ પોતાના લાંબા વાળ માટે લિમ્કાબુકમાં નોધણી કરાવી હતી.

હવે સતત બે વર્ષથી ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી રહ્યુ છે. નાનપણથી જ સૌથી લાંબા વાળ રાખવાની તમન્ના ધરાવતી નિલાંશી હાલ ધોરણ ધો-૧ર સાયન્સમાં અભ્યાસ કરે છે અને ભણવામાં પણ અવ્વલ છે.

સાથે જ ટેબલ ટેનિસ અને તરણ સ્પર્ધાની કુશળ ખેલાડી છે. આમ તો રમતો દરમિયાન પોતાના વાળનુ ખાસ ધ્યાન રાખવુ પડતુ હોય છે ત્યારે નિલાંશી રમતની સાથે પોતાના માથાના વાળની પણ ખુબ જ કાળજી રાખે છે. નાનપણ થી જ નિલાંશી અને તેના માતા-પિતાની ઈચ્છા હતી કે, વિશ્વમાં સૌથી મોટા વાળ રાખવાનો રેકોર્ડ પોતાના નામે કરવો છે.

વાળની કાળજી રાખવાનુ શરૂ કર્યુ અને બે વખત ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. ર૦૧૮માં ૧૭૦ સે.મી લાંબા વાળ સાથે ઈટલીના રોમ ખાતે આ રેકોર્ડ સર્જાયો હતો અને આરજેન્ટીનાની ટીનેજર્સનો લાંબા વાળનો રેકોર્ડ નિલાંશીએ તોડયો હતો.

૧૮ વર્ષથી નીચેની ઉંમરે ર૦૧૮ અને ર૦૧૯ એમ સતત બે વર્ષ સુંધી પોતાનું નામ ગિનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવનાર નિલાંશી એક માત્ર ભારતીય છે. લાંબા વાળનો રેકોર્ડ દર વર્ષે અલગ અલગ દેશોના નામે હોય છે,પરંતુ લોન્ગેસ્ટ ઓફ હેયર ટીનેજર્સમાં નિલાંશીએ ભારતનો ડંકો વગાડયો છે. આગામી સમયમાં પણ સૌથી લાંબા વાળમાં તે વિશ્વમાં પ્રથમ રહેવા માગે છે.

નિલાંશી આઈઆઈટી માં કારકિર્દી બનાવવામાં ધ્યાન આપી રહી છે  ધો-૧ર સાયન્સ બાદ નિલાંશી આઈઆઈટી કોમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા ધરાવે છે. મહિલાઓ અને યુવતીઓને સંદેશ આપવા માગે છે. લાંબા વાળ કોઈ મુશ્કેલી સર્જતા નથી. વાળ એ કુદરતી છે.તેની જેટલી માવજત કરીએ તેટલી ઓછી. આજ કાલ ટૂંકા વાળ રાખવાની ફેશન છે નિલાંશી પટેલે જણાવ્યું હતું કે કોઈપણ જગ્યાએ તે જાય છે ત્યારે લોકો તેની સાથે સેલ્ફીઓ લેવા ઉત્સુક હોય છે. જેથી પોતે એક સેલિબ્રિટી જેવું અનુભવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.