Western Times News

Gujarati News

બટાકા ઉત્પાદનમા ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે – ડૉ. સ્વરૂપકુમાર ચક્રવર્તી

28-30 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગર ખાતે ગ્લોબલ પોટેટો કૉન્ક્લેવનું આયોજન થશે

અમદાવાદ,  28 થી 31 જાન્યુઆરી, 2020 દરમિયાન ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ પોટેટો કોન્કલેવનું આયોજન થશે. જેનાં અનુસંધાને આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય બટાકા અનુસંધાન સંસ્થાન (સીપીઆરઆઈ)નાં ડાયરેકટર ડૉ. સ્વરૂપકુમાર ચક્રવર્તીએ જણાવ્યું કે, માણસો દ્વારા ભોજન માટે ઉપયોગમાં લેવાના સંદર્ભમાં ચોખા અને ઘઉં પછી વિશ્વમાં બટાકા ત્રીજો સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પાક છે. વિશ્વની ખાદ્ય અને પોષણ સુરક્ષામાં તેના મહત્વને કારણે વર્ષ 2008ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બટાકા વર્ષ તરીકે જાહેર કર્યુ હતું. વર્ષ 2008 પછી ગુજરાતમાં બટાકાના ઉત્પાદનમાં ક્રાંતિ થઈ છે. ઉત્પાદનમાં 1.5 થી 2% નો વધારો થયો છે. ગુજરાતમાંથી નિકાસની ઘણી તકો છે. અત્યારે કુલ ઉત્પાદનમાંથી 8% ઉત્પાદન ગુજરાતમાંથી આવે છે. બટાકા ઉત્પાદનમા ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. બટાકાની કુલ 3,80,000 મેટ્રિક ટન નિકાસમાંથી 1 લાખની આસપાસ જેટલી નિકાસ માત્ર ગુજરાતમાંથી થાય છે. 2050 સુધીમાં 125 મિલિયન મેટ્રિક ટન બટાકાના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

શ્રી ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું કે વિશ્વની અર્થવ્યવસ્થાના વિકાસમાં આવી રહેલી તેજી તેમજ લોકોની ખાન-પાનની ટેવોમાં આવી રહેલા પરિવર્તનને કારણે તાજા વપરાશ, પ્રસંસ્કરણ, નિકાસ તેમજ ગુણવત્તાપૂર્ણ બિયારણના સંદર્ભમાં બટાકાની માગમાં વધારો થવાની મોટા પ્રમાણમાં અને પર્યાપ્ત તકો રહેલી છે. સમગ્ર વિશ્વમાં વધી રહેલી માગણીઓને પૂર્ણ કરવા માટે વર્ષ 2050 સુધીમાં બટાકાના ઉત્પાદનમાં 89 ટકાનો વધારો કરીને તેને 711.5 મિલિયન ટન સુધી પહોંચાડવાની જરૂરિયાત છે.

10 વર્ષ બાદ નેધરલેન્ડની ભાગીદારીમાં આ કોન્કલેવનું આયોજન થવા જઇ રહ્યુ છે. આ કોનકલેવ 3 ભાગમાં આયોજિત થશે. આ ગ્લોબલ પોટેટો કોન્કલેવનું 28 જાન્યુઆરી 2020નાં રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કરશે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે.

તેમણે જણાવ્યું હતુ કે આ કોન્કલેવમાં કોન્ફરસ અને એગ્રી એકસ્પોની સાથે સાથે લગભગ 200 થી 300 જેટલા સટૉલ્સ પણ હશે. આ કોન્ફરન્સમાં 31 જાન્યુઆરીનાં રોજ ચન્દ્રાલા ગામમા લાઈવ ડેમોસટ્રેશન માટે લગભગ 100 જેટલા ડેલિગેટસને લઈ જવામાં આવશે. આ કોન્ફરન્સમાં બટાકાની વિવિધ પ્રજાતિઓ વિશે બતાવવામાં આવશે જે ખેડૂતોએ જોવી અને સમજવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાતના ખેડૂતો જાગૃત છે. તેમણે ખેડૂતોને નવી ટેકનોલોજી વિશે જાણવા આમંત્રિત કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.