Western Times News

Gujarati News

ગુજરાત કોંગ્રેસના માળખામાં ધરખમ ફેરફારના એંધાણ

Files Photo

અમદાવાદ: ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરબદલ કરવાની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસે પણ સંગઠનમાં ધરખમ ફેરબદલ અને સુધારા કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ વર્ષે યોજાનારી છ મહાનગર પાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે કોંગ્રેસે પ્રદેશ પ્રમુખથી લઈ શહેર પ્રમુખો બદલવાની તૈયારીઓ આરંભી દીધી છે.

આ અંગે નિર્ણય લેવા માટે આગામી તા.૧૫ ફેબ્રુઆરી બાદ અહમદ પટેલની આગેવાનીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા જશે. કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્દેશ અને દિશાસૂચન બાદ તા.૧૫મી ફેબ્રુઆરી બાદ ગુજરાત કોંગ્રેસનું નવી સ્ટાઇલથી આખું નવુ સંગઠન ઉભુ કરવામાં આવશે.

નોંધનીય વાત એ છે કે, કોંગ્રેસના આ નવા સંગઠનમાં દરેક શહેરમાં ઝોન મુજબ પ્રમુખોની નિમણૂંક કરાશે અને તેની ઉપર ત્રણ કાર્યકારી પ્રમુખો મૂકવામાં આવશે. દરેક શહેરમાં સંગઠનનું આ પ્રમાણે જ માળખું રહેશે. જેના આધારે નવા સંગઠનની રચના કરશે અને આ સંગઠનના આધારે ચૂંટણી લડાશે. ગુજરાત કોંગ્રેસે તાલુકા, જિલ્લા પંચાયત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે પ્રદેશ અને શહેરના માળખું વિખેરી નાંખી નવી ડિઝાઈન પ્રમાણેનું માળખું તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

નવા સંગઠનમાં કોંગ્રેસમાં શહેર પ્રમુખ ઉપરાંત ઝોન પ્રમાણેના પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં અમદાવાદ શહેરના સાત ઝોન પ્રમુખોની નિમણૂંક કરવામાં આવશે અને આ ઝોન પ્રમુખોની ઉપર ત્રણ કાર્યકારી પ્રમુખોની નિયુક્તિ પણ થશે. જ્યારે તેની ઉપર એક શહેર પ્રમુખ રહેશે.

છેલ્લા બે વર્ષથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ધાનાણી વચ્ચેના ખટરાગને કારણે સંગઠનની કામગીરી ખોરંભે પડી છે અને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને નારાજગીના સૂર પણ છાશવારે સામે આવતાં રહે છે ત્યારે નવા સંગઠનમાં પક્ષાપક્ષી કે લાગવગશાહીને બદલે પક્ષ પ્રત્યેની વફાદારી, નિષ્ઠા અને પક્ષની જીત માટે જે મજબૂત અને નિર્ણાયક સાબિત થાય તેવા લોકોને ખાસ સમાવવા માંગણી ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ સરકારના અનેક વિવાદીત નિર્ણયો સામે પણ એકસંપ થઈ લડવામાં આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ આક્રમક બની શકતી નથી.

કોંગ્રેસના ધારાસભ્યો અને સંગઠનના આગેવાનો વચ્ચેના ગજગ્રાહ તેમજ સંકલનના અભાવે કાર્યકરો પણ નિષ્ક્રિય થઈ ગયા છે. જેના કારણે ગુજરાત સરકારની વિવિધ નીતિઓ, યોજનાઓ અને ભૂલો સામે લડવામાં કોંગ્રેસની ધાર સાવ બુઠ્ઠી થઈ ગઈ છે. જેથી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર લાવવા કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન કરવા જઈ રહી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ નવા કલેવર સાથે જાવા મળે છે કે, એ જ જૂની પુરાણી ઘરેડમાં સંગઠનના પાસા ગોઠવાય છે તે જાવાનું રસપ્રદ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.