Western Times News

Gujarati News

વીજ કોન્ટ્રાકટરના લાયસન્સ સહિત કામ ઓનલાઇન થયા

Files Photo

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા હવેથી વીજ કોન્ટ્રાકટરના લાયસન્સ, વિવિધ પરીક્ષામાંથી મુક્તિ, લિફ્‌ટ અને એસ્કેલેટર પ્રભાગની તમામ કામગીરીઓ ઓનલાઈન કરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે, ઓનલાઇન અરજીઓ મંજૂર કરવાના આ પ્રોજેકટ અંતર્ગત આજે તા.૫મી ફેબ્રુઆરીથી રાજ્યમાં વીજળી કોન્ટ્રાકટર તરીકેનું લાયસન્સ મેળવવા ઇચ્છુક અરજદારો તથા સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માંગતા અરજદારો, સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા આપવા માંગતા અરજદારોએ હવેથી સીઇઆઇસીઇડી.ગુજરાત.ગવ.ઇન પર અરજી કરવાની રહેશે.

રાજ્યમાં લિફ્‌ટ અને એસ્કેલેટર્સનું ઈન્સ્ટોલેશન કરવા માટે તેમજ લિફ્‌ટના લાયસન્સ મેળવવા તથા રિન્યુ કરવાની અરજીઓ પણ ઓનલાઈન કરવાની રહેશે. ઉર્જામંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં નવા લિફ્‌ટ ઈન્સ્ટોલેશન કરવા ઇચ્છતા નાગરિકોએ તેના નકશા મંજૂર કરાવી, લિફ્‌ટની તપાસણી કરાવીને   લાયસન્સ મેળવવાનું હોય છે. આ કામગીરી હવે ઓનલાઇન થતાં સૌને આ સુવિધાનો ઝડપી લાભ મળશે. રાજ્યમાં હાલ ૮૦ હજાર જેટલા લિફ્‌ટ ઈન્સ્ટોલેશન છે અને દર વર્ષે અંદાજે ૫ાંચ હજાર જેટલા નવા લિફ્‌ટ ઈન્સ્ટોલેશન આવી રહ્યા છે તે અને જેમને લિફ્‌ટના લાયસન્સ દર પાંચ વર્ષે રીન્યુ કરાવવાના થાય છે તે તમામને આ સુવિધાનો ઝડપી લાભ મળશે.

જ્યારે વીજ ઈન્સ્ટોલેશનની કામગીરી ગુણવત્તાયુકત થાય અને વીજ અકસ્માતો ઘટાડી શકાય તે માટે વીજળી કોન્ટ્રાક્ટરના લાયસન્સ આપવામાં આવે છે અને ગત વર્ષે આવા ૧૨૦૦ જેટલાં લાયસન્સ આપવામાં આવ્યા છે. યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકો વીજળીના કામ માટે મળી રહે તે માટે વર્ષમાં બેવાર સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષા લેવામાં આવે છે.

આ પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારો તથા ઇલેક્ટ્રિકલ શાખામાં ડીપ્લોમા-ડીગ્રી ધરાવતાં સુપરવાઇઝર-વાયરમેન પરીક્ષામાંથી મુક્તિ મેળવવા ઈચ્છુક અરજદારોએ પણ હવેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ચીફ ઈલેક્ટ્રિકલ ઇન્સપેક્ટર કચેરીની પ્રજાલક્ષી બધી જ કામગીરી તા.૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં ઓનલાઇન કરવાનો લક્ષ્યાંક હતો, જે વહેલું પૂર્ણ કરવામાં આવ્યો છે. નાગરિકોને આ નિર્ણયથી ઘણો ફાયદો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.