Western Times News

Gujarati News

દાહોદનો મહેનતકશ યુવાન કોઇ પણ પ્રકારનું કામ કરવામાં પાછી પાની કરે એવો નથી

દાહોદની પોલીટેકનિક કોલેજના યજમાન પદે યોજાયેલા મેગા જોબ ફેરમાં ઉપસ્થિત રહેલી ૫૦ કંપનીઓએ ૨૦૪૬ છાત્રાને નોકરીની ઓફર મળી છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલી રહેલી કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવના અનુસંધાને આ જોબ ફેર યોજવામાં આવ્યો હતો.

આ જોબ ફેરમાં ઉપસ્થિતમાં રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્ય સરકારે કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને તેમને પદવી મળે કે તુરંત નોકરીની તક મળે એ પ્રકારનું આયોજન કર્યું છે, જે માત્ર ગુજરાતમાં જ થઇ શકે. સારી સારી કંપનીઓ સામેથી ચાલીને આવે છે અને છાત્રોને સારા પગારની નોકરીની ઓફર કરે છે. જોબ ફેરથી છાત્રોને સારી તક મળી રહે છે.

રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં કેસીજીમા માધ્યમથી ૯૦ હજાર જેટલા છાત્રોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી નોકરીની ઇચ્છા દર્શાવી છે. તેની સામે અનેક કંપનીઓ દ્વારા ૭૦ હજાર જેટલી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય નોકરીઓ આપવામાં પ્રથમ સ્થાને છે.

તેમણે એમ પણ કહ્યું કે, દાહોદનો યુવાન મહેનતકશ છે. કોઇ પણ પ્રકારનું કામ કરવામાં પાછી પાની કરે એવો નથી. માત્ર તેમને એક તકની જરૂર હોય છે. જો તે તક મળે એટલે પોતાની કારકીર્દિ સારી રીતે ઘડી શકે એમ છે. આવી તક રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે.

નોકરીવાંચ્છુ યુવાનોને શીખ આપતા શ્રી ખાબડે કહ્યું કે, નોકરીના શરૂઆતના તબક્કમાં તમામ લોકોએ સંઘર્ષ કરવો પડે છે. પોતાનું વતન છોડવું પડશે છે. આ બાબતોથી ઘભરાવાની જરૂર નથી. જે પણ નોકરી કરો તે ખંતથી કરવી જોઇએ. તેમણે અંતે ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, દેશભરની ૯૦૦ યુનિવર્સિટીઝની ૫૦ હજાર જેટલી કોલેજીસમાં ૪.૩૨ કરોડ છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. આ બાબતે કેટલાક સર્વે એવું દર્શાવે છે કે, તેમાંથી માત્ર ૨૪થી ૩૫ ટકા જ છાત્રો એમ્પ્લોયેબલ હોય છે. બાકીના છાત્રો કંપનીની જરૂરિયાત મુજબની કુશળતા ધરાવતા નથી.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એ વાતને લક્ષ્ય આપ્યું છે કે, યુનિવર્સિટીઝ માત્ર સ્નાતક યુવાનો આપવાનું જ કામ ના કરતા, તેમને સારી નોકરી મળે એ માટે કૌશલ્યવાન યુવાનો નિર્માણ કરવાનું કામ પણ કરે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી યુવાનોને ઘર આંગણે જ ઇન્ટરવ્યુની તક આપી નોકરી શોધી આપવાનું કામ થઇ રહ્યું છે.

શ્રી ચૌહાણે કહ્યું કે, સમગ્ર રાજ્યમાંથી કેસીજીમાં નોંધાયેલા ૯૦ હજાર યુવાનોએ નોકરી આપવા ૪૫૦૦ જેટલી કંપનીઓ તત્પર છે. જો છાત્રો ઇન્ટરવ્યુ સારી આપી શકે તો તેને સરળતાથી નોકરી મળી રહે એમ છે. તેમણે નોકરીદાતા કંપનીઓને અપીલ કરી કે કોઇ યુવાન સારી રીતે પોતાની જાતને ઇન્ટરવ્યુમાં વર્ણવી ના શકે તો એનો મતલબ એવો નથી કે તે લાયક ઉમેદવાર નથી. તે કુશળ છે. માત્ર એક્સપ્રેસ સારી રીતે કરી શકતો નથી.

સરકારી ઇજનેરી કોલેજના પ્રાચાર્ય ડો. પી. કે. બ્રહ્મભટ્ટ, પોલીટેકનિકના પ્રાચાર્ય શ્રી એમ. એન. ચરેલે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.આ વેળાએ નોકરીની ઓફર મેળનારા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. નોકરીદાતા કંપનીના પ્રતિનિધિઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વેળા નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે, પ્રો. જે. વી. ભોલંદા, પ્રો. બી. આર. પટેલ, પ્રો. પાટીલ, પ્રો. મહેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.