Western Times News

Gujarati News

પાંચ કિલોમીટર વિસ્તારમાં બેન્કીંગ સેવાઓ મળે તેવું દાયિત્વ કૃષિ-ગ્રામીણ બેન્કો નિભાવે:મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના કિસાનો, ગ્રામીણ ક્ષેત્રના ગરીબો સહિત છેવાડાના માનવીઓની મૂળભૂત આર્થિક-નાણાંકીય આવશ્યકતાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સેવાઓનો વ્યાપ વિસ્તારવા બેન્કોને આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિકારો સહિતના સૌને પાંચ કિ.મી. વિસ્તારમાં બેન્કીંગ સેવાઓ મળે તેવું આયોજન કરીને અંતિમ વ્યકિત સુધી ફાયનાન્સ પહોચાડવાનું દાયિત્વ બેન્કોએ નિભાવવું જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારમાં સંબોધન કરી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ આ સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાતે કૃષિ ઉત્પાદન, રોજગારી સર્જન, FDI, પ્રોડકશન આઉટપૂટ અને એકસપોર્ટ સહિતના ક્ષેત્રોમાં અગ્રેસરતાથી દેશનું દિશાદર્શન કર્યુ છે. સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટથી રાજ્યના હરેક વર્ગના વિકાસની પ્રતિબદ્ધતા રાજ્ય સરકારની છે.

રાજ્યમાં વ્યકિતગત માથાદીઠ આવક વૃદ્ધિ માટે નાબાર્ડ જેવી કૃષિ-ગ્રામીણ વિકાસ બેન્કોનો સહયોગ આવશ્યક જણાવતાં શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે નાબાર્ડે ગુજરાતમાં ૮૪ ટકા ક્રેડીટ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. હજુ પણ જે જિલ્લાઓમાં લક્ષ્યાંક પાર ન પડયો હોય ત્યાં નાબાર્ડ અને અન્ય બેન્કો એગ્રેસીવલી ઇનીશ્યેટેીવ્ઝ લે તે જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પમાં ગુજરાતને લીડ લેવામાં આ ક્રેડીટ સેમિનાર ઉપયુકત બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી. તેમણે પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમીના લક્ષ્યાંકમાં દોઢ ટ્રિલીયન ડોલરનો લક્ષ્ય ગુજરાત તય કરીને એકસપોર્ટ ઓરિએન્ટેડ હોલીસ્ટીક એપ્રોચથી પાર પાડે તે માટે બેન્કોની ભૂમિકા અહેમ ગણાવી હતી.

ર૦રર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સાથે આ વર્ષના બજેટમાં કિસાનોના સર્વગ્રાહી વિકાસનો ૧૬ સૂત્રીય કાર્યક્રમ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે તેમાં અને મત્સ્યોદ્યોગથી બ્લ્યુ રિવોલ્યુશન માટેના આયોજનોમાં ફાયનાન્સીંગ હેતુસર નાબાર્ડ સહિતની બેન્કો આગળ આવે તેવી અપિલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ‘‘નલ સે જલ’’ યોજના તહેત પેય જળ પહોચાડવા, માઇક્રો ઇરીગેશન તથા સોલાર રૂફટોપ જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમોમાં અને અર્બન-રૂરલ બંને ક્ષેત્રોના ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ અને સખીમંડળો, સેલ્ફ હેલ્પ ગૃપને માઇક્રો ફાયનાન્સીંગ માટે બેન્કોના સહયોગનું આહવાન કર્યુ હતું.

તેમણે માઇક્રો ફાયનાન્સ માટે બેન્કોને ૩૬૦ ડિગ્રી ચેન્જ લાવી પહેલાં ફાયનાન્સીંગ પછી કાર્યારંભનો રવૈયો અપનાવવાનો બેન્કર્સને અનુરોધ કર્યો હતો.નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશના ધરતીપુત્રોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના સંકલ્પમાં નાબાર્ડ સૌથી મોટું યોગદાન  આપે છે.

ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, સેલ્ફ હેલ્પ ગૃપ સહાય, કિસાન કલ્યાણ યોજનાઓ, એગ્રીકલ્ચર ફાયનાન્સમાં ફંડીંગનું કામ નાબાર્ડ સુપેરે નિભાવે છે. એટલું જ નહિ, આ વર્ષમાં મોટા પ્રોજેકટમાં પ્રત્યક્ષ – સીધી રોજગારી અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભૂં કરવામાં પણ તેની મહત્વની ભૂમિકા છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ નાબાર્ડે ૭૬૪ કરોડ રૂપિયા માઇક્રો ઇરીગેશન માટે મંજુર કર્યા છે તે રાજ્યના કિસાનો માટે લાભદાયી બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.શ્રી નીતિનભાઇ પટેલે નાબાર્ડ ગુજરાતને ધિરાણ-ફાયનાન્સમાં પ્રાયોરિટી આપે છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં ગ્રામીણ વિસ્તારોના SHG ગૃપને નાણાંકીય સહાય અને રોજગારી વૃદ્ધિના કાર્યોમાં નાબાર્ડ હજુ વધુ સહયોગ કરે તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી.

કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુ, રાજ્યમંત્રીઓ સર્વશ્રી જયદ્રથસિંહ પરમાર, ઇશ્વરસિંહ પટેલ પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.       મુખ્યમંત્રીશ્રીએ કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બેન્કીંગ કર્મીઓનું અને ધિરાણ સહાય રીપેમેન્ટમાં અગ્રેસર રહેલી SHG બહેનોનું સન્માન કર્યુ હતું.

નાબાર્ડના ચીફ જનરલ મેનેજરશ્રીએ સ્ટેટ ક્રેડીટ સેમિનારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. રિઝર્વ બેન્કના રિજીયોનલ ડિરેકટરશ્રી પાણીગ્રહીએ બેન્કોની સકારાત્મક ભૂમિકાની છણાવટ કરી હતી.મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્ટેટ ક્રેડીટ સેમિનાર અંતર્ગત સ્ટેટ ફોકસ પેપર અને નાબાર્ડ સપોર્ટ પ્રોજેકટની કોફી ટેબલ બૂકનું વિમોચન કર્યુ હતું. રાષ્ટ્રિયકૃત બેન્કો તથા ખાનગી ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ, સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન શ્રી અજય પટેલ સહિત કૃષિ-ગ્રામીણ બેન્કીંગ ક્ષેત્રના પદાધિકારીઓ આ સેમિનારમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.