Western Times News

Gujarati News

ખાડીયાના રહીશોની દયનીય પરિસ્થિતિ

Files Photo

ભૂ-માફીયા, રાજકારણી અને અધિકારીઓ ખાડીયાનું “ખમીર” છીનવી રહયા હોવાની રહીશોમાં લાગણી : મનપાના પ્રસૃતિગૃહમાં ભોજનાલય બન્યું : કોમર્શીયલ બાંધકામો સીલ કરવા માંગણી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદ શહેરમાં બેરોકટોક અનઅધિકૃત બાંધકામો ચાલી રહયા છે. શહેરના કોટ વિસ્તારને ગેરકાયદેસર બાંધકામોનું એ.પી.સેન્ટર માનવામાં આવે છે. સ્થાનિક રાજકારણીઓ, એસ્ટેટ અધિકારીઓ અને બિલ્ડરોની મજબુત સાંઠગાંઠ ના કારણે કોટ વિસ્તારની સાંકડી ગલીઓમાં બહુમાળી કોમર્શીયલ કોમ્પલેક્ષ થઈ ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના બનાવવામાં આવેલા કોમર્શીયલ પ્રકારના બાંધકામોમાં ઈજનેરખાતા ની મહેરબાનીથી પાણી-ડ્રેનેજના જાડાણો પણ આપવામાં આવ્યા છે.


કોટ વિસ્તારમાં બેફામ રીતે બની ગયેલા અનઅધિકૃત બાંધકામોના કારણે સ્થાનિક રહીશોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને ખાડીયા-માણેકચોક વિસ્તારના રહીશો આ પ્રકારના બાંધકામો અને ખાણી-પીણીના દબાણોના કારણે ત્રાહીમામ થઈ ગયા છે. ખાડીયા ના જાગૃત રહીશો દ્વારા ભૂમાફીયાઓ અને ભ્રષ્ટ રાજકારણીઓ સામે “શ્રેષ્ઠ ખાડીયા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અંતર્ગત મધ્યઝોનના ડે.કમીશ્નર સમક્ષ લેખીત ફરીયાદ કરવામાં આવી છે. જેમા સ્થાનિક રહીશોની દયનીય પરિસ્થિતિ અને તેમને થતી હાલાકી વિશે રજુઆત કરવામાં આવી છે.

ખાડીયા વિસ્તારના “ખમીર” ને ભૂ-માફીયાઓ, લાંચીયા અધિકારીઓ અને સ્થાનીક રાજકારણીઓએ છીનવી રહયા હોય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. રાયપુર દરવાજા, રાયપુર ચકલા, માણેકચોક, મદનગોપાલ હવેલી રોડ, સાંકડી શેરી તથા તેની આસપાસના વિસ્તારમાં બેરોકટોક ગેરકાયદેસર બાંધકામો થઈ ગયા છે. તથા હાલ ચાલી પણ રહયા છે. પોળના મકાનો ને યેનકેન પ્રકારે “ભયજનક” જાહેર કરાવી તેને સસ્તા ભાવથી પડાવી લેવા તેમજ તેમાં કોમર્શીયલ પ્રકારના બાંધકામો કરવાનો ધંધો વર્ષોથી ચાલી રહયો છે. આ ધંધાની શરૂઆત થઈ તે સમયે સ્થાનિક રાજકારણીઓ “વહીવટ” લઈને સંતોષ માનતા હતા.

પરંતુ ગેરકાયદેસર બાંધકામોની ધીકતી કમાણી જાઈને રાજકારણીઓ, અને અધિકારીઓ, આરટીઆઈ એકટીવીસ્ટો અને વચેટીયાઓ પણ તેમાં કુદયા છે. તથા બિલ્ડર કે વેપારી પાસેથી બાંધકામ પુરો કરવાની “સોપારી” લેવામાં આવે છે. જેમાં એક ને “સફળતા” મળે છે. જયારે બાકીના મહાનુભાવો તે બાંધકામ પુરા ન થાય તેના માટે પ્રયાસ કરતા રહે છે. ખાડીયામાં આ પધ્ધતિથી બાંધકામો થતા રહયા છે. રાજકારણીઓની માફક આરટીઆઈ એકટીવીસ્ટો પણ તેમનો અનઅધિકૃત “હિસ્સો” લઈને ખુશ થતા હતા પરંતુ હવે કેટલાક એકટીવીસ્ટો પણ બાંધકામ પુરા કરવાની “સોપારી” લઈ રહયા છે.


ખાડીયામાં બાંધકામ પુરા કરવા માટે સ્થાનિક રાજકારણીઓ એસ્ટેટ અધિકારી, આર.ટી.આઈ. એકટીવીસ્ટો, પોલીસ વિભાગ અને વચેટીયાઓને ખુશ રાખવા જરૂરી છે. આ તમામ લોકોને રાજી કરીને કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી વિના સાંકડીગલીઓ અને ૭૦-૮૦ ચો.મી. ના પ્લોટ પર બહુમાળી કોમર્શીયલ તૈયાર થાય છે. જેનો ભોગ સ્થાનિક રહીશો બને છે. બિલ્ડર અને વહીવટદાર દ્વારા બધાને ખુશ કરવામાં આવ્યા હોવાથી તેમની ફરીયાદ સાંભળવા પણ કોઈ તૈયાર નથી જેના કારણે ખાડીયાના રહીશોની પરિસ્થિતી અત્યંત દયનીય બની ગઈ છે.

ખાડીયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો ની સાથે-સાથે રાજકારણીઓ અને એસ્ટેટ અધિકારીઓની રહેમ નજરે ખાણી-પીણીની લારીવાળાઓનાપણ દબાણો થઈ ગયા છે. સ્થાનિક સુત્રોનું માનીએ તો રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકરો લારી દીઠ માસિક રૂ.દસ હજારનો હપ્તો વસુલ કરે છે.

સાંકડી શેરીથી ચાંલ્લાપોળ તરફના રોડ પર આ પધ્ધતિથી પાંચ લારીઓ ઉભી રહે છે. જયારે રાયપુર ચકલામાં રાત્રીના સમયે પણ ૦૬ લારી ઉભી રહે છ.  ચોકાવનારી માહિતી મુજબ માંડવીના પોળમાં આવેલ છીપા માવજીની પોળમાં મ્યુનિ. કોર્પોરેશનનું પ્રસુતિગૃહ હતું તેમાં હાલ “મારવાડી ભોજનાલય” અને અન્ય ખાણી-પીણીના દબાણો છે. જેના માટે રાજકીય કાર્યકરો દર મહીને હપ્તા વસુલી કરે છે. ખાડીયા શહેરની આગળ ઓળખ સમાન માણેકચોક રાત્રી ખાણી-પીણી બજારમાં માત્ર ૩૮ લારી માટે લાયસન્સ આપવામાં આવ્યા છે. જેની સામે હાલ ૯૬ લારીઓ ઉભી રહે છે.


ગેરકાયદેસર બાંધકામની સાથે-સાથે ખાણી-પીણીના દબાણોથી પણ સ્થાનિક રહીશો ત્રાસી ગયા છે. ભુ-માફીયા, રાજકારણીઓ અને ભ્રષ્ટ અધિકારીઓથી ખાડીયા ને બચાવવા માટે શ્રેષ્ઠ ખાડીયા અભિયાન શરૂ  કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મધ્યઝોનના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખીત ફરીયાદ કરવામાં આવી છે. જેમાં રહીશોની તકલીફ અને વેદનાને વાચા આપવામાં આવી છે.

શ્રેષ્ઠ ખાડીયા અભિયાન સાથે સંકળાયેલ જાગૃત નાગરીકોના જણાવ્યા મુજબ રાયપુર દરવાજાથી ચકલા સુધી, સાંકડી શેરી, માણેકચોક તથા માંડવીપોળ વિસ્તારમાં વહેલી સવારે ચાર વાગ્યાથી રાત્રીના બે વાગ્યા સુધી ખાણી-પીણીની લારીઓ, લોડીંગ રીક્ષાઓ તથા અન્ય કોમર્શીયલ વાહનોની અવરજવર રહે છે. ફેરીયાઓ પોળના નાકે જ દબાણ કરી રહયા છે.

જયારે ગેરકાયદેસર કોમર્શીયલ કોમ્પલેક્ષના પરીણામે પોળના રહીશોને તેમના વાહન લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે. ઈમરજન્સી સમયે ૧૦૮ કે ફાયરની ગાડીઓ કોઈપણ પોળમાં જઈ શકે તેમ નથી. દર્દીને ઉંચકીને પોળના નાકે લાવ્યા બાદ ૧૦૮ની સુવિધા મળે છે. માણેકચોક રાત્રી બજારમાં પણ ૧૦૦ જેટલી લારીઓ ઉભી રહેતી હોવાથી આસપાસ રહેતા રહીશોને તકલીફ થાય છે. સ્થાનીક રહીશોને વાહન લઈ જતા રોકવામાં આવે છે તથા ફરીયાદ કરે તો ધમકીઓ આપવામાં આવે છે. રહેઠાણ વિસ્તારમાં કોમર્શીયલ બાંધકામ ન કરવા માટે નામદાર હાઈકોટે દ્વારા હુકમ આપવામાં આવ્યો છે. તેમ છતાં બાંધકામો ચાલી રહયા છે.

રહેઠાણના પ્લાન પાસ કરાવીને કે પછી હેરીટેજના નામે કોમર્શીયલ બાંધકામ થઈ રહયા છે. ખાડીયામાં આ પ્રકારથી હાલ ટેમલા-પોળ-ટંકશાળ રોડ, લીમડા પોળના નાકે-બાલા હનુમાન મંદીર પાસે, તળીયાની પોળમાં ત્રણ અલગ-અલગ સ્થળે, જહાપનાહ ની પોળમાં બે જગ્યાએ રહેઠાણના પ્લાન મંજુર કરાવીને કોમર્શીયલ પ્રકારના બાંધકામ પાડા-પોળ ગાંધીરોડમાં પણ રેશી-પલાન કરાવી કોમર્શીયલ બાંધકામ તથા હાજા પટેલની પોળમાં હેરીટેજ પ્લાન મંજૂર કરાવી ને વાણીજય સંકુલ તૈયાર થઈ રહયા છે. આ તમામ બાંધકામોને તાકીદે સીલ કરવામાં આવે તથા જે બાંધકામો પુરા થઈ ગયા છે. તેને દુર કરવા માટે ઝુંબેશ શરૂ થાય તેવી માંગણી ખાડીયાના રહીશો કરી રહયા છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.