Western Times News

Gujarati News

જમાલપુરની મદરેસામાંથી લાપત્તા ત્રણેય વિદ્યાર્થીઓ મુંબઈ ગયા હતા

ચોપડીઓ લેવાના બહાને મૌલાના પાસેથી રજા લઈ ત્રણેય વિદ્યાર્થીઓ ટ્રેનમાં બેસી મુંબઈ જતા રહયા હતા
સઘન શોધખોળ વચ્ચે મુંબઈથી ત્રણેય વિદ્યાર્થીઓ પરત ફરતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી બાળકો લાપત્તા થવાની ઘટનામાં પોલીસતંત્ર એલર્ટ હોય છે અને લાપત્તા બાળકોને શોધવા માટે વિશેષ તકેદારી રાખવામાં આવતી હોય છે આ પરિસ્થિમાં શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં આવેલી એક મદરેસામાં અભ્યાસ કરતા અને રહેતા ત્રણ વિદ્યાર્થીઓ ચોપડી લેવા માટે ઘરે જવાનું કહી નીકળ્યા બાદ લાપત્તા બની જતાં મદરેસાના સંચાલકો તથા લાપત્તા બાળકના વાલીઓ ચિંતાતુર બની ગયા હતા.

પોલીસે પણ આ ઘટનામાં ઝીણવટભરી તપાસ કરી હતી આ દરમિયાનમાં લાપત્તા ત્રણેય બાળકો નાટકીય ઢબે પરત ફરતા પોલીસે તેઓની પુછપરછ કરી હતી અને તેમાં આ બાળકો મુંબઈ ફરવા જતા રહયા હોવાનું જણાવ્યું હતું બાળકો પરત ફરતા જ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો જાકે પોલીસે ત્રણેય બાળકોની ઝીણવટભરી પુછપરછ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ખાનજહાં દરવાજાની અંદર જામીયા કંઝુલ ઉલુમ નામી મદરેસામાં રપ૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ મદરેસામાં સવારની નમાઝ બાદ શૈક્ષણિક પ્રવૃતિ શરૂ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરાય છે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને તેમાં ગુરૂવારના દિવસે ઘરે જવાની રજા આપવામાં આવતી હોય છે.

શુક્રવારે તમામ વિદ્યાર્થીઓ પરત ફરતા હોય છે અને તમામ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરવામાં આવતી હોય છે. તા.૩૦મીના રોજ સવારના ૬.૦૦ વાગ્યે રાબેતા મુજબ મસ્જિદમાં સવારની છ વાગ્યાની નમાઝ પઢી સાત વાગ્યે મદરેસામાં બાળકોને ભણાવવાનું ચાલુ કરાવવામાં આવ્યું હતું મદરેસાની હોસ્ટેલમાં કુલ રપ૦ વિદ્યાર્થીઓ રહે છે અને તેઓ મદરેસામાં નિત્યક્રમ મુજબ ગુજરાતી, અંગ્રેજી, ગણિત, ઉર્દુ અને અરબી ભાષાઓનો અભ્યાસ કરે છે. હોસ્ટેલના છોકરાઓ દર ગુરૂવારના સાંજના છ વાગ્યાથી શુક્રવારના સાંજના છ વાગ્યા સુધી ઘરે જતા હોય છે અને આ માટે રજા આપવામાં આવે છે.

તા.ર૯મીના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યાના સુમારે મદરેસાના મૌલાના અહેમદ કુરેશી પાસે મદરેસામાં ભણતા (૧) મોહંમદ નબીલ (ઉ.વ.૧૪) (રહે. ૩ર, રહીમનગર વિભાગ-ર, મહેતાબ રો હાઉસ, બેરલમાર્કેટ દાણીલીમડા) (ર) આમીર સલીમભાઈ શેખ (ઉ.વ.૧૪) (રહે. ખવાજાનગર ફૈસલનગર ચોકીની સામે, દાણીલીમડા) અને (૩) અબુ સુફીયાન શેખ (ઉ.વ.૧પ) (રહે. દાણીલીમડા છીપા સોસાયટી) આવ્યા હતા.

મૌલાનાને જણાવ્યું હતું કે તેઓને ચોપડી લેવા જવાનું હોવાનું ઘરે જવા માટે રજા માંગી હતી મૌલાનાએ બીજે દિવસે સવારે ઘરે જઈને ચોપડી લઈ આવી સાંજે પરત મદરેસામાં આવી જવા જણાવ્યું હતું. મૌલાનાની સુચના મુજબ તા.૩૦મીના રોજ સવારે ૬.૦૦ વાગ્યે મદરેસામાંથી આ ત્રણેય છોકરાઓ ઘરે જવા નીકળ્યા હતા પરંતુ રાત્રિના આઠ વાગ્યા સુધી તેઓ પરત મદરેસામાં નહી આવતા તેઓના વાલી વારસોનો સંપર્ક સાધ્યો હતો ત્રણેય બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે તેઓ ઘરે આવ્યા જ નથી.

જેના પરિણામે મૌલાના તથા ત્રણેય બાળકોના પરિવારજનો ચિંતિત બન્યા હતા પ્રારંભમાં મદરેસાની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી આ ઉપરાંત સગા સંબંધીઓના ઘરે પણ શોધખોળ કરાઈ હતી પરંતુ તેઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

ત્રણેય બાળકોનો કોઈ પત્તો નહી લાગતા આખરે વાલીઓ અને મદરેસાના સંચાલકો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં જયાં મદરેસાના એકાઉન્ટન્ટ આસીફ અકબરભાઈ મનસુરીએ ત્રણેય બાળકો લાપત્તા થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી મદરેસામાંથી એક સાથે ત્રણ બાળકો લાપત્તા થતાં ભારે સનસનાટી મચી ગઈ હતી અને પોલીસે પણ શોધખોળ શરૂ કરી હતી બીજીબાજુ સમય જતાં જ આ ત્રણેય બાળકો પરત ફર્યા હતા બાળકોને જાઈ મૌલાનાએ રાહતનો શ્વાસ લીધો હતો અને પરિવારજનો પણ ખુશ થઈ ગયા હતાં.

જાકે આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ આવી પહોંચી હતી અને લાપત્તા થયેલા મોહંમદ, આમીર અને અબુની પુછપરછ કરતા ત્રણેય વિદ્યાર્થીઓએ કબુલ્યુ હતું કે તેઓ ચોપડીઓ લેવાના બહાને મદરેસામાંથી નીકળી ટ્રેનમાં બેઠા હતા અને બોમ્બે પહોંચી ગયા હતા અને બોમ્બેથી તરત જ તેઓ પરત ફરી પાછા આવ્યા છે. બોમ્બે કયા કારણોસર ગયા હતા તે અંગે જાણવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ ત્રણેય વિદ્યાર્થીઓની પુછપરછ કરી રહી છે.

મદરેસામાંથી ત્રણ બાળકો લાપત્તા થતાં તેઓની શોધખોળ કરાયા બાદ ત્રણેય વિદ્યાર્થીઓ બોમ્બે જતા રહયા હોવાની ઘટનાથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા જાકે ત્રણેય બાળકો હેમખેમ પરત ફરતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.