Western Times News

Gujarati News

રમતાં રમતાં ૯ વર્ષની બાળકીને હાર્ટ એટેક મોત નિપજ્યું

નાગૌર, રાજસ્થાનના નાગૌર જિલ્લાના ગોટન શહેરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગોટન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ૯ વર્ષની બાળકીનું શાળાના મેદાનમાં રમતી વખતે હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે.

આ ઘટનાએ માત્ર શાળા જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારને શોકમાં ગરકાવ કરી દીધો છે.અહેવાલો અનુસાર, તાલનપુર ગામની રહેવાસી અને રાજેન્દ્ર બાપીડિયાની પુત્રી દિવ્યા ૨૩ ફેબ્›આરીના રોજ રાબેતા મુજબ સવારે ૭ વાગ્યાની આસપાસ સ્કૂલે પહોંચી હતી. સવારની પ્રાર્થના સભા (એસેમ્બલી) શરૂ થાય તે પહેલાં તે મેદાનમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી.

આ દરમિયાન તે અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફે વિલંબ કર્યા વિના તેને ગોટનની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ બાદ દિવ્યાને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગનો હુમલો) હોવાનું સ્પષ્ટ થયું છે.ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે, જેમાં જોઈ શકાય છે કે દિવ્યા અન્ય બાળકો સાથે સામાન્ય રીતે રમી રહી છે અને અચાનક પળવારમાં તે બેભાન થઈને જમીન પર પડી જાય છે.

ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકીને કોઈ અગાઉની બીમારી કે શરીર પર કોઈ ઈજાના નિશાન નહોતા.આ ઘટનાએ બાપીડિયા પરિવાર પર દુઃખનો પહાડ તોડી નાખ્યો છે.

કરુણતા એ છે કે, માત્ર ચાર મહિના પહેલા જ દિવ્યાના મોટા ભાઈનું પણ આ જ રીતે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. ટૂંકા ગાળામાં પોતાના બે માસૂમ બાળકોને ગુમાવતા માતા-પિતાની હાલત અત્યંત દયનીય બની છે.પરિવારના આગ્રહને માન આપીને અને કોઈ શંકાસ્પદ બાબત ન જણાતા, પોસ્ટમોર્ટમ વગર જ બાળકીનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના બાદ નાની વયના બાળકોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.