Western Times News

Gujarati News

૩૨૨ સિંહના બે વર્ષમાં મૃત્યુ: સૌથી વધુ ૧૪૮ સિંહબાળનાં મૃત્યુ થયાં

ગાંધીનગર , ગુજરાતમાં સિંહોની વસતિ સતત વધી રહી છે ત્યારે અકુદરતી રીતે સિંહોના મૃત્યુ પણ મોટા પ્રમાણમાં થતા હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે.

છેલ્લા બે વર્ષ અને જાન્યુઆરી-૨૦૨૬ સુધીના મળીને કુલ ૩૨૨ સિંહના મૃત્યુ થયા છે. જેમાં કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેવા સિંહની સંખ્યા ૨૫૮ અને અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેવા સિંહની સંખ્યા ૬૪ છે. વણઓળખાયેલા હોય તેવા કુલ ૮ સિંહનો પણ તેમાં સમાવેશ થાય છે. સૌથી વધુ મૃત્યુ સિંહબાળના થયા છે, જેની સંખ્યા ૧૪૮ છે.

ગુજરાતનું ગૌરવ ગણાતા અને દેશ-વિદેશથી સહેલાણીઓ ગીરના જંગલમાં આવીને જેને જોવા આવે છે તે વિસ્તારમાં સિંહના મોટી સંખ્યામાં મૃત્યુ સતત નોંધાઇ રહ્યા છે. વિધાનસભામાં કોંગ્રેસના શૈલેષ પરમારે જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ રાજ્યમાં નોંધાયેલા કુલ સિંહની સંખ્યા અને મૃત્યુ પામેલા સિંહની જાણકારી માગતો સવાલ પૂછ્યો હતો.

જેના લેખિત જવાબમાં વન વિભાગે જણાવ્યું હતું કે, સિંહની કુલ સંખ્યા ૮૯૧ છે. જાન્યુઆરી-૨૦૨૪થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં કુલ ૭૫ સિંહ, ૯૧ સિંહણ અને ૧૪૮ સિંહ બાળ અને વણઓળખાયેલ ૮ સિંહનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૪માં ૪૦ સિંહની સામે મૃત્યુ પામ્યા હોય તેવા સિંહની સંખ્યા ૩૨ નોંધાઇ છે, જે આંશિક ઘટાડો દર્શાવે છે. તો સિંહણની સંખ્યા યથાવત રહી છે જ્યારે સિંહબાળની સંખ્યામાં પણ થોડો ઘટાડો નોંધાયો છે.

સિંહ સામાન્ય રીતે તેમની આંતરિક લડાઇ, ઉંમર વગેરે જેવા કારણોથી મૃત્યુ પામે છે. તેમ છતાં ટ્રેનની અડફેટેથી માંડીને ખેતરમાં મૂકેલા વીજ કરંટ, કૂવામાં પડી જવા સહિતના કારણોથી અકુદરતી રીતે પણ મૃત્યુ પામતા હોય છે, જે રોકી શકાય તેવા મૃત્યુ હોવા છતાં અટકાવી શકાતા નથી. જોકે, ૨૦૨૪ની સરખામણીમાં ૨૦૨૫માં અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેવા સિંહની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, તે આશાસ્પદ બાબત છે.

૨૦૨૪માં અકુદરતી રીતે મૃત્યુ પામેલા કુલ સિંહની સંખ્યા ૩૯ હતી, તે ૨૦૨૫માં ઘટીને ૨૩ થયા છે. સિંહોના મૃત્યુ અટકાવવા માટે ભરાયેલા પગલાંની વિગતો આપતા વન વિભાગ દ્વારા જણાવાયું છે કે, અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેર માર્ગાે ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે.

ગીર બોર્ડર અને તેની આસપાસનાં રેવન્યુ વિસ્તારમાં અસુરક્ષિત ખુલ્લા કૂવાઓને ફરતે દિવાલ બાંધવામાં આવી રહી છે, જેથી અંધારામાં કે શિકાર પાછળ દોડતા સિંહ તેમાં પડીને મૃત્યુ પામે નહીં. સિંહ સહિતના વન્ય પ્રાણીની હત્યા અટકાવવા માટે સતત પેટ્રોલિંગ અને સિંહની અવરજવર હોય તેવા વિસ્તારમાં તકેદારી પણ રાખવામાં આવે છે. અદ્યતન લાયન એમ્બ્યુલન્સ થકી પણ સારવાર અપાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.