Western Times News

Gujarati News

ડાકોર પગપાળા જતા યાત્રાળુઓની સુરક્ષા માટે અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણો અને વૈકલ્પિક માર્ગોની જાહેરાત અંગેની જાહેરનામું

File

અમદાવાદ, આગામી દિવસોમાં યોજાનારા ડાકોર ફાગણ સુદ પૂનમના મેળા (તા. ૨૭/૨/૨૦૨૬ થી તા. ૪/૩/૨૦૨૬) દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર જતા હોય છે. આ યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો નિવારી શકાય તે હેતુથી પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ-૩૩ (૧) (બી) (સી) હેઠળ મળેલ સત્તાની રૂએ નીચે મુજબના ટ્રાફિક પ્રતિબંધો અને વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.

ટ્રાફિક પ્રતિબંધિત માર્ગો અને વૈકલ્પિક માર્ગની વિગતો: જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા (લાલગેબી સર્કલ) સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. આ પ્રતિબંધિત માર્ગના બદલે વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે (અ) વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા તરફ તથા (બ) જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.

વધુમાં, રામોલ ચાર રસ્તાથી વટવા નવા રેલવે બ્રીજ સુધીનો માર્ગ તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે, આ માર્ગ ઉપર ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની અવર-જવર ચાલુ રહી શકશે. આ ઉપરાંત, જશોદાનગર ચાર રસ્તા ઉપરના ઓવરબ્રિજના છેડે ગોરના કુવા તરફથી પારસી ડુંગરવાડી ઉતરતા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.

આમુખ-1 અને 2 થી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા ભારે વાહનો માટેનો વૈકલ્પિક માર્ગ નીચે મુજબ છે :

– અમદાવાદ વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રીંગ રોડ પર બન્ને તરફ ડાયવર્ટ થઈ એક્સપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે

મહત્વની સૂચનાઓ:  – અપવાદ: આ જાહેરનામું ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને તેમજ ડાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને તેને લગતા સાધન-સામગ્રી લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં.

– અમલીકરણનો સમય: આ જાહેરનામું તા. ૨૭/૨/૨૦૨૬ થી તા. ૪/૩/૨૦૨૬ ના કલાક ૨૪:૦૦ સુધી અમલમાં રહેશે.

– કાયદાકીય કાર્યવાહી: આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકની સુગમતા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.