Western Times News

Gujarati News

દાહોદમાં ૬૦ લોકોના ટોળાએ ગૌરક્ષકો અને પોલીસ પર હુમલો કર્યો

(એજન્સી)દાહોદ, સુરત માંગરોળના હથોડા ગામે ગૌરક્ષકો પર થયેલા કસાઈઓના હુમલા જેવી જ એક ઘટના હાલ દાહોદમાંથી સામે આવી રહી છે. જ્યાં ગઈકાલે પીકઅપ ગાડીમાં કથિત રીતે કતલના ઇરાદે લઈ જવાતા પશુઓને બચાવવા જતા રક્ષકો પર ૫૦થી ૬૦ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો.

જેમાં ૨ ગૌરક્ષકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની તથા સ્કોર્પિયો તથા બાઈક જેવા વાહનોની તોડફોડ પણ થઈ હોવાની માહિતી હાલ સામે આવી રહી છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, દાહોદમાં ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કતલખાને કતલ કરવાના ઈરાદે કેટલાક પશુઓને પીકઅપ ગાડીમાં લઈ જવાઈ રહ્યા છે અને તે પશુ ભરેલી પીકઅપ ગાડી રાતના સમયે શહેરના કસ્બા વિસ્તારમાંથી પસાર થવાની છે. આ માહિતીને આધારે કતલ માટે લઈ જવાઈ રહેલા પશુઓને બચાવવા માટે કેટલાક ગૌરક્ષકો પોલીસને સાથે રાખીને સ્કોર્પિયો અને બાઈક લઈને બાતમીવાળી પીકઅપ ગાડીનો પીછો કરી રહ્યા હતા. ત્યારે પટણી ચોક ખાતે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

ગૌરક્ષકોએ પોલીસ સાથે દાહોદના કસ્બા વિસ્તાર નજીક સ્મશાન રોડથી પિકઅપ ગાડીનો પીછો કરી પટણી ચોક ખાતે આ ગાડીને ઝડપી પાડી હતી. તે દરમિયાન ૫૦થી ૬૦ જેટલા લોકોએ આ ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો. જે હુમલામાં ૨ ગૌરક્ષકો ઇજાગ્રસ્ત થયા હોવાની તથા ગૌરક્ષકોની સ્કોર્પિયો અને બાઇકમાં પણ તોડફોડ કરી હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.

હાલની માહિતી મુજબ, આ ઘટનામાં ઘાયલ બે ગૌરક્ષકોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૭ ભેંસ ભરેલી પિકઅપ ગાડીને ગૌરક્ષકોની ટીમે ઝડપી પાડી પોલીસને સોંપી છે, ત્યારે પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે પણ આવી જ રીતે ગૌરક્ષકો અને પોલીસ ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. જે મામલે તપાસમાં કુલ ૩૦થી વધુના નામો બહાર આવ્યાં હતા, જેમાં પોલીસે ૨૨ આરોપીઓની અટકાયત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.