Western Times News

Gujarati News

સુરતમાં નકલી પનીર બનાવતું કારખાનું ઝડપાયું

સુરત, સુરત શહેર પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશનમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પાંડેસરા વિસ્તારની ભીડભંજન સોસાયટીમાં ચાલતા એક કારખાનામાં દરોડા પાડી ૧૪૦૧ કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે સ્થળ પરથી મશીનરી અને કાચા માલ સહિત કુલ રૂ. ૨૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્›પના ડીસીપી રાજદીપસિંહ નકુમનું કહેવું હતું કે, પાંડેસરામાં આવેલા આ કારખાનામાં પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી પનીર (એનાલોગ પનીર) બનાવવામાં આવતું હતું.

દરોડા દરમિયાન સ્થળ પરથી પનીર બનાવવા માટેના આધુનિક સાધનો જેવા કે પાસ્ચ્યુરાઈઝેશન મશીનરી, હોમોજીનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન અને સ્ટોરેજ મળી આવ્યા હતા. જેની કિંમત આશરે ૨૫ લાખ રૂપિયા આંકવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી અહીં દરરોજ ૪૦૦ કિલો જેટલું ભેળસેળિયું પનીર તૈયાર કરી શહેરની વિવિધ ડેરીઓમાં અને છૂટક બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું.

આ કારખાનામાંથી પામોલીન તેલના ડબ્બા અને ૩૦૦૦ નકલી સ્ટીકરો પણ મળી આવ્યા હતા, તેવું કહેતા નકુમે ઉમેર્યું હતું કે, કારખાનાની તપાસ દરમિયાન પોલીસને પામોલીન તેલના ૧૬ ભરેલા ડબ્બા અને ૨૮ ખાલી ડબ્બા મળી આવ્યા હતા, જે સાબિત કરે છે કે દૂધના બદલે તેલનો ઉપયોગ કરી પનીર બનાવાતું હતું.

આ ઉપરાંત, પનીરને બ્રાન્ડેડ દેખાડવા માટે ‘નોન બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીર’ ના ૩૦૦૦ જેટલા સ્ટીકરો પણ જપ્ત કરાયા છે. પ્લાસ્ટિકની કોથળીઓમાં પેકિંગ કરી આ સ્ટીકરો લગાવીને વેચાણ કરવામાં આવતું હતું.આ મામલે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, કારખાનાના સંચાલક મહેશ પુનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

ફૂડ વિભાગ દ્વારા પનીરના સેમ્પલો લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો આ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ કે ફેઈલ આવશે, તો આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.