Western Times News

Gujarati News

રાજકોટમાં સ્ત્રી મિત્ર પર છરીથી હુમલો કરી યુવકે ટ્રેન નીચે આપઘાત કરી લીધો

રાજકોટ, રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં વહેલી સવારે પ્રેમપ્રકરણમાં હિંસક ઘટના બની હતી. એક શખ્સે પોતાની સ્ત્રી મિત્રના ગળા અને છાતીના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યાે હતો.

હુમલો કર્યા બાદ પકડાઈ જવાના ડરે હુમલાખોર શખ્સે ટ્રેન હેઠળ કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

બનાવની વિગતો મુજબ, મૂળ જૂનાગઢના ભેંસાણ તાલુકાના બરવાળા ગામના અને હાલ રાજકોટના શીતળાધાર વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય કાજલબેન ભૂપતભાઈ ગોંડલીયા પર વહેલી સવારે પાંચેક વાગ્યે હિંમત વાળા નામના શખ્સે છરીથી હુમલો કર્યાે હતો. કાજલબેન લોહીલુહાણ હાલતમાં પાડોશી પાસે મદદ માટે દોડી ગયા હતા, જ્યાંથી ૧૦૮ મારફતે તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.

આ ઘટના બાદ હિંમત વાળાએ કોઠારીયા સોલવન્ટ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.કાજલબેનના પુત્ર સાગરભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, મારા માતા સાતેક વર્ષ પહેલા પિતાથી છૂટાછેડા લઈને હિંમત સાથે મૈત્રી કરારથી રહેતા હતા. હિંમત પરિણીત હોવાથી તે અવારનવાર વતનમાં જતો રહેતો હતો.

આથી મારા માતાએ તેની સાથે સંબંધ તોડી ફરી મારા પિતા સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું. આ વાતની જાણ હિંમતને થતા તેણે ઉશ્કેરાઈને વહેલી સવારે ઘરે આવી મમ્મીનું મોઢું દબાવી છરીના ઘા ઝીંકી દીધા હતા.

આજીડેમ પોલીસના જણાવ્યા અનુસાર, હિંમતભાઈ ગોબરભાઈ વાળા (ઉ. ૪૫) યાર્ડમાં ફેરા કરવાનું કામ કરતા હતા. કાજલબેન પર હુમલો કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હોવાનું સમજીને ગભરાઈ ગયેલા હિંમતે આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.