Western Times News

Gujarati News

ટ્રમ્પનું રશિયાને અલ્ટીમેટમ, ઈરાન પર ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ઝીંક્યા

તહેરાન, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે વૈશ્વિક રાજનીતિ અને લશ્કરી વ્યૂહરચનાના નવા સમીકરણો રચાઈ રહ્યા છે. અમેરિકાએ એકતરફ રશિયાને આડકતરી ધમકી આપી છે, તો બીજી તરફ ઈરાન પર ‘બંકર-બસ્ટર’ બોમ્બથી પાતાળ સુધી તબાહી મચાવી છે.

અમેરિકાના યુદ્ધ સચિવ પીટ હેગસેથે રશિયાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં દખલ ન કરે. પેન્ટાગોનમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, જોકે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીત ‘સકારાત્મક’ રહી છે અને યુક્રેન મુદ્દે શાંતિની ચર્ચા થઈ છે, પરંતુ રશિયાએ મિડલ ઈસ્ટના જંગથી દૂર રહેવું જ હિતાવહ રહેશે.

અમેરિકાએ હવે ઈરાનના એવા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જે જમીનની નીચે સેંકડો ફૂટ ઉંડે બંકરોમાં છુપાયેલા છે. અહેવાલ મુજબ, અમેરિકાએ ૨૦૦૦ પાઉન્ડ વજનના ડઝનબંધ જીપીએસ-નિયંત્રિત ‘બંકર-બસ્ટર’ બોમ્બ ઈરાન પર ફેંક્યા છે.

આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની મિસાઈલ બનાવવાની અને તેને દાગવાની ક્ષમતાને મૂળમાંથી ખતમ કરવાનો છે.યુદ્ધના ૧૦ દિવસ બાદ પહેલીવાર ટ્રમ્પ પ્રશાસને ઇઝરાયલને ઈરાનના તેલ અને ઊર્જા સંસાધનો પર વધુ હુમલા ન કરવા વિનંતી કરી છે.

અમેરિકા આ હુમલાને ‘ડૂમ્સડે ઓપ્શન’ (કયામતનો વિકલ્પ) માની રહ્યું છે. ટ્રમ્પને ડર છે કે જો ઈરાનનો એનર્જી સેક્ટર પૂરેપૂરો નષ્ટ થશે, તો ઈરાન વળતા પ્રહારમાં ખાડી દેશોના તેલ મથકો પર હુમલો કરી શકે છે, જેનાથી આખી દુનિયામાં તેલના ભાવ આસમાને પહોંચી જશે.ઇઝરાયલના હુમલા બાદ તેહરાનના આકાશમાં એટલો ધુમાડો છવાઈ ગયો છે કે ત્યાં ‘એસિડ રેન’ (તેજાબી વરસાદ) થવાની ખબરો છે.

હવા એટલી ઝેરી બની ગઈ છે કે ૧૬૮ જેટલા બાળકોના મોતના અહેવાલ છે (મીનાબ શહેરની ઘટના). અમેરિકાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને નાગરિકોની સુરક્ષા માટે ઇઝરાયલને સંયમ રાખવા કહ્યું છે.નિષ્ણાતો માને છે કે માત્ર હવાઈ હુમલાથી ઈરાનના અત્યંત ઉંડા પરમાણુ ઠેકાણાઓને નષ્ટ કરવા મુશ્કેલ છે. આથી, ટ્રમ્પ પ્રશાસન આગામી સમયમાં આ ઠેકાણાઓને કબજે કરવા માટે ‘સ્પેશિયલ ફોર્સ’ દ્વારા જમીની કાર્યવાહી કરવાની યોજના પર પણ વિચાર કરી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.