Western Times News

Gujarati News

12 થી 18 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 41 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી

અમદાવાદમાં આગામી 7 દિવસ ગરમીનો માર : પ્રથમ દિવસે હીટવેવની શક્યતા, AMCનો હીટ એક્શન પ્લાન સક્રિય

(પ્રતિનિધિ) અમદાવાદ,   ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા શહેરમાં  ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસ ગરમીનો પારો કેટલો રહેશે તે જણાવવામાં આવ્યું છે. IMDના અનુમાન મુજબ આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં તાપમાન ઊંચું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને શરૂઆતના દિવસે હીટ વેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન અનુસાર 12થી 18 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી થી 41 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી થી 24 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

જેમાં પ્રથમ દિવસે એટલે કે 12 માર્ચે મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અને આ દિવસે હીટ વેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં તાપમાન 39થી 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને ગરમીની અસર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત નાગરિકોને ગરમીથી સુરક્ષિત રાખવા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અંતર્ગત ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડો. તેજસ શાહ ના જણાવ્યા મુજબ  તમામ અર્બન હેલ્થ સેન્ટર/કોમ્યુનિટી હેલ્થ સેન્ટર/HWCમાં ORS ઉપલબ્ધ  છે. સામાજિક સંસ્થાઓ/NGO ની મદદથી શહેરમાં 350થી વધુ પાણીની પરબો ચાલુ કરવામાં આવેલ છે,

તેમજ વધુ ને વધુ સંસ્થાઓને જોડવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે. તમામ આંગણવાડીઓમાં ORSના પેકેટ ઉપલબ્ધ  છે. અમદાવાદ મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ ખાતે ORS કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે તેમજ હીટ સ્ટ્રોક થવાથી દર્દીની સારવાર માટે અલગથી બેડની વ્યવસ્થા પણ કરેલ છે.

મ્યુનિસિપલ સ્કૂલમાં બાળકોની સુરક્ષા માટે શિક્ષકોને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે તેમજ દરેક મ્યુનિસિપલ સ્કૂલમાં દર દોઢ કલાકે વોટર બેલની વ્યવસ્થા કરેલ છે. ઉનાળાની ઋતુ દરમિયાન એન્જિનિયર વિભાગ દ્વારા ચાલતી તમામ સાઈટ્સ પર અનિવાર્ય સંજોગો સિવાય બપોરે 1 થી 4 કામ બંધ રાખવામાં આવશે.

તમામ બગીચાઓ સવારે 6 કલાકથી રાત્રીના 11 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેશે, તેમજ દરેક બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.તમામ શેલ્ટર હોમમાં પણ ORS પેકેટ/પીવાના પાણીની સુવિધા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.