Western Times News

Gujarati News

અમેરિકામાં વર્લ્ડ કપ ફૂટબોલમાં ભાગ લેવા ઇરાનને ટ્રમ્પની મંજૂરીઃ ફિફાનો દાવો

માયામી, વિશ્વ ફૂટબોલની વડી સંચાલન સંસ્થા ફિફાએ દાવો કર્યાે હતો કે અમેરિકા અને ઇરાન બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવા છતાં ઈરાનની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં આવશે અને આશરે ત્રણ મહિનામાં શરૂ થનારા વર્લ્ડ કપમાં ભાગ લેવાની મંજૂરી અપાશે તેવી તેઓ અપેક્ષા રાખે છે.

આ અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંજૂરી આપી દીધી હોવાનો પણ ફિફાએ દાવો કર્યાે હતો.ફિફાના પ્રમુખ જિયાની ઈન્ફાન્ટિનોએ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ઈન્ફાન્ટિનોએ સ્પષ્ટ કર્યું હતું કે “પ્રમુખ ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યાે છે કે ઈરાનની ટીમનું અમેરિકામાં સ્પર્ધા કરવા માટે સ્વાગત છે.”ફૂટબોલ વર્લ્ડ કપ ૨૦૨૬નું આયોજન સંયુક્ત રીતે અમેરિકા, કેનેડા અને મેક્સિકો દ્વારા ૧૧મી જૂનથી ૧૯મી જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે.

ઈરાનની ટીમ ૧૫મી જૂને ન્યૂઝીલેન્ડ સામે (ઈંગલવુડ, કેલિફોર્નિયા), ૨૧મીએ બેલ્જિયમ સામે (ઈંગલવુડ, કેલિફોર્નિયા) અને ૨૬મીએ ઇજિપ્ત સામે (સિએટલ) રમનારી છે.તાજેતરમાં ઈરાની અધિકારીઓએ યુદ્ધને કારણે ટુર્નામેન્ટમાં ભાગ લેવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. બીજી તરફ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે કહ્યું હતું કે, “ઈરાન આ ૪૮ દેશોની ટુર્નામેન્ટમાં ભાગ લે છે કે નહીં તેની મને ખરેખર કોઈ પરવા નથી.”

ફિફાના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) હેઇમો શિર્ગીએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે સર્જાયેલી વૈશ્વિક અશાંતિ છતાં ટુર્નામેન્ટ મોકૂફ રાખવી આસાન નિર્ણય નથી. આ એક ગંભીર અને અત્યંત સંવેદનશીલ મામલો છે. ફિફા હાલમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે પરંતુ ટુર્નામેન્ટ નિર્ધારિત સમય મુજબ જ આગળ વધશે.

એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવેલી ઇરાની મહિલા ફૂટબોલ ટીમ સાત સભ્યોના ઘટાડા સાથે ઓસ્ટ્રેલિયાથી બુધવારે રવાના થઈ ગઈ હતી. સિડની એરપોર્ટ પર ભાવુક દ્રશ્યો અને ઓસ્ટ્રેલિયાના સત્તાધિકારીઓના છેલ્લા સમયના પ્રયાસો બાદ સાત મહિલા ફૂટબોલ ખેલાડીએ ઓસ્ટ્રેલિયામાં રાજ્યાશ્રય સ્વીકારી લીધો હતો.

ઇરાનની મહિલા ફૂટબોલ ટીમે ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં રાષ્ટ્રગીત વખતે મૌન રહીને નિયાભરનું ધ્યાન ખેંચ્યું હતું, જેને વિરોધના પ્રતીક તરીકે જોવામાં આવ્યું હતું.દરમિયાન મંગળવારે રાત્રે ફ્લાઈટના થોડા સમય અગાઉ દરેક મહિલા ખેલાડીને સુરક્ષા તપાસ દરમિયાન અલગ લઈ જઈને સમજાવવામાં આવ્યું હતું કે તેઓ ઈચ્છે તો ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે. જેમાં સાત મહિલાઓએ શરણ લીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.