Western Times News

Gujarati News

પાયરેટેડ સામગ્રી શેર કરવા બદલ ટેલિગ્રામને સરકારની નોટિસ

નવી દિલ્હી, ફિલ્મો અને વેબ સિરીઝના મોટા પાયે ગેરકાયદેસર પાયરસી અંગે વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સ દ્વારા કરાયેલી ફરિયાદો બાદ સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને તેના પ્લેટફોર્મ પરથી પાયરેટેડ સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, ૨૦૦૦ હેઠળ ટેલિગ્રામને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં ટેલિગ્રામને પાયરસી રોકવા તેમજ ગેરકાયદેસર સામગ્રી દૂર કરવા નિર્દેશ અપાયો છે.

ફરિયાદોની તપાસ કર્યા પછી, સત્તાવાળાઓએ ૩,૧૪૨ જેટલી ટેલિગ્રામ ચેનલોની ઓળખ કરી છે જે કથિત રીતે ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય કોપીરાઈટ સામગ્રી સહિતનું પાયરેટેડ કન્ટેન્ટ શેર કરી રહી હતી.જિયો સિનેમા અને એમેઝોન પ્રાઇમ વિડિયો જેવા ઓટીટી પ્લેટફોર્મ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોને પગલે સરકાર દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી હતી.

ઓટીટી પ્લેટફોર્મ્સે ટેલિગ્રાફ વિરુદ્ધ કરેલાં આક્ષેપમાં જણાવ્યું હતું કે, તેમની કોપીરાઈટ ધરાવતી સામગ્રી ટેલિગ્રામ પર પરવાનગી વગર વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, મોટી ફાઇલ શેર કરવાની મર્યાદા અને યુઝર્સની ગુપ્તતા જાળવી રાખવાની ક્ષમતા સહિતની ટેલિગ્રામની વિશેષતાઓનો કેટલાક વપરાશકર્તાઓ દ્વારા મોટા પાયે પાયરેટેડ કન્ટેન્ટ શેર કરવા માટે દુરુપયોગ કરવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા અશ્લીલ ગણાતી સામગ્રી સ્ટ્રીમ કરવા બદલ પાંચ ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યાના ગણતરીના દિવસોમાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ્સમાં મૂડએક્સવીઆઈપી, કોયલ પ્લેપ્રો, ડિજી મુવીપ્લેક્સ, ફીલ અને જુગ્નુનો સમાવેશ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.