Western Times News

Gujarati News

ધુરંધર ૨ માટે અમેરિકામાં એડવાન્સ બુકિંગ ૨ મિલિયન ડોલરને પાર

મુંબઈ, રણવીર સિંહની ધુરંધરઃ ધ રિવેન્જ માટે વિશ્વભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર શનિવારે રિલીઝ થયું હતું, ત્યારબાદ તરત જ પેઈડ પ્રિવ્યુ માટે એડવાન્સ બૂકિંગ શરૂ કરવામાં આવ્યા હતા.

જિયો સ્ટુડિયોઝ અને બી૬૨ સ્ટુડિયોઝ દ્વારા રજૂ કરાયેલાં ૪ મિનિટના ટ્રેલરે દર્શકોને જસ્કીરત સિંહ રંગી નામના પાત્રની દુનિયાની ઝલક આપી હતી. ટ્રેલર બાદ ઉત્તર અમેરિકામાં એડવાન્સ બૂકિંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.ટ્રેડ અંદાજ મુજબ મંગળવાર સુધીમાં અમેરિકા અને કૅનેડામાં ફિલ્મના પેઈડ પ્રિવ્યુ શોઝ માટે જ લગભગ ૭૫૦,૦૦૦ ડૉલરથી વધુનું બૂકિંગ થઈ ગયું હતું.

જ્યારે ઓપનિંગ ડે માટે એડવાન્સ બૂકિંગ ૧ મિલિયન ડૉલરને પાર કરી ગયું છે, જ્યારે સમગ્ર ઓપનિંગ વીકએન્ડ માટે આ આંકડો ૨ મિલિયન સુધી પહોંચી ગયો છે. ફિલ્મ હજુ ૧૯ માર્ચે રિલીઝ થવાની હોવાથી આ આંકડા ખુબ જ પ્રભાવશાળી ગણાઈ રહ્યા છે.ભારતમાં પણ ફિલ્મ માટે ભારે પ્રતિસાદ મળ્યો છે. બુધવારે માત્ર પેઈડ પ્રિવ્યુ માટે એડવાન્સ બૂકિંગ શરૂ થયા છતાં ફિલ્મે ૩.૫ લાખથી વધુ ટિકિટ વેચી દીધી છે, જેના કારણે અંદાજે ૧૯ કરોડની કમાણી થઈ છે.

હાલમાં અમેરિકામાં સૌથી મોટાં પેઈડ પ્રિવ્યુ કલેક્શનનો રેકોર્ડ એનિમલનાં નામે છે, જેમાં રણબીર કપૂરની ફિલ્મે ૧.૨ મિલિયન ડૉલર કમાણી કરી હતી. ઉત્તર અમેરિકામાં સૌથી મોટા ઓપનિંગ વીકએન્ડનો રેકોર્ડ હાલમાં ‘આરઆરઆર’ અને ‘પુષ્પા ૨-ધ રુલ’ના નામે છે, જેણે અનુક્રમે ૩.૪૬ મિલિયન ડૉલર અને ૩.૩૪ મિલિયન ડૉલરની કમાણી કરી હતી.

તે સિવાય બાહુબલી ૨એ પણ લગભગ એક દાયકા પહેલાં ઓપનિંગ વીકએન્ડમાં લગભગ ૩ મિલિયન ડૉલરની કમાણી કરી હતી. ટ્રેડ નિષ્ણાતોના અંદાજ મુજબ ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ અમેરિકામાં પોતાના પ્રથમ વીકએન્ડમાં ૪ મિલિયન સુધી પહોંચી શકે છે.પરંતુ હાલ ધુરંધર ફિલ્મને લઈને બીજી એક મોટી ચર્ચા પણ ચાલી રહી છે.

માહિતી અનુસાર જિયો સ્ટુડિયોઝે સિંગલ સ્ક્રીન થિયેટર્સ માટે ૬ અઠવાડિયા સુધી તમામ શો માત્ર ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ માટે જ રાખવાની માંગ કરી છે.આ અંગે એક ટ્રેડ સુત્રએ જણાવ્યું, “સામાન્ય રીતે ડિસ્ટ્રિબ્યુટર્સ ૨ અથવા વધુમાં વધુ ૩ અઠવાડિયા માટે તમામ શોની માંગ કરે છે. પરંતુ ૬ અઠવાડિયાની માંગ અત્યાર સુધી ક્યારેય સાંભળવામાં આવી નથી.

જિયો ટીમે સ્પષ્ટ જણાવ્યું છે કે સિંગલ સ્ક્રીન થિયેટરોમાં તમામ શો ‘ધુરંધર’ને જ આપવાના રહેશે. શો-શેરિંગની મંજૂરી નહીં હોય.”આ સ્થિતિમાં ‘ભૂત બંગલા’ જેવી ફિલ્મને સ્ક્રીન મળવામાં મુશ્કેલી આવી શકે છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે. સાથે જ જિયો સ્ટુડિયોઝે પોતાની બીજી ફિલ્મ રાજા શિવાજી માટે પણ બે અઠવાડિયા સુધી તમામ શોની માંગ કરી છે.

આ ફિલ્મ ૧ મેએ રિલીઝ થવાની છે અને તેમાં અભિનેતા રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે.તો એક પ્રદર્શકે જણાવ્યું, “અમે ‘ધુરંધરઃ ધ રિવેન્જ’ બતાવવા ખુશ છીએ કારણ કે તે ઈતિહાસ રચી શકે છે. પરંતુ ‘ભૂત બંગલા’ પણ મનોરંજક ફિલ્મ લાગે છે અને તેમાં અક્ષય કુમાર, પ્રિયદર્શન અને એકતા કપૂર જોડાયેલાં છે.

અમે તેમને નારાજ કરવા માંગતા નથી, પરંતુ હાલની શરતોને કારણે અમને એક પણ શો આપવાની મંજૂરી નહીં મળે.”તો અન્ય રાજસ્થાનના એક પ્રદર્શકે કહ્યું,“જો દરેક સ્ટુડિયો આવું જ વર્તન કરવા લાગે તો પછી નાની ફિલ્મો માટે જગ્યા ક્યાં રહેશે?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.