Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલના તબીબોની કુશળતા: બે જટિલ સર્જરીમાં મળી સફળતા, બે દર્દીઓને મળ્યું નવું જીવન

રાજસ્થાનની મહિલાની મગજ સુધી વિસ્તરેલી ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઈ, તો વાપીના યુવાનને કિડનીમાં 10 સેમીની ગાંઠથી રાહત મળી

સિવિલ હોસ્પિટલ જટિલ અને ગંભીર બીમારીઓની સારવાર માટે અદ્યતન ટેકનિક અને અનુભવી નિષ્ણાતોની ટીમ સાથે દર્દીઓની સેવામાં સતત પ્રતિબદ્ધ :- ડૉ. રાકેશ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ

આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ

 અમદાવાદની સિવિલ હોસ્પિટલે ફરી એકવાર તેની તબીબી શ્રેષ્ઠતા સાબિત કરી છે. હોસ્પિટલના ENT અને યુરોલોજી વિભાગના ડોક્ટરો દ્વારા બે જટિલ અને દુર્લભ કિસ્સાઓમાં સફળ સર્જરી કરી દર્દીઓને નવી આશા પૂરી પાડવામાં આવી છે.

પ્રથમ કિસ્સામાં રાજસ્થાનની મહિલા છેલ્લા ત્રણ વર્ષથી ગળાની ગાંઠથી પીડાતી હતી. આ વિશે સિવિલના ENT વિભાગના વડા ડૉ. ઇલા ઉપાધ્યાએ જણાવ્યું હતું કે ઉદયપુરની 44 વર્ષીય મહિલાને જમણી બાજુના ગળામાં 6x3x3 સેમીની ગાંઠ હતી. તપાસમાં સામે આવ્યું કે આ ગાંઠ મગજ તરફ લોહી લઈ જતી મુખ્ય ધોરી ધમનીમાંથી ઉત્પન્ન થઈ હતી અને મગજના નીચેના ભાગ સુધી વિસ્તરેલી હતી.

ડૉ. ઈલા ઉપાધ્યા અને તેમની ટીમ દ્વારા ગત 5 માર્ચે આ દુર્લભ ગાંઠ અત્યંત કુશળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન ડૉ. ભાવના રાવલ અને તેમની ટીમે એનેસ્થેસિયા આપ્યું  હતું. ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ સારી છે, તેઓ સામાન્ય રીતે ખાઈ-પી શકે છે અને તેમનો અવાજ પણ સામાન્ય છે. આવી ગાંઠ અત્યંત દુર્લભ માનવામાં આવે છે અને 30 હજાર લોકોમાંથી માત્ર એક વ્યક્તિમાં જોવા મળે છે. જો આ ગાંઠ સમયસર દૂર ન કરવામાં આવે તો તે ધોરી નસને નુકસાન પહોંચાડીને લકવો, ખાવા-પીવા અને બોલવામાં તકલીફ જેવા ગંભીર પરિણામો લાવી શકે છે.

બીજો કિસ્સો વાપીના યુવાનનો હતો જેને કિડનીની મોટી ગાંઠ હતી. યુરોલોજી વિભાગના વડા ડૉ. શ્રેણિક શાહે આ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે 35 વર્ષીય યુવાનને પેટમાં ડાબી બાજુએ  દુખાવો અને ગાંઠની ફરિયાદ હતી. સીટી સ્કેનમાં તેની ડાબી કિડનીમાં 10×10 સેમીની મોટી ગાંઠ જોવા મળી હતી, જે આસપાસના અંગો પર દબાણ કરી રહી હતી.

જરૂરી તપાસ બાદ 8 ફેબ્રુઆરીએ યુરોલોજી વિભાગ દ્વારા લેપ્રોસ્કોપિક પદ્ધતિથી મોટી ગાંઠ દૂર કરવાની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. આ ટેકનિકલી પડકારજનક હોવા છતાં ડોક્ટરોએ સુંદર પરિણામ આપ્યું છે અને દર્દી હાલમાં સ્થિર છે.

આ બંને સફળ સર્જરીઓ વિશે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ સફળતા ફરી એકવાર સાબિત કરે છે કે સિવિલ હોસ્પિટલ જટિલ અને ગંભીર બીમારીઓની સારવાર માટે અદ્યતન ટેકનિક અને અનુભવી નિષ્ણાતોની ટીમ સાથે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.