Western Times News

Gujarati News

શિક્ષિત અને આત્મનિર્ભર મહિલા સશક્ત સમાજનું અનિવાર્ય અંગ: જિલ્લા પંચાયત પ્રમુખ 

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી

નિષ્ણાતો દ્વારા 800થી વધુ મહિલાઓને મહિલા સશક્તીકરણ અને સાયબર સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શન

વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને એક વિશેષ મહિલા સંમેલન યોજાયું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલા શક્તિ અને સંસ્કારનું પ્રતિક છે. આજે મહિલાઓ વિજ્ઞાનથી લઈને રાજકારણ સુધીના તમામ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સખી મંડળ અને મહિલા સ્વાવલંબન યોજના દ્વારા બહેનો આત્મનિર્ભર બની રહી છે, જે સશક્ત સમાજના નિર્માણ માટે અનિવાર્ય છે.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કાર્યરત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી આદેશો, હુકમો અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ આરોગ્ય, શિક્ષણ, આર્થિક અને સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

વર્તમાન સમયમાં વધતા જતા ડિજિટલ અપરાધોને ધ્યાને રાખીને કાર્યક્રમમાં સાયબર સુરક્ષા અંગેનું વિશેષ સત્ર પણ યોજાયું હતું. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ શ્રી અશ્વિનભાઈ આહલગામાએ ઉપસ્થિત મહિલાઓને ટેલિફોનિક જાહેરાતો અને ઓનલાઇન કૌભાંડોથી બચવા માટે વિસ્તૃત જાણકારી આપી હતી. સાયબર સંવાદ દ્વારા મહિલાઓને પોતાના ડિજિટલ વ્યવહારો સુરક્ષિત રાખવા અને છેતરપિંડીના કિસ્સામાં ત્વરિત પગલાં લેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમ દ્વારા મહિલા સશકતીકરણના સંદેશને જન-જન સુધી પહોંચાડી વિશ્વ મહિલા દિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી. આ મહિલા સંમેલનમાં મહિલા અને બાળ સમિતિના ચેરમેન શ્રીમતી ભાવનાબહેન, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જે. બી. જસાણી સહિત વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, અંદાજે 872થી વધુ મહિલાઓ જેમાં વિવિધ મહિલા સંસ્થાઓના પ્રતિનિધિઓ, સખી મંડળોની બહેનો, આંગણવાડી કાર્યકરો તેમજ એન.એસ.એસ. અને એન.સી.સી.ની વિધાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.