Western Times News

Gujarati News

ભદ્ર પરિસરમાં ૫૮૬ પાથરણાવાળાને ફરી જગ્યા આપોઃ હાઈકોર્ટનો AMCને આદેશ

એક સપ્તાહમાં વેરિફિકેશન કરવા આદેશ

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૫૮૬ પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે તેમને ૨૧મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે સપ્ટેમ્બર ૨૦૨૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પાથરણાવાળાને વેન્ડિંગ ઝોનમાંથી હટાવવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૮મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા સોગંદનામાં પ્રમાણે ૫૮૬ પાથરણાવાળાને કોર્પોરેશન દ્વારા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. આ ૫૮૬ પાથરણાવાળા પૈકી ૨૬૨ પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેવા દ્વારા જ્યારે ૩૨૪ પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેલો સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું.

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જે પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા છે તેનું વેરિફિકેશન એક સપ્તાહના સમયગાળા દરમિયાન કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને હટાવવાના નિર્ણયને સ્ટ્રીટ વેન્ડર એક્ટ ૨૦૧૪ની વિરૂદ્ધ છે.

આ સાથે જ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ અધિકારી, એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને એક સ્થાનિક વરિષ્ઠ વહીવટી અધિકારીની કમિટીનું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કમિટી પાથરણાવાળાનું વેરિફિકેશન કરશે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે કોઈપણ પ્રકારની વધુ પૂછપરછ વિના ૫૮૬ પાથરણાવાળાને ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃસ્થાપિત કરવામાં આવે.

હાઇકોર્ટે સેવા અને સેલો સંસ્થાન દ્વારા પ્રતિનિધિત્વ કરાયેલા અને બાકી રહી ગયેલા ૨૫૮ પાથરણાવાળાનું કમિટી દ્વારા ૧૫ દિવસમાં વેરિફિકેશન કરવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે પ્રમાણપત્રો ન ધરાવતા પાથરણાવાળાના ભદ્ર પરિસર વેન્ડિંગ ઝોનમાં સંચાલન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પાથરણાવાળાને વેન્ડિંગ ઝોનમાં ફરીવાર પુનઃસ્થાપિત કરવામાં આવે ત્યારે ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા કથળે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે ખાસ સુચના કરી છે.

કોર્ટે આદેશમાં જાહેર માર્ગ પર કોઇપણ પ્રકારનું દબાણ કે અવરોધ ઉભો ન કરવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે. ફૂટપાથ કે જાહેર માર્ગ સામાન્ય લોકો માટે ખુલ્લા રાખવામાં આવે. કોઈપણ પક્ષ દ્વારા કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવાના કિસ્સામાં તેને કોર્ટનો તિરસ્કાર ગણવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સરકારી વકીલે કોર્ટના આદેશના અમલ પર સ્ટે આપવાની માંગ કરી હતી.જો કે હાઇકોર્ટે આ માંગ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧૭મી એપ્રિલ સુધીમાં સોગંદનામુ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. આજથી એક દાયકા પહેલાં અમદાવાદના ભદ્ર વિસ્તારમાં વર્ષોથી ધંધો કરતા પથારાવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેના સંઘર્ષ શરૂ થયો હતો.

વર્ષ ૨૦૧૪માં ભદ્ર પ્લાઝાના વિકાસ માટે કોર્પોરેશને ભદ્ર મંદિરની આસપાસ બેરિકેડ્‌સ લગાવીને રસ્તા ખોદવાનું શરૂ કર્યું, ત્યારે પેઢીઓથી ત્યાં વ્યવસાય કરતા પથારાવાળાની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિવાદમાં ‘સેવા’ અને ‘સેલો’ જેવી સંસ્થાઓએ ૬૦-૭૦ વર્ષ જૂના પુરાવા અને ૨૦૧૪ના ફેરિયા અંગેના કાયદાના આધારે પથારાવાળાના હક માટે પીઆઈએલ દાખલ કરીને કાયદાકીય લડત શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.