Western Times News

Gujarati News

પુત્ર અને પુત્રવધૂએ જ 55 વર્ષની માતાની ગળે ટૂંપો આપી હત્યા કરી

લાશના હાથ-પગ બાંધી, કોથળામાં ભરીને મંદિર પાસે ફેંકી દીધી હતી. પોલીસ માટે આ કેસમાં સૌથી મહત્વની કડી ‘દોરી’ બની હતી.

પપ વર્ષની મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ લાશ કોથળામાં પેક કરીને ફેંકી આવ્યા-સુરતના કોસાડમાં પુત્ર, પુત્રવધૂએ જ માતાની ક્રૂર હત્યા કરી લાશ ફેંકી દીધી

સુરત, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ પાસે બે દિવસ પહેલા કોથળામાં બંધ હાલતમાં મળી આવેલી પપ વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે.

આ હત્યા કોઈ બહારની વ્યકિતએ નહીં, પરંતુ મૃતકના સગા પુત્ર પરવેઝ અને પુત્રવધૂ શબાનાએ મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ હત્યાકાંડમાં શબાનાના પિતા ફિરોઝ આલમે પણ સાથ આપ્યો હતો.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, હમીદાખાતૂનનો નાનો પુત્ર પરવેઝ અને તેની ભાભી શબાના વચ્ચે પ્રેમસંબંધ હતો. સાસુ હમીદાખાતૂન આ સંબંધો અને ઘરના આર્થિક વિવાદોને લઈ અવારનવાર ટોકટોક કરતા હતા. આ રોજબરોજના ઝઘડાથી કંટાળીને પરવેઝ અને શબાનાએ હમીદાખાતૂનને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડયું હતું. આ માટે શબાનાએ તેના પિતા ફિરોઝ આલમને ખાસ બિહારથી સુરત બોલાવ્યા હતા.

ગત ૧૦ માર્ચના રોજ ત્રણેય આરોપીઓએ ભેગા મળી હમીદાને માથામાં ઈજા કરી ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ પકડાઈ જવાની બીકે તેઓએ લાશને એક દિવસ સુધી ઘરમાં જ છુપાવી રાખી હતી. ત્યારબાદ ૧૧ માર્ચના રોજ લાશના હાથ-પગ બાંધી, કોથળામાં ભરીને હનુમાનજીના મંદિર પાસે ફેંકી દીધી હતી.
પોલીસ માટે આ કેસમાં સૌથી મહત્વની કડી ‘દોરી’ બની હતી.

લાશના હાથ-પગ બાંધવા માટે જે ખાસ પ્રકારની ચિંદી (દોરી)નો ઉપયોગ થયો હતો, તેવી જ દોરી પોલીસને સર્ચ દરમિયાન મૃતકના ઘરમાંથી મળી આવી હતી. આ ઉપરાંત પુત્ર પરવેઝે પોતે જ અમરોલી પોલીસ સ્ટેશનમાં માતા ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસને તેની વર્તણૂક પર શંકા જતા કડક પૂછપરછ હાથ ધરી હતી જેમાં સમગ્ર પાપ છતું થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.