Western Times News

Gujarati News

બાર કાઉન્સિલ ચૂંટણી પરિણામઃ જે. જે. પટેલનો ક્વોટા પાર કરી ઐતિહાસિક વિજય

વકીલ આલમમાં ખુશીની લહેર-ઐતિહાસિક જીત અને રેકોર્ડબ્રેક મતોઃ ૨૫ વર્ષની અવિરત સેવા અને મજબૂત નેતૃત્વ

(એજન્સી)અમદાવાદ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં સમગ્ર રાજ્યના વકીલ આલમમાં જેમના નામનો દબદબો છે તેવા લોકપ્રિય અને પીઢ ધારાશાસ્ત્રી શ્રી જે. જે. પટેલે ભવ્ય વિજય મેળવીને એક નવો ઇતિહાસ અંકિત કર્યો છે.

ગુજરાત રાજ્યના વકીલોની માતૃસંસ્થા એવી બાર કાઉન્સિલની આ ચૂંટણીમાં શ્રી જે. જે. પટેલે પ્રથમ પસંદગીના મતોનો ક્વોટા અત્યંત પ્રભાવશાળી રીતે પાર કર્યો છે. વર્ષ ૧૯૬૧ પછીની બાર કાઉન્સિલની ચૂંટણીઓના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો (ક્વોટા) એટલે કે ૧૯૨૯ થી વધુ પ્રથમ પસંદગીના મતો મેળવીને તેમણે એક અજેય લીડ પ્રાપ્ત કરી છે. આ આંકડો વકીલ બિરાદરોમાં તેમની લોકપ્રિયતા અને સ્વીકૃતિનો જીવંત પુરાવો છે.

જે. જે. પટેલ છેલ્લા ૨૫ વર્ષથી બાર કાઉન્સિલમાં વકીલોના પ્રશ્નો અને હિતો માટે કાર્યરત છે. કાયદાકીય ક્ષેત્રમાં એવું માનવામાં આવે છે કે બુદ્ધિજીવી વર્ગ એવા ‘વકીલોના મત મેળવવા અને તેમના નેતા બનવું’ એ લોઢાના ચણા ચાવવા જેવું કઠિન કાર્ય છે, પરંતુ શ્રી જે. જે. પટેલે પોતાના મજબૂત નેતૃત્વ, સાલસ સ્વભાવ અને કાર્યદક્ષતાથી સમગ્ર ગુજરાતના વકીલોનો અતૂટ વિશ્વાસ જીતી લીધો છે.

આ ઐતિહાસિક પરિણામ બાદ સમગ્ર રાજ્યના વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રબુદ્ધ મતદારોએ જે રીતે જે. જે. પટેલના નેતૃત્વ પર મહોર મારી છે, તે સાબિત કરે છે કે વકીલોના હિત માટે લડનારા અને ચોવીસ કલાક ઉપલબ્ધ રહેતા નેતાની જીત નિશ્ચિત હોય છે.

આ ભવ્ય વિજય બદલ જે. જે. પટેલે સમગ્ર ગુજરાતના વકીલ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જીત એ મારા ૨૫ વર્ષના સેવાકાર્ય પર વકીલ આલમે મૂકેલો વિશ્વાસ છે અને હું આગામી સમયમાં પણ વકીલોના કલ્યાણ અને ગરિમા માટે કટિબદ્ધ રહીશ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.