Western Times News

Gujarati News

અમદાવાદની ટોળકી બેંક કર્મચારી બની વિદેશીઓને ડરાવી ગિફ્‌ટ કાર્ડ દ્વારા નાણાં પડાવતી હતીઃ ૪ની ધરપકડ

AI Image

કેનેડિયન નાગરિકોને શિકાર બનાવતું વધુ એક આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચાંદખેડામાંથી ઝડપાયું

(એજન્સી)અમદાવાદ, શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સાયબર ફ્રોડનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ચાંદખેડા વિસ્તારમાં ધમધમતા એક ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટર દ્વારા ખાસ કરીને કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. બેંક અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી વિદેશીઓને ડરાવી-ધમકાવી ગિફ્‌ટ કાર્ડ દ્વારા ડોલર પડાવતા ૪ શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

સાયબર ક્રાઈમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંદખેડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ કેનેડામાં રહેતા લોકોને ફોન કરીને પોતે બેંકના કર્મચારી હોવાનું જણાવતા હતા. તેઓ કેનેડિયન નાગરિકોને એવું કહીને ગભરાવી દેતા હતા કે, ‘તમારા બેંક ખાતામાં મોટી સુરક્ષા સમસ્યા છે અથવા તપાસ ચાલી રહી છે.’

આ સમસ્યાના ઉકેલ માટે કેસ સેટલ કરવાના બહાને તેઓ પીડિતો પાસે ગિફ્‌ટ કાર્ડ ખરીદાવતા હતા અને ત્યારબાદ ચતુરાઈથી તેના સિક્રેટ કોડ મેળવી લઈને નાણાં ખંખેરતા હતા. પોલીસે કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર શખસોની ધરપકડ કરવામાં આવી છે,

જેઓ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી લાખોની ઠગાઈ આચરતા હતા. તેમની પાસેથી ગુનામાં વપરાતા હાઈ-ટેક લેપટોપ, એડવાન્સ કોલિંગ સોફ્‌ટવેર, મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ સાધનો મળી કુલ રૂ. ૧.૮૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સાયબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરીને ચાલતા આવા કોલ સેન્ટરોનું નેટવર્ક ઘણું મોટું હોવાની શક્યતા છે. પકડાયેલા ચારેય આરોપીઓ કોના ઈશારે આ કામ કરતા હતા અને તેમની પાછળ કોઈ મોટું માથું સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોલ સેન્ટરો દ્વારા વિદેશીઓને છેતરવાના બનાવો વધતા પોલીસે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.