Western Times News

Gujarati News

ગુજરાતમાં બટાકાનું મબલખ ઉત્પાદન: કોલ્ડ સ્ટોરેજોમાં માલનો ભરાવો

પ્રતિકાત્મક

બટાકાના ભાવમાં ૬૦ ટકાનો ઘટાડો: ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકી

(એજન્સી)મહેસાણા, ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્‌યો છે. જેમાં ગુજરાતમાંથી બટાકાની નિકાસ પણ અટકી પડતા ઘરઆંગણે બટાકાના ભાવમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઘણા વેપારીઓએ પણ કોલ્ડ સ્ટોરેજમાં બટાકાનો સંગ્રહ કર્યો છે. ભાવ ઘટતા વેપારીઓ પણ પસ્તાય રહ્યા છે. મહેસાણાનો વિજાપુર અને તેનો કાંઠા વિસ્તાર જે ઉત્તમ ગુણવત્તાના બટાકા માટે જાણીતો છે, ત્યાં આજે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે.

ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતા, તે જ આ વર્ષે ખેડૂતોની કમર તોડી રહ્યો છે. બજારમાં બટાકાના ભાવમાં ૬૦ ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાતા ખેડૂતોની હાલત ખપોડી બની છે.

સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ, બટાકાનું સારૂએવું ઉત્પાદન છતાંયે આ વખતે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નિકળી શકે તેમ નથી. આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં ધરખમ વધારો થયો છે.

એક વીઘા દીઠ ખેતીનો ખર્ચ રૂ. ૩૦,૦૦૦થી રૂ. ૩૫,૦૦૦ સુધી પહોંચ્યો છે, જેની સામે માંડ રૂ. ૨૦,૦૦૦ની આવક થઈ રહી છે. ગત વર્ષે પ્રતિ ૨૦ કિલો (એક મણ)ના ભાવ રૂ. ૨૫૦થી રૂ. ૪૫૦ સુધી મળતા હતા, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર રૂ. ૮૦થી રૂ. ૧૫૦ની વચ્ચે આવી ગયા છે.

હરીપુરા જેવા ગામોમાં તો સ્થિતિ એવી છે કે, વેપારીઓ રૂ. ૧૦૦માં પણ માલ લેવા તૈયાર નથી, પરિણામે ખેતરોમાં બટાકાના પહાડ જેવા ઢગલા ખડકાયા છે. ઉત્તર ગુજરાતમાં બટાકાનું મબલખ ઉત્પાદનને કારણે વિસ્તારના તમામ કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા છે, જેના કારણે સંગ્રહ કરવાની પણ જગ્યા નથી.

બીજી તરફ ગત વર્ષની સરખામણીએ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે મજૂરોના પૈસા ચૂકવવા પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.