Western Times News

Gujarati News

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી કડક શિક્ષકની જેમ ગુજરાતના ધારાસભ્યોને ઘડે છે!

વિધાનસભામાં બે ધારાસભ્યો બાજુબાજુમાં બેસે છે પણ જાણે બાપે માર્યા વેર હોય તેમ કોઈ દિવસ એક બીજા સાથે વાત નથી કરતા

ગુજરાતની ૧૫મી વિધાનસભાના આઠમા સત્રમાં ધારાસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો મિજાજ કંઈક નોખો અને અનોખો લાગે છે!વાત જાણે એમ છે કે ભા. જ. પ. ની લોખંડી શિસ્ત હેઠળ તેના ધારાસભ્યો પોતે ઈચ્છતા હોય તેવો મૌલિક કે વૈચારિક પ્રશ્ન પુછી શકતા નથી.

એ માટે તેઓએ મુખ્ય દંડકની ઓફિસમાંથી આવતી ચબરખી વાંચીને જ પ્રશ્નો પૂછવા પડે છે! આને કારણે વિધાનસભાની કાર્યવાહી નિરસ બની જાય છે. આના ઉપાય તરીકે તા. ૯/૩/૨૬ના રોજ મળેલી બેઠકમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો કે ‘વિધાનસભાનાં નિયમોના નિયમ -૩૮ અનુસાર ધારાસભ્ય વાંચી પ્રશ્ન પૂછી શકતા નથી અને મંત્રીઓ વાંચીને જવાબ આપી શકતા નથી

તેથી હવે ધારાસભ્યોએ વાંચીને નહીં પણ મૌલિક પ્રશ્નો પૂછવા અને મંત્રીઓએ વાંચીને નહીં પણ મૌલિક રીતે જવાબ આપવા. ‘ શંકર ચૌધરીએ આ અંગે બ્રિટનની આમસભાની પ્રણાલીકા અને લોકસભાના સંચાલનના નિયમ-૩૫૨/૧૧નો ઉલ્લેખ પણ કર્યો હતો.

શંકર ચૌધરીની આ ધગશને ધન્યવાદ આપવા ઘટે પણ રાજકીય નિરીક્ષકોને એવો ભય છે કે આમાં ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ જેવો ઘાટ તો નહીં થાયને? આ ચિંતા પાયા વગરની તો નથી હોં!

બોલો લ્યો, ધારાસભ્યોને ક્રિકેટ મેચની ટિકિટનાં ફાંફાં ને વોર્ડ પ્રમુખોને લહાણી?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તાજેતરમાં રમાયેલી ૨૦-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધાની ટિકિટ ભા. જ. પ.  ધારાસભ્યોને ન મળતા ઉહાપોહ થયો હતો.

આ અંગે સચિવાલયમાં અને વિધાનસભા પરિસરમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો સિક્કાની બીજી બાજુ એવી છે કે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ભાજપના કાર્યકરોને આપવા માટે ૧૦૦૦-૧૦૦૦ હજાર ટિકિટ વહેંચવામાં આવી હતી.

અને એ બન્ને શહેરના દરેક વોર્ડ પ્રમુખો પાસે જથ્થાબંધ ટિકિટ હતી જે ગુપચુપ મનગમતા અને પસંદગીના કાર્યકરોને આપી દેવામાં આવી હતી! આ સૂચવે છે ભારતીય જનતા પક્ષના કેન્દ્રમાં ધારાસભ્ય નહીં પણ કાર્યકર્તા છે.

આ ઘટના અંગે એક ધારાસભ્ય સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ટિકિટ વહેંચણીનું કામ અમારી (એટલે કે ધારાસભ્યો) દ્વારા કરાવ્યું હોત તો અમારું માન જળવાઈ રહેત. ખેર, અત્યારે તો ધારાસભ્યો મેચ જોવા નથી જઈ શક્યા એ એક હકીકત છે!

સેલ્ફ ફાઈનાન્સ શિક્ષણનો ભોગ બનતી આદિવાસી દીકરી નીતિષા

આ કમનસીબ કથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનગુડી ગામની આદિવાસી દીકરી નીતિષાની છે. આ વિદ્યાર્થિનીને ર્નસિંગનો કોર્ષ કરવો હતો, પરંતુ સેલ્ફ ફાઈનાન્સ કોલેજની અન્યાયી નીતિને કારણે ર્નસિંગ અધૂરું છોડવું પડ્‌યું છે.

વાત જાણે એમ બની છે કે સુરત જિલ્લાના ડિંડોલીમાં આવેલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજે શરૂઆતમાં રૂ.  ૧૫,૦૦૦/- ફી લીધા બાદ વારંવાર વધુ નાણાંની માંગણી કરતી હતી.  હોસ્ટેલનો ખર્ચ પણ રૂ. ૫૦, ૦૦૦/- સુધી પહોંચી જાય એમ હતો, જે તેને પરવડે તેમ નહોતો.

આમાં પણ હદ તો ત્યારે થઈ જ્યારે પોતાના અસલ પ્રમાણપત્રો  પરત મેળવવા માટે પણ તેને વધારાના રૂ. ૫,૦૦૦/- ચૂકવવા પડ્‌યા હતા. આ કડવા અનુભવ પછી આ આદિવાસી દીકરીનું ભણવામાંથી મન ઉઠી ગયું અને છેલ્લા એક વર્ષથી ઘરે જ બેસી ગઇ છે.  નીતિષાને ચાર નાના ભાઈ છે.

(૧)ઃ- અમિત(૨)ઃ-નીરજ(૩)ઃ-આર્યન (૪)ઃ-હાર્દિક.  અહીં આશ્ચર્યજનક વાત એ પણ છે કે નીતિષાનાં માતા વિમલાબેને નીતિષા અને અમિતના જન્મ પછી કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હતું, તેમ છતાં ત્યાર પછી પણ ત્રણ ભાઈઓનો જન્મ થયો.  આમ,તેમનું સરકારી ઓપરેશન પણ નિષ્ફળ રહ્યું હતું. સરકાર દ્વારા આદિવાસીઓના કલ્યાણ માટે વપરાતા કરોડો રૂપિયા નીતિષા જેવી અભ્યાસ કરવાની ધગશ ધરાવતી દીકરી સુધી કેમ નહીં પહોંચતા હોય?

હાલ ચાલી રહેલા ૧૫મી વિધાનસભાના આઠમા સત્રની ખટમીઠી વાતો

૧૫મી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર ચાલી રહ્યું છે ત્યારે પત્રકાર દીર્ઘા (પ્રેસ ગેલેરીમાં બેઠાબેઠા જે કંઈ અનાયાસે નજરે ચઢ્યું છે એ અહીં ટપકાવવાનો લોભ થયો છે એટલે એ અહીં ટાંકીએ છીએ.

(૧) વિધાનસભાને પેપરલેસ કરવાનાં પ્રયાસ સ્વરૂપે દરેક દરેક સભ્યના ટેબલ પર નાના લેપટોપ ફીટ કરી દેવામાં આવ્યા છે,પરંતુ તેનો ઉપયોગ કરવા માટે ધારાસભ્યોને મદદરૂપ થવા માટે ૧૦-૧૫ યુવા સહાયકોને રાખવામાં આવ્યા છે

(૨) દરરોજ બેઠક શરૂ થાય ત્યારે ગૃહમાં સર્વપ્રથમ આવનાર ઈડરના ધારાસભ્ય અને પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા હોય છે (૩) રાજકોટના બે ધારાસભ્યો ડો. દર્શીતા શાહ અને ઉદય કાનગડ બાજુબાજુમાં બેસે છે પણ જાણે બાપે માર્યા વેર હોય તેમ કોઈ દિવસ એક બીજા સાથે વાત નથી કરતા અને અન્યોઅન્ય સામું પણ નથી જોતાં, અને,અરે સ્મીતની આપ-લે પણ નથી કરતા

(૪) મંત્રીઓમાં સૌથી સુઘડ અને સુંદર વસ્ત્રો પહેરનાર ઋષિકેશ પટેલ છે. તેઓ હેર સ્ટાઇલ એવી ચુસ્ત ને સરસ રાખે છે કે જાણે દરેક વાળ ગુંદરથી એકબીજાને ચીપકાવી દીધાં હોય(૫)અધ્યક્ષનો સૌથી વધુ ઠપકો મંત્રી જિતુ વાઘાણી સાંભળે છે(૬)વિરોધ પક્ષના સૌથી સજ્જ અને અભ્યાસુ તથા સત્તાધારી પક્ષને હંફાવી શકતા ધારાસભ્યોમાં શૈલેષ પરમાર,ગોપાલ ઇટાલિયા અને જિજ્ઞેશ મેવાણીનો સમાવેશ થઈ શકે એવું એમનું પર્ફોર્મન્સ રહ્યું છે.

ભા. જ. પ. ના સ્થાપકો પૈકીના એક એવા સુરતના ફકીર ચૌહાણની પેટછૂટી વાતો

ભા. જ. પ. ના સ્થાપકો પૈકીના એક અને સુરતના પૂર્વ મેયર,સુરત ભા. જ. પ. ના પૂર્વ પ્રમુખ અને ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા અને તા.  ૧૯/૫/૧૯૩૮ના રોજ જન્મેલા ફકીર ચૌહાણે તાજેતરમાં એક મુલાકાતમાં કેમેરા સામે જણાવ્યું હતું કે “અત્યારે તો સરકારનો વિરોધ કરનારાને રાષ્ટ્રદ્રોહી ગણી લેવામાં આવે છે.

જ્યારે અમે કોંગ્રેસ સરકાર વખતે વિરોધ પ્રદર્શન કરતા તો પોલીસ ખાતાને જાણ કરીને ધરણા કરતા તો અમને એ કરવાની મંજૂરી પણ મળતી અને અમારી ધરપકડ પણ થતી તો અમને પોલીસ હેડ ક્વાર્ટર લઇ જઈને બેસાડી રાખતા અને સરસ ચા-નાસ્તો આપતા અને સાંજે છોડી મુકતા. એ આંદોલન એક પ્રકારનો જલસો બની જતું. ” ફકીરભાઈ આજે ૮૮ વર્ષના છે,

ભા. જ. પ. ના બુઝર્ગ,અર્પિત અને નિષ્ઠાવાન આગેવાન છે. તેઓ પોતે જ્યારે કેમેરા સામે આવું નિવેદન કરે ત્યારે સમાચાર એવા મળે કે કોંગ્રેસ સત્તા પર અને સરકારમાં હતી ત્યારે પોતાના વિરોધીઓ પ્રત્યે અપરિમિત સહિષ્ણુ હતી. જે ગુણ હાલના સત્તાધારી પક્ષમાં નથી એમ ખૂદ ફકીર ચૌહાણ કહે છે. આથી વધુ મોટુ પ્રમાણપત્ર કોંગ્રેસ પાર્ટીને ક્યુ જોઈએ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.