Western Times News

Gujarati News

રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના ૧૧ ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ

નવી દિલ્હી, બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભા ચૂંટણીમાં એનડીએને જીત મળી છે. બિહાર સહિત ૧૦ રાજ્યોમાં રાજ્યસભાની ૩૭ બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો ગઇકાલે મોડી રાત સુધી જાહેર થયા છે.

બિહાર, ઓડિશા અને હરિયાણામાં ૨૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જે બાદ બાકીની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની તમામ પાંચ બેઠકો એનડીએએ જીતી લીધી છે, જ્યારે ઓડિશામાં બીજેડી અને કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ-વોટિંગને કારણે ભાજપને બે બેઠકો મળી છે.

હરિયાણામાં ચૂંટણી પરિણામોમાં વિવાદોના કારણે મતગણતરી લગભગ ૫ કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા. દેશના ૧૦ રાજ્યોમાં સોમવારે રાજ્યસભાની ૩૭ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં ૨૬ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.

બાકીની ૧૧ બેઠકો માટે બિહાર, ઓડિશા અને હરિયાણામાં મતદાનની જરૂર પડી હતી. બિહારમાં ૫, ઓડિશામાં ૪ અને હરિયાણામાં ૨ બેઠકો હતી. હરિયાણામાં બેલેટ પેપરની ગોપનિયતા ભંગ અંગે ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે મતગણતરી ૫ કલાક સુધી અટકી રહી હતી અને મોડી રાત્રે પરિણામો આવ્યા હતા.

સૌથી વધુ ધ્યાન બિહારની રાજ્યસભા ચૂંટણીએ ખેંચ્યું હતું. અહીંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નવીન, ઉપેન્દ્ર કુશવાહા, રામનાથ ઠાકુર અને શિવેશ કુમાર એનડીએના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં હતા. એનડીએએ બિહારની તમામ પાંચ રાજ્યસભા બેઠકો પર જીત મેળવી છે.

એક બેઠક માટે એનડીએ અને મહાગઠબંધનના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. જોકે, મહાગઠબંધનના ૪ ધારાસભ્યો મતદાનથી દૂર રહ્યા હતા, જેનો ફાયદો એનડીએના ઉમેદવારને મળ્યો હતો. ઓડિશામાં બીજેડી અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ક્રોસ-વોટિંગના આધારે ભાજપે ખેલ પાડીને ૨ રાજ્યસભા બેઠકો જીતી લીધી.

ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. બેલેટ પેપરની ગોપનિયતાના ભંગ અને મતદાનને પ્રભાવિત કરવાના પ્રયાસોના આરોપોને કારણે મતદાન પ્રક્રિયામાં થોડીવાર માટે વિક્ષેપ પણ આવ્યો હતો. અનેક બીજેડી અને કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને પક્ષમાં બળવો કરી ભાજપને ફાયદો પહોંચાડ્યો. સૂત્રો અનુસાર બીજેડીના અંદાજે આઠ ધારાસભ્યોએ ભાજપ માટે ક્રોસ-વોટિંગ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.