ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭: વન અને પર્યાવરણ વિભાગ માટે ₹૩૫૫૯ કરોડની જોગવાઈ
ગાંધીનગર: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્ર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યની હરિયાળી વધારવા અને વન્યજીવોના સંરક્ષણ માટે કુલ ₹૩૫૫૯.૬૪ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં વન વિભાગ માટે ₹૩૫૨૦.૨૪ કરોડ અને પર્યાવરણ સુરક્ષા માટે ₹૧૬.૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્ય નવી યોજનાઓ અને ફાળવણી
સરકારે પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ માટે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ જાહેર કર્યા છે:
-
પ્રોજેક્ટ લાયન: ગીર અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહોના લાંબાગાળાના સંરક્ષણ માટે ₹૪૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગ્રીન વોલ ઓફ અરવલ્લી: અરવલ્લી પર્વતમાળા પર ગ્રીન બેલ્ટ બનાવવા ૨૦૦૦ હેક્ટરમાં વનીકરણ માટે ₹૩૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.
-
નદીકાંઠાનો વિકાસ: નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને લૂણી જેવી નદીઓના કિનારે સઘન વાવેતર કરવામાં આવશે.
-
શહેરી વનીકરણ (વન કવચ): અમદાવાદ અને ગાંધીનગરને વધુ હરિયાળું બનાવવા ૧૬૭ હેક્ટરમાં ‘વન કવચ’ વાવેતર માટે ₹૨૫ કરોડની ફાળવણી કરાઈ છે.
વન્યજીવ અને ઇકો-ટુરીઝમ
-
ડીસા ખાતે નવું પ્રાણી સંગ્રહાલય: ડીસામાં પ્રાણી સંગ્રહાલયની સ્થાપના અને કચ્છ-સૌરાષ્ટ્રમાં દરિયાઈ પર્યટન (ડોલ્ફિન અને વ્હેલ શાર્ક ટુરીઝમ) ના વિકાસ માટે ₹૫૦ કરોડ ફાળવાયા છે.
-
માળખાકીય સુવિધાઓ: ૫ નવીન વન ચેતના કેન્દ્રો, અંબાજી ખાતે લોગહટ અને સર્પ સંશોધન સંસ્થા (SRI) ના બાંધકામ માટે ₹૧૭૦.૮૨ કરોડ ખર્ચવામાં આવશે.
સામાજિક વનીકરણ અને રોજગારી
-
સામાજિક વનીકરણ: વન વિસ્તાર બહાર હરિયાળી વધારવા ₹૭૫૦ કરોડની સૌથી મોટી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ‘એક પેડ મા કે નામ’ અને ‘નમો વડ વન’ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
-
રોજગારી: વનીકરણ અને ઘાસ એકત્રીકરણની પ્રવૃત્તિઓ દ્વારા સ્થાનિક આદિજાતિ લોકો અને મહિલાઓને રોજગારી પૂરી પાડી સ્વાવલંબી બનાવવાનું મિશન છે.
ગુજરાતની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ
ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસર છે:
-
વન વિસ્તાર બહાર ગ્રીન કવર: સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે.
-
વેટલેન્ડ: ભૌગોલિક વિસ્તારના ૨૨% સાથે દેશમાં પ્રથમ ક્રમે.
-
મેન્ગ્રોવ કવર: પશ્ચિમ બંગાળ બાદ બીજા ક્રમે.
-
મિષ્ટિ કાર્યક્રમ: રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિમાં ૯૦% હિસ્સો માત્ર ગુજરાતનો છે.
છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગના બજેટમાં સતત વધારો જોવા મળ્યો છે, જે પર્યાવરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વર્ષ ૨૦૨૧ ની સરખામણીમાં ૨૦૨૩ માં વન વિસ્તારમાં ૧૬૪.૦૮ ચો.કિમીનો વધારો નોંધાયો છે.
