Western Times News

Gujarati News

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીની પારદર્શિતા સામે ઉઠતા સવાલો ?!

ગુજરાત બાર કાઉન્સિલના અભૂતપૂર્વ વ્યુહાત્મક ચૂંટણી જંગમાં અનેક હિતશત્રૂઓના વ્યુહાત્મક ચક્રવ્યુહને ભેદીને અનેક પડકારો વચ્ચે ચૂંટણી જંગ જીતીને સમરસ જુથનું નેતૃત્વ જાળવી રાખતા જે. જે. પટેલ ?!

શું આને ચૂંટણીની પારદર્શકતા કહેવાય ?! એકડાનું પરિણામ જાહેર થયા પછી બાર કાઉન્સિલના અનેક ઉમેદવારોએ આ સવાલ ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ સમક્ષ રજૂ કર્યાે છે !

પ્રથમ તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના મત ગણતરી સ્થળની છે ! ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ હોલની છે ! જયાં ગોકળ ગાયની ગતિએ પ્રથમ પ્રેફરન્સના મતો ગણવાની કાર્યવાહી પૂર્ણ થતાં કોને કેટલા એકડા મળ્યા તેની જાહેરાત થઈ ગઈ છે !

જેમાં શ્રી જે. જે. પટેલ અને શ્રી આફતાબહુસેન એ. અન્સારી જીતનો કવોટા પાર કરતા જીતેલા જાહેર થયા છે ! બાકીના ઉમેદવારો હવે ચાતક નજરે, લાચારી સાથે બહાર બેઠા, બેઠા ટોપલીઓ ઉંધી પાડવાની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી ?! બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખ, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી રશ્મિનભાઈ જાની, જોઈન્ટ ચૂંટણી કમિશ્નર શ્રી મીલનભાઈ પટેલની છે !

તેઓ પણ મત ગણતરી પૂર્ણ થયા પછી જે આંકડા આપે તે તેઓ વકીલ ઉમેદવારો સમક્ષ જાહેર કરે છે ! અને દર વખતે શાંતિ જાળવી રાખવા અપીલ કરે છે ! તેની આ બોલતી તસ્વીર છે ! પરંતુ મત ગણતરીમાં વકીલોએ ફકત આંકડા જાણવાના બીજું કશું નહીં ?! તા. ૧૪-૦૩-૨૦૨૬ ના રોજ ચૂંટણી કમિશ્નરશ્રીને સવાલ પુછયો હતો કે, છેલ્લા એક કલાક “પેટીઓ” કેમ નહોતા દેખાડતા ?!

તેનો જવાબ આપતા ચૂંટણી કમિશ્નર શ્રી હસમુખભાઈ પરીખે કહ્યું હતું કે, “ડીસ્ટ્રીબ્યુટ થયેલા વોટ હતાં જે પેક થતાં હતાં અને અંદર મુકાતા હતાં”!! આનો અર્થ એ છે કે, દરેક ઉમેદવારોના મનમાં આ વખતે કોઈને કોઈ શંકા રહે છે ?! કેટલાકે તો ત્યાં સુધી કથિત શંકા કરી છે કે, આ તો સમરસ પેનલ ને જીતાડવા માટેનો વ્યુહ ચાલે છે ?! એકાદા અન્સારીને જીતાડી દે તો બચાવ થઈ શકે ને ?!

ખરેખર આવું કોઈના હાથમાં ન હોઈ શકે ?! પણ શંકા કરનારાને કઈ રીતે રોકી શકાય ?! નીચેની બીજી તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ અને તેમના ટેકેદારોની છે ! તેમની જીતની ખુશીમાં વકીલો ખુશી મનાવી રહ્યા છે ! અનેક પ્રકારના હિતશત્રૂઓના પડકારને ઝીલીને ચૂંટાઈ આવેલા શ્રી જે. જે. પટેલને ૧૯૪૯ મતે વિજયની વરમાળા પહેરી છે !

ફોજદારી કોર્ટ બારના પૂર્વ પ્રમુખ શ્રી બી. એમ. ગુપ્તા, ફોજદારી બારના પૂર્વ સેક્રેટરી શ્રી હર્ષદભાઈ જાની, હાઈકોર્ટ બારના પ્રમુખ શ્રી યતિનભાઈ ઓઝા, ફોજદારી કોર્ટ જુનીયર્સ એડવોકેટ બારના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ રૂપેરા, જાણીતા નોટરી અને એડવોકેટ શ્રી ઓમપ્રકાશભાઈ શાંખલા, અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદચંદ્ર દિક્ષીત તથા

ગુજરાત હાઈકોર્ટના મહિલા એડવોકેટ સુશ્રી ઉન્નતિ રાજપુત, સ્મોલકોઝ કોર્ટ બારના સેક્રેટરી શ્રીમતી વૈશાલીબેન ભટ્ટે હાર્દિક શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા છે ! બીજી તરફ ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ સભ્યો શ્રી પરેશભાઈ વાઘેલા, શ્રી પ્રવિણભાઈ પટેલ, શ્રી કરણસિંહ વાઘેલા, શ્રી મુકેશભાઈ કામદાર, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી મનોજભાઈ અનડકટ, શ્રી ભરતભાઈ ભગત, શ્રી અનિલભાઈ કેલ્લા,

શ્રી કિરીટભાઈ બારોટની જીતની સંભાવના છે ! તેમણે ૧૯૨૯ નો કવોટા પાર કરવાનો રહેશે ! પરંતુ આ વખતે આ તમામ ઉમેદવારોના મતો ગઈ ચૂંટણી કરતા ઓછા હોવાનું ચર્ચાય છે ! જોઈએ બીજા નવોદિત ઉમેદવારો સ્પર્ધામાં છે તેથી ૧૮ સીટોમાં ચૂંટાવાનું છે ! કારણ કે પાંચ સીટો મહિલા ઉમેદવારો માટે અનામત છે ??!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે, “રાજકારણમાં કશું અચાનક બનતું નથી, જો કશું બન્યું હોય તો ખાતરી રાખજો કે આવું થવા માટે બહું પહેલેથી આયોજન થયું હોય છે”!! જયારે મહાન રાજકીય તત્વજ્ઞાની ચાણકયે અદ્દભૂત કહ્યું છે કે, “સૌથી મોટો ગુરૂમંત્ર છે તમારા રહસ્યો કોઈને ના કહો જો તમે જ તમારા રહસ્યો ગોપનીય રાખી ન શકતા હો તો બીજા પાસે તેની અપેક્ષા કેવી રીતે રાખી શકો”!!

ગુજરાત બાર કાઉન્સિલના અભૂતપૂર્વ રહસ્યમય ચૂંટણી જંગ પતી નથી ગયો પણ ખરી શરૂઆત તો હવે થઈ છે ?! કારણ કે ચૂંટણીની મત ગણતરી પર અનેક ઉમેદવારોને અને તેમના ટેકેદારોને શંકા છે અને મત ગણતરીની પારદર્શકતા સામે અનેકના મનમાં અભૂતપૂર્વ શંકા છે ?! બીજી તરફ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં કોઈ ઉચ્ચત્તમ ધોરણો જળવાયા નથી ફકત જ્ઞાતિવાદ, કોમવાદ અને જાતિ વાદ પર ચૂંટણી લડાઈ છે ! આ મુદ્દો વકીલોમાં ટોક ઓફ ધી બાર બન્યો છે !

અનેક ઉમેદવારો ચૂંટણીલક્ષી અવ્યવસ્થાને કારણે મતદાન કર્યા વગર પરત ગયા ?! ત્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અનેક વિવાદોથી ઘેરાયેલી છે ! પણ વકીલો જાગૃત નહીં બને ત્યાં સુધી ઘણું રહસ્ય ઘુંટાતું રહેશે ?! વૃધ્ધ વકીલો આઠ કિલોમીટર દુર મતદાન કરવા ગયા નહીં અને કેટલાક પાછા ફર્યા એ શું છે ?!
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો અભૂતપૂર્વ ચૂંટણી જંગ ‘અટલ કલામ હોલ’ થી અભૂતપૂર્વ વિવાદાસ્પદ અને શંકાસ્પદ રહ્યો ?!

રશિયન – અમેરિકન વૈજ્ઞાનિક અને લેખક આઇઝેક આસિમોવ કહે છે કે, “જાણી લેવા કરતા શોધી કાઢવામાં વધુ આનંદ આવે છે”!! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટે “અટલ કલામ હોલ” શોધાયો ત્યારથી જ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનો જંગ અભૂતપૂર્વ ચર્ચાસ્પદ રહ્યો છે ! મતદાન સ્થળ દુર પસંદ કરાયું તો ત્યાં ગરમીમાં વકીલોને ઉભા રહેવા માંડવો નહીં ! પાણી નહીં ! મતદાનમાં ધકકા મુકકી ?! અનેક મતદારો મતદાન કર્યા વગર પાછા ગયા ?

ચૂંટણી પતી ગયા પછી બેલેટ બોકસ લઈને ટ્રક બીનવારસી પડી રહેતા ફોટો વાયરલ થયો ?! વકીલો ભડકયા ?! પોલીસ બોલાવવી પડી ?! ચૂંટણી કમિશ્નરોએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી ?! અને કેટલાક વકીલોને કારણદર્શક નોટિસ મળી ?! અગાઉ આવું કયારેય થયું નહોતું ?! એવી રજૂઆતો વકીલો કરી રહ્યાં છે ?!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ભા.જ.પ. પ્રદેશ લીગલ સેલના પ્રદેશ કન્વીનર અને બાર કાઉન્સિલના ચેરમેન તરીકે શ્રી જે. જે. પટેલે ઝંપલાવતા અનેક રહસ્યમય પડકારોનો સામનો કરીને શ્રી જે. જે. પટેલ ચૂંટણી જંગમાં મેદાન મારી ગયા ! પણ વર્તમાન ચૂંટણી તેમને ઘણું શિખવાડી ગઈ ?!

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “ઈતિહાસમાં આજ સુધી એવો માનવી પાકયો નથી જેણે આસાનીથી જીવન પસાર કરી નાંખ્યું હોય ! જગતના પટ પર અમર થઈ ગયા હોય”!! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી જંગમાં ભા.જ.પ. પ્રદેશ લીગલ સેલના પ્રદેશ કન્વીનર અને બાર કાઉન્સિલના સભ્ય શ્રી જે. જે. પટેલે ઝંપલાવતા ચૂંટણી હાઈપ્રોફાઈલ બની ગઈ હતી !

અને શ્રી જે. જે. પટેલની બનાવેલી વોટ બેંક તોડવા તેમના જ હિતશત્રૂ કામે લાગી ગયા હતાં ?! પોતાની મત બેંક સાચવી શ્રી જે. જે. પટેલની મત બેંક તોડીને પોતાની લીટી મોટી કરવા અનેક ઉમેદવારો કામે લાગી ગયા હતાં ! છતાં શ્રી જે. જે. પટેલે ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રથમ વાર ચૂંટણી લડીને ઐતિહાસિક સફળતા મેળવી છે !! પડદા પાછળ રાજકીય હિતશત્રૂઓની ભૂમિકા પણ રસપ્રદ હોવાનું મનાય છે ! તેવા સંજોગોમાં વકીલ મતદારોએ શ્રી જે. જે. પટેલની સેવાને બિરદાવી મતદાન કર્યુ એ જ મોટી વાત છે !!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકે શ્રી જે. જે. પટેલને લીધે એક વાતાવારણ બન્યું હતું કે, શ્રી જે. જે. પટેલની જીત નિશ્ચિત છે ! સાથે દરેકના કામો કર્યા છે ! અને વકીલો માટે ગુજરાત સરકારમાંથી બાર કાઉન્સિલ માટે રૂ. ૩૫ કરોડ ૫૦ લાખની માતબર રકમ મેળવી આ ફકત શ્રી જે. જે. પટેલે કર્યું હતું ! અને કરી શકે ?!

છતાં તેમને માટે ગુજરાત બાર કાઉન્સિલના હિતશત્રૂઓએ, કેટલાક રાજકીય હિતશત્રૂઓએ અને કેટલાક કથિત સાથીઓની ઉદાસીનતા, કયાંક પોતે ચૂંટણીલક્ષી બાજી ગોઠવવામાં કરેલી ભુલ ?! વધુ પડતા આત્મવિશ્વાસે તેમને માટે ચૂંટણીમાં અધિક પડકારો રચેલા છતાં ચૂંટણીમાં એક વર્ગ એવો હતો જે શરૂથી છેક સુધી તેમની સાથે રહ્યો અને મતો અપાવ્યા અને શ્રી જે. જે. પટેલ આખું ગુજરાત ખુંદી નાંખ્યું ત્યારે આ ઐતિહાસિક અને વ્યુહાત્મક જીત મેળવી છે જે અત્રે નોંધનીય છે !!

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં શ્રી આફતાબહુસેન અન્સારીને ૨૩૯૮ મત મેળવી હરણફાળ પ્રગતિ કરતા સમગ્ર વકીલ આલમમાં ટોક ઓફ ધી બાર બન્યા ?!
અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટે કહ્યું છે કે, “જયાં સુધી તમે જીતવા માટે લડતા નથી ત્યાં સુધી તમે મજબુત ટકકર આપી શકતા નથી”!! ગુજરાત બાર કાઉન્સિલમાં પ્રથમ વાર ચૂંટણી લડી રહેલા શ્રી આફતાબહુસેન એ. અન્સારી ૨૩૯૮ મતો મેળવીને નોંધનીય જીત મેળવતા સમગ્ર વકીલ આલમમાં ટોક ઓફ ધી બાર બન્યા છે !

તેઓના આ રહસ્યમય નોંધનીય જીતનું કારણ શું ?! તો એક તો તેઓ મુસ્લીમ સમાજના સોલીસીટર છે ! તેમની વકીલાત સારી ચાલે છે ! તેમની ઓફિસમાં કેટલાક જુનીયર્સ વકીલો હિન્દુ છે ! આ હિન્દુ જુનીયર્સ વકીલોને પ્રચારમાં કામે લગાડયા હતાં ! ચૂંટણીમાં ડીનર ડીપ્લોમસી છુટથી કરી હોવાનું કહેવાય છે ! તેઓ દરેક વકીલને પ્રચાર દરમ્યાન કહેતા હતાં કે હું જીતેલો જ છુ ! તેઓ મુસ્લીમ વાદ ચલાવવામાં કામિયાબ થયા હોવાનું મનાય છે !!

તેઓનો મસ્જીદમાં પણ પ્રચાર જોરશોરથી ચાલતો હતો અને આ રીતે શ્રી આફતાબહુસેન એ. અન્સારી ગુજરાત બાર કાઉન્સિલના વ્યુહાત્મક ચૂંટણી જંગમાં અદ્દભૂત જીત હાંસલ કરવામાં કામિયાબ થયા છે ?! પરંતુ સાથે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી સમયે ચૂંટણી કમિશ્નરશ્રીની ગાડી રોકી ઘેરાવો કરી સૂત્રોચાર કરવાની ભૂમિકાનું નેતૃત્વ તેમણે કરતા વકીલાતની વ્યવસાયિક ગરિમા તોડવાનો અને કાયદો હાથમાં લેવાના કથિત આક્ષેપનો સામનો કરી રહ્યા છે !

વિડિયો રેકોર્ડીંગમાં આવું સાબિત થાય તો તેમનું ગુજરાત બાર કાઉન્સિલનું પદ જ નહીં પણ વકીલાતની સનદ રદ થઈ શકે છે ?! એવી ચર્ચાએ પણ વકીલ આલમમાં જોર પકડયું છે ! હવે જોવાનું એ રહે છે કે, આખરી ફેંસલો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં શું થાય છે ?! કે પછી નોટિસોનો જવાબ લઈ મુદ્દો સમાપ્ત કરવામાં આવશે ?!

રશિયાના સામ્યવાદના સ્થાપક વાÂલ્દ મીર લીચ લેનીન કહે છે કે, “બંદુકથી સજજ એક વ્યક્તિ બુંદક વગરની ૧૦૦ વ્યક્તિઓને અંકુશમાં રાખી શકે”!! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી જંગમાં મતગણતરીનું સ્થળ ગુજરાત હાઈકોર્ટનું ઓડિટોરીયમ રખાયું છે ! ત્યાં અનેક ઉમેદવારો અને તેમના ટેકેદારો મતગણતરીના સ્થળે આવીને બેસીને પરિણામની ચાતક નજરે રાહ જોતાં હતાં !

અને એટલું જ નહીં કહેનારા તો ત્યાં સુધી કહેતા સંભળાતા હતાં ! કે ચૂંટણીની મત ગણતરીમાં પારદર્શકતા જોવાતી નથી ! એકડા ગણાતા હતાં ! એ કોની ટોપલીમાં નાંખતા હતાં ! તે કોઈ ઉમેદવાર જોઈ શકતા નહોંતા ! ખાલી પેટીમાં મત નંખાયા ! એકડા એકઠા થયા એટલું જ જણાતું હતું ! શું આને ચૂંટણીની પારદર્શકતા કહેવાય ?! એકડાનું પરિણામ જાહેર થયા પછી બાર કાઉન્સિલના અનેક ઉમેદવારોએ આ સવાલ ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ સમક્ષ રજૂ કર્યાે છે !

એક મહિલા ઉમેદવારે તો ત્યાં સુધી કહ્યું છે કે, ‘પોતાના કાયમી મહીલા ટેકેદારની સંખ્યા ૨૦૦ ની છે અને મારા માટે ઉત્સાહભેર મતદાન કર્યુ છે’! ત્યારે એટલા મતો પણ ના જોવાય તે આશ્ચર્ય તો થાય જ ! જયારે એક સિનીયર બાર કાઉન્સિલના સભ્ય કહે છે કે, ચૂંટણી મત ગણતરીમાં એકડો કોને અપાયો છે ?! અથવા મત ગણતરી કરતો સ્ટાફ કઈ ખોટું તો નથી કરી રહ્યો ને ?! એ જોવાનો દરેક ઉમેદવારને હકક છે પણ આવું થયું નથી !

જે બંધારણીય રીતે યોગ્ય પણ નથી ! લોકસભાની અને વિધાનસભાની કે રાષ્ટ્રપતિની ચૂંટણીની મત ગણતરીમાં પણ પારદર્શકતા હોય છે ! અહીંયા કેમ નહીં ?! એ વકીલોએ હવે વિચારવાનું છે ?! આવા અનેક તર્ક-વિતર્ક વકીલોના મનમાં છે તેનું શું ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.