Western Times News

Gujarati News

પાંચકુવા ખાતે ભીષણ આગ: 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં, ફાયર વિભાગે ઝડપી કાબૂ મેળવ્યો

અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનની સામે સ્થિત કપડાની એક દુકાનમાં આજે બપોરે આશરે 13:14 કલાકે આગ લાગવાની ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ શરૂઆતમાં એક દુકાનમાં લાગેલી આગ ઝડપી ગતિએ ફેલાતી જતા આસપાસની અંદાજિત 20 થી 22 દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે કુલ 32 જેટલા ફાયર વાહનોને તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં 20KL ક્ષમતાવાળા 14 વોટર બાઉઝર, 2 મિનિ ફાઇટર, 5 વોટર ટેન્ડર, 8 ફર્સ્ટ રિસ્પોન્ડર (બોલેરો), 2 ફર્સ્ટ રિસ્પોન્ડર (સ્કોર્પિયો) અને 1 ફર્સ્ટ રિસ્પોન્ડર (યોધ્ધા)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, કુલ 121 જેટલા ફાયર સ્ટાફે ઘટનાસ્થળે કામગીરી સંભાળી હતી. જેમાં 82 ફાયરમેન, 9 જમાદાર, 29 ડ્રાઈવર, 2 સબ ઓફિસર, 2 સ્ટેશન ઓફિસર, 3 ડિવિઝનલ ઓફિસર, 2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 2 એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને 1 ચીફ ફાયર ઓફિસર તેમજ ફાયર વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે.

ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને સદનસીબે આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઇજા પહોંચી નથી કે કોઈ મૃત્યુ નોંધાયું નથી. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કૂલિંગ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અધિકારીઓ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્તારમાં સુરક્ષા માટે વધારાની તકેદારી પણ રાખવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.