Western Times News

Gujarati News

ગિફ્ટ સિટી, જે હવે સિંગાપોર જેવા વૈશ્વિક કેન્દ્રો સાથે સ્પર્ધા કરી રહ્યું છે: હર્ષ સંઘવી

 ગુજરાત સરકાર વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટીમોડેલ હેઠળ કર્મચારીઓ માટે રહેણાંક સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપશે

ગિફ્ટ સિટી માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર છે- આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં ૨૦થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ થશે

હવે ગિફ્ટ-IFSC દ્વારા ઘર આંગણે જ રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવી છે, જેથી આ પ્રોફેશનલ્સ ભારતમાં રહીને જ વૈશ્વિક કક્ષાની કારકિર્દી બનાવી શકે.

ગાંધીનગર, ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી “IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ-૨૦૨૬”ના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સત્ર દરમિયાન વડાપ્રધાનશ્રીના અગ્ર સચિવ શ્રી પી. કે. મિશ્રા તેમજ ગિફ્ટ સિટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી ઉદય કોટક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સ અને દેશભરમાંથી પધારેલા પ્રતિભાશાળી યુવાનોને સંબોધતા ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યના વિઝનની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીના ઈતિહાસને યાદ કરતા જણાવ્યું હતું કે, લગભગ બે દાયકા પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ઉજ્જડ જમીન પર ઉભા રહીને આ વૈશ્વિક ફિનટેક સિટીનું સપનું જોયું હતું. તે સમયે અનેક બુદ્ધિજીવીઓએ તેને ‘ડે ડ્રીમ’ કહીને નકારી કાઢ્યું હતું, પરંતુ આજે ગિફ્ટ સિટીનું સ્વપ્ન સાકાર થઈને વિશ્વના નકશા પર ઉભરી આવ્યું છે.

તેમણે હતું કે, ગિફ્ટ સિટી એ માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ દેશના લાખો યુવાનોની સ્પિરિટ અને મૂલ્યોને જાળવી રાખીને તેમના સપનાઓને સાકાર કરવાનું કેન્દ્ર છે.

શ્રી હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી હવે સિંગાપોર, દુબઈ, લંડન અને ન્યૂયોર્ક જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સાથે સીધી સ્પર્ધા કરી રહ્યું છે. આ સફળતાના પાયામાં IFSCA નું યુનિફાઈડ રેગ્યુલેટરી આર્કિટેક્ચર, આકર્ષક ટેક્સ માળખું અને ભારતની ડિજિટલ નાણાકીય તાકાત રહેલી છે.

તેમણે કહ્યું હતું કે, ગિફ્ટ સિટીને ન્યુ-એજ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર બનાવવા માટે હવે ‘વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ’ ઊભું કરવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જેના માટે ગાંધીનગર અને અમદાવાદની IIM-અમદાવાદ, માઈકા, નિરમા અને નેશનલ લો યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ નવી વિઝનરી યુથ ફોર્સ તૈયાર થઈ રહી છે.

સાથે જ, ગિફ્ટ સિટીમાં જ સ્થાપિત અન્ય દેશોની યુનિવર્સિટીઓ પણ આ કામમાં જોડાઈ છે. સરકાર સ્ટ્રક્ચર્ડ ઈન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ ફ્રેમવર્ક દ્વારા આ યુવાનોને મહત્તમ તકો આપવા કટિબદ્ધ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ દેશ અને રાજ્યના યુવાનોને આશ્વાસન આપ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં કામ કરવાથી તેમના માતા-પિતાનું વિદેશમાં નોકરી કરવાનું સપનું પણ અહીં જ સાકાર થશે, કારણ કે અહીં ગ્લોબલ એક્સપોઝર અને વૈશ્વિક કક્ષાનું વળતર બંને ઉપલબ્ધ છે.

ગિફ્ટ સિટીમાં કામ કરતા યુવાનોની ‘ઈવનિંગ લાઈફ’ અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે, આગામી એક વર્ષમાં ગિફ્ટ સિટીમાં ૨૦થી વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની રેસ્ટોરન્ટ્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્ય સરકાર ‘વર્કિંગ એન્ડ લિવિંગ ઇન ગિફ્ટ સિટી’ મોડેલ પર ગંભીરતાથી કામ કરી રહી છે, જેથી કર્મચારીઓને ત્યાં જ રહેવાની શ્રેષ્ઠ સુવિધા મળી રહે.

તેમણે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં પ્રોત્સાહનોમાં થોડો તફાવત હોઈ શકે, પરંતુ ગુજરાત જેવી રાજકીય અને નીતિગત સ્થિરતા બીજે ક્યાંય નથી. ગુજરાત સરકાર રોકાણકારોના પ્રશ્નો સાંભળવા અને તેમાં તાત્કાલિક સુધારો કરવા હંમેશા તૈયાર છે. તેમણે વિપ્રો જેવી મોટી કંપનીઓનું ગિફ્ટ સિટીમાં સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એ તકોની ભૂમિ છે અને અહીં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના અગ્ર સચિવ શ્રી પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી હવે માત્ર એક કલ્પના કે વિચાર નથી રહ્યો, પરંતુ વૈશ્વિક નાણાકીય માળખું બન્યું છે. દાયકાઓથી જે નાણાકીય પ્રવૃત્તિઓ વિદેશમાં થતી હતી, તે હવે ભારતની ધરતી પર પરત આવી રહી છે. પરિણામે ભારતની કેપિટલ માર્કેટ મજબૂત બની છે અને ભારતમાં હાઇ-વેલ્યુ રોજગારીનું સર્જન થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝન મુજબ, ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા માટે ગિફ્ટ સિટી એક મહત્વપૂર્ણ સેતુ બનશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ડિજિટલ ઇકોનોમી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માનવ સંસાધન સૌથી મહત્વની સંપત્તિ છે. અત્યાર સુધી ભારતના તેજસ્વી યુવાનો આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા વિદેશ સ્થળાંતર કરતા હતા, પરંતુ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં હવે ગિફ્ટ-IFSC દ્વારા ઘર આંગણે જ રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવી છે, જેથી આ પ્રોફેશનલ્સ ભારતમાં રહીને જ વૈશ્વિક કક્ષાની કારકિર્દી બનાવી શકે.

આ વેળાએ ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી ઉદય કોટકે ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરનું ફાઇનાન્સિયલ હબ બનાવવા માટે એક મહત્વપૂર્ણ રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને યાદ કરતા જણાવ્યું હતું કે, ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના લક્ષ્યને હાંસલ કરવામાં ગિફ્ટ સિટી નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે ભૌગોલિક-રાજકીય સ્થિરતા, વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ, ઇઝ ઑફ લિવિંગ અને IFSCA ના સ્વતંત્ર નિયમનકારી માળખાને ગિફ્ટ સિટીની સફળતાના મુખ્ય સ્તંભો ગણાવ્યા હતા.

આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બદલાતા કૌશલ્યોના યુગમાં ટેલેન્ટના મહત્વ પર ભાર મૂકતા તેમણે ગિફ્ટ સિટીને પરિવર્તન અને ઇનોવેશન માટેની પ્રયોગશાળા ગણાવી હતી. ભારત સરકાર, ગુજરાત સરકાર અને રેગ્યુલેટર વચ્ચેના ‘વન ટીમ, વન ડ્રીમ’ના સમન્વય સાથે ગિફ્ટ સિટીને વિશ્વના શ્રેષ્ઠ નાણાકીય કેન્દ્રોની હરોળમાં લાવવાની મક્કમ પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય કૌલ, ગિફ્ટ IFSCAના ચેરપર્સન શ્રી કે. રાજારામન તથા વિપ્રોના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી રિશદ પ્રેમજીએ પણ પ્રાસંગિક ઉદબોધન કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ ઉપરાંત કાર્યક્રમના પ્રારંભે IFSCAના એક્ઝેક્યુટિવ ડિરેક્ટર શ્રી દીપેશ શાહે સૌનું શાબ્દિક સ્વાગત કરીને ગિફ્ટ સિટી તથા IFSCA ની વિસ્તૃત ભૂમિકા આપી હતી. જ્યારે, ANSR ના ફાઉન્ડર અને સીઈઓ શ્રી લલિત આહુજાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.