Western Times News

Gujarati News

“મુશ્કેલ લગ્ન કરતાં હું ખુશીથી સિંગલ રહેવું પસંદ કરીશ” : દિવ્યા દત્તા

ક્યારેય નહીં’ એવું કહેવું યોગ્ય નથી ઃએક્ટ્રેસ દિવ્યા દત્તા

દિવ્યા દત્તાએ આગામી સિરીઝ ચિરૈયા સંદર્ભે મુશ્કેલ લગ્ન જીવન અને ઘરેલુ હિંસા વિશે વાત કરી

મુંબઈ,એક્ટ્રેસ દિવ્યા દત્તાએ સ્ક્રીન પર ઘણી વાર આદર્શ પત્ની અને વહુની ભુમિકાઓ ભજવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં, ૪૮ વર્ષની આ અભિનેત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તેણે પ્રેમનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે, પરંતુ તેની લગ્ન માટે કોઈ ઇચ્છા નથી.“લગ્ન યોગ્ય કારણો માટે થવાં જોઈએ. ખરેખર કહું તો, લગ્ન એક એવી સંસ્થા છે જેમાં બે લોકો સાથે મળીને આગળ વધે. જો મને કોઈ એવું યોગ્ય લાગતું નથી, તો હું લગ્ન નહીં કરું.”

દિવ્યાની આવનારી સોશિયલ ડ્રામા સિરીઝ ‘ચિરૈયા’ દેશમાં વૈવાહિક બળાત્કાર જેવા ગંભીર મુદ્દા પર જાગૃતિ લાવવા પ્રયત્ન કરે છે.દિવ્યાએ આગળ જણાવ્યું, “ત્રાસદાયક અથવા મુશ્કેલ લગ્નમાં રહેવા કરતાં હું ખુશીથી સિંગલ રહેવું પસંદ કરીશ અને તેમાં ખોટું શું છે? મને લાગે છે કે હું હવે એવા તબક્કે છું જ્યાં મને સાથ જોઈએ છે, લગ્ન નહીં. આ મારી પસંદગી છે.”તેણે આગળ ઉમેર્યું કે જીવનમાં ‘ક્યારેય નહીં’ એવું કહેવું યોગ્ય નથી. “જીવનમાં મેં હંમેશા વિચાર્યું છે કે ‘ક્યારેય નહીં’ ન કહેવું. એટલે હું કોઈ બાબતમાં ના નથી કહી રહી.

પરંતુ હાલની સ્થિતિ એવી જ છે અને હું તેમાં ખુશ છું.”જ્યારે ભારતના સૌથી જાણીતા સિંગલ પુરુષોમાંના એક સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે દિવ્યાએ હળવી મજાકમાં કહ્યું, “મને લાગે છે એક સલમાન છે અને એક હું છું, એટલે એવું બની ગયું છે. ઘણા લોકો વિચારે છે કે ‘આનાં તો લગ્ન કરાવી દેવાં જોઈએ, ખબર નથી કેમ! મેં આ પ્રશ્નનો અનેક વખત જવાબ આપ્યો છે. હવે તો હું કહું છું, ‘ઠીક છે ભાઈ, મારાં લગ્ન કરાવી દો’.”તેની વેબ સીરિઝમાં દર્શાવવામાં આવેલા વૈવાહિક બળાત્કારના મુદ્દા વિશે વાત કરતાં દિવ્યાએ જણાવ્યું, “આ વાત તમારા પાર્ટનરને સન્માન આપવાની રીત વિશે છે.

લગ્ન કોઈ લાઇસન્સ નથી. તમારે તમારા સાથીનું સન્માન કરવું જ જોઈએ અને સાથે મળીને આગળ વધવું જોઈએ. કોઈ પર કંઈ લાદવું યોગ્ય નથી, જ્યારે તમે મિત્ર તરીકે સાથે વધો છો, ત્યારે તે સૌથી સુંદર બાબત બની જાય છે. દરેક સંબંધમાં મૂળભુત સન્માન હોવું ખૂબ જ જરૂરી છે. સંમતિ ખૂબ મહત્વપૂર્ણ છે.”સંજય મિશ્રા, ફૈસલ રશીદ, સિદ્ધાર્થ શા, પ્રસન્ના બિષ્ત અને સરિતા જોશી અભિનીત ‘ચિરૈયા’ ૨૦ માર્ચથી હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.