Western Times News

Gujarati News

કોરોના વાયરસ: રશિયાએ ચીનના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

બીજીંગ, ચીનથી ફેલાયેલો જીવલેણ કોરોના વાઈરસનો કેર અટકવાનું નામ નથી લેતો. આજે સવારે ચીનની સરકાર તરફથી જારી કરવામાં આવેલી સત્તાવાર જાણકારી અનુસાર અત્યાર સુધીમાં આ ઘાતક વાઈરસના કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૨,૦૦૦ને પાર થઈ ગઈ છે. આ ઉપરાંત કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનના હુબેઇ પ્રાંતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઈરસના કારણે ૧૩૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ મૃત્યુઆંક ૨,૦૦૦ને વટાવી ગયો છે. સરકારના આંકડા અનુસાર ચીનમાં આજે સવાર સુધીમાં કોરોના વાઈરસથી થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૨,૦૦૪ થઈ છે. કોરોના વાઈરસના કુલ ૭૪,૧૮૫ કેસની પુષ્ટિ થઈ છે. નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)એ જણાવ્યું હતું કે આજે મૃત્યુઆંક વધીને ૨,૦૦૪ થઈ ગયો છે. બીજી તરફ કોરોનાના ચેપના ૧,૭૪૯ નવા કેસ સામે આવ્યા છે.

કમિશને વધુમાં જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા ૧૩૬ લોકોમાંથી ૧૩૨ હુબેઇમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે હેઈલોંગજિયાંગ, શાનદોંગ, ગુઆંગદોંગ અને ગુઇઝોઉમાં એક-એક વ્યક્તિનાં મોત થયાં છે. કોરોના વાઈરસના કુલ ૧,૧૮૫ નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ગઈ કાલે ૨૩૬ દર્દીઓની હાલત અતિગંભીર હતી, જ્યારે ૧,૮૨૪ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

બીજી તરફ રશિયાએ કોરોના વાઈરસના ચેપને રોકવા માટે આવતી કાલ ૨૦ ફેબ્રુઆરીથી ચીનના તમામ નાગરિકોને પોતાના ક્ષેત્રમાં પ્રવેશતા અટકાવવાનો મોટો નિર્ણય લીધો છે. રશિયાના નાયબ વડા પ્રધાન અને આરોગ્ય બાબતોના પ્રભારી તાતિયાના ગોલિકોવાએ કહ્યું હતું કે, ‘રશિયાની સરહદો પર ચીનના નાગરિકોનો પ્રવેશ ૨૦ ફેબ્રુઆરીથી સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવશે.’

તેમણે કહ્યું હતું કે આ પ્રતિબંધ કામ માટેની યાત્રા, વ્યક્તિગત પ્રવાસ, અભ્યાસ અને પર્યટન માટે આવનારા મુસાફરોને લાગુ પડશે. દરમિયાન ચીનના કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત એવા વુહાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આવતી કાલ ૨૦ ફેબ્રુઆરીએ એરફોર્સનું સ્પેશિયલ સી-૧૭ ગ્લોબમાસ્ટર પ્લેન વુહાન જશે. સેનાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિશેષ વિમાનમાં કોરોના વાઈરસથી પ્રભાવિત નાગરિકો માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો હશે.

બીજી તરફ જાપાનના યોકોહામા પોર્ટ પર અટકાવવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ પર વધુ બે ભારતીયમાં કોરોના વાઈરસનો ચેપ જોવા મળ્યો છે. જાપાન સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે આ અગાઉ ચાર ભારતીયમાં કોરોના વાઈરસનો ચેપ જોવા મળ્યો હતો. આ લોકોની તબિયતમાં હવે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. ક્રૂઝ જહાજ પર કુલ ૪૫૧ લોકો કોરોનાથી સંક્રમિત છે. ભારતીય ક્રૂ મેમ્બર સહિત તમામને સારવાર માટે ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાપાનના કિનારે રોકવામાં આવેલી ક્રૂઝ પરના તમામ ભારતીયની સારવાર અને તેમને સારી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જાપાન સરકાર સાથે સતત વાતચીત કરવામાં આવી રહી છે. ટોકિયોમાં ભારતીય દૂતાવાસ સતત શિપ પર હાજર ભારતીય નાગરિકોના સંપર્કમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.