Western Times News

Gujarati News

ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે શક્તિપીઠ પાવાગઢ ખાતે દોઢ લાખથી વધુ ભક્તોની ભીડ ઉમટી

Oplus_131072

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે આજે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રવિવારની જાહેર રજા અને નવરાત્રીના પવિત્ર અવસરને કારણે લાખો શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શન માટે ઉમટી પડ્‌યા હતા. વહેલી સવારે ૫ વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ ‘જય માતાજી’ના ગુંજનથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્‌યું હતું.

ભક્તો વહેલી સવારથી જ લાંબી લાઈનમાં ઊભા રહી શાંતિપૂર્ણ રીતે દર્શન કરતા જોવા મળ્યા હતા. મહિલાઓ, વડીલો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા ભક્તો પરિવારો સાથે આવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા હતા. પાવાગઢ ડુંગર પર ચડતા માર્ગોમાં પણ ભક્તોની સતત અવરજવર જોતાં યાત્રાધામ જીવંત બની ગયું હતું.

યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે બેરિકેડિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, આરામગૃહ તથા માર્ગદર્શન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા, જેના કારણે ભક્તોને સરળતા સાથે દર્શન કરવાનો લાભ મળ્યો હતો. ખાસ કરીને વડીલો અને મહિલાઓ માટે વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી.

સુરક્ષા વ્યવસ્થા માટે પંચમહાલ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર પરિસર, રોપવે વિસ્તાર અને ડુંગર ચડવાના માર્ગો પર પોલીસ તહેનાત રાખવામાં આવી હતી. સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

આ રીતે ચૈત્રી નવરાત્રીના પાવન પ્રસંગે પાવાગઢ યાત્રાધામ ભક્તિભાવથી ઓતપ્રોત બની ગયું હતું. ભક્તોએ માતાજીના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.