Western Times News

Gujarati News

શું ગુજરાતમાં મહિલા ધારાસભ્યોની સ્થિતિ પણ મહિલા સરપંચ જેવી જ છે?

ગુજરાત વિધાનસભાની લોબીમાં ભેગા થતા કાર્યકરોમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો ચિત્ર એવું ઉપસે છે કે ગુજરાત વિધાનસભામાં બેસતા મહિલા ધારાસભ્યો અને ગામડામાં સરપંચ બનતી મહિલા સરપંચની સ્થિતિ એક સરખી છે.

ગામડામાં મહિલા સરપંચનો વહીવટ જેમ તેનો પતિ ચલાવતો હોય છે એમ ગુજરાતના મોટાભાગના મહિલા ધારાસભ્યોનો વહીવટ તેમના પતિદેવ જ ચલાવતા હોય છે.

અરે,એક મહિલા ધારાસભ્ય તો એવાં છે કે ધારાસભા ચાલતી હોય ત્યારે તેમનાં પતિ આખા સત્ર દરમિયાન ગાંધીનગરમાં જ રહે છે. અને મહિલા ધારાસભ્ય સાથે આવીને વિધાનસભામાં બેસતા મંત્રીઓને મળીને તેમની પત્નીના મતવિસ્તારના અનઉકલ પ્રશ્નો અંગે રજૂઆત કરવા રહે છે.

ધારાસભામા તો પ્રોક્સીની જોગવાઈ નથી પણ ધારસભાની બહાર કામ કઢાવવા કે કરાવવા માટે મહિલા ધારાસભ્યના પતિ પ્રોક્સી તરીકે કામગીરી કરે છે.

ધારાસભ્ય તો ઠીક પણ મંત્રી મહોદય પણ મુખ્યમંત્રીનું નામ ભૂલી જાય છે હોં!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત સરળ, સહજ અને નમ્ર છે. સ્વભાવે ઉદાર અને હ્રદયથી ભક્ત અને ભલા છે.મુખ્યમંત્રી બન્યા પછી પણ
તેમણે પોતાની અસલીયત જાળવી રાખી છે.પરીણામે ધારાસભ્યો કે મંત્રીઓ એમને ગાંઠતા નથી અને તેમનું નામ પણ યાદ રાખતા નથી.

તેનો સૌથી તાજો પુરાવો એ છે કે ગુજરાત રાજ્યના હાલના આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તાજેતરમાં ભરૂચમાં એક જાહેર પ્રવચનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ ભૂલી ગયા હતા

અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર પટેલ એમ બોલી ગયા હતા.આ એવું પણ સૂચવે છે કે ગુજરાતના ભા.જ.પ.ના કાર્યકર્તાઓના દિલોદિમાગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજુ પણ યથાવત છવાયેલા રહ્યા છે!

ધારાસભાની પ્રેક્ષક ગેલેરીમાં પણ મહિલા અનામત રખાય છે

રાજકારણમાં ધારાસભા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત વગેરે સ્થળોએ જેમ મહિલા અનામત હોય છે એ રીતે ગુજરાત વિધાનસભાની ગેલેરીમા પણ મહિલા અનામત રાખવામાં આવે છે.ધારાસભાની કાર્યવાહી લોકો જોઈ શકે એ વિધાનસભામાં ૬ ગેલેરીઓ રાખવામાં આવી છે.

આ પૈકીની એક ગેલેરી અધ્યક્ષના મહેમાનો માટે અનામત રાખવામાં આવે છે.એક ગેલેરી ગૃહની કાર્યવાહીનું રીપોર્ટગ કરવા આવતા પત્રકારો માટે રીઝર્વ રખાઈ છે.એક ગેલેરી અધિકારીઓ માટે અનામત રાખવામાં આવે છે.આ પછી ૩ ગેલેરી વધે. આ પૈકીની ચોથા નંબરની ગેલેરી મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.વિધાનસભાની કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ પૈકીની મહિલા મુલાકાતીઓને ગેલેરી નંબર -૪માં બેસાડવામાં આવે છે.

આ ગેલેરીમાં ફરજ પર પણ માત્ર મહિલા પોલીસને જ મુકવામાં આવે છે.આ વ્યવસ્થા અગાઉ નહોતી.શંકર ચૌધરી અધ્યક્ષ બન્યા પછી આ નવી વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.

૧૫મી વિધાનસભાના ૮મા સત્રની ખટમધુરી વાતો. અધ્યક્ષનો શૈલેષ પરમાર તરફે ચુકાદો

૧૫મી ગુજરાત વિધાનસભાનું ૮મુ સત્ર ચાલી રહ્યું છે.આ વંચાતું હશે તેના બે દિવસ પછી એટલે કે તા.૨૫/૦૩/૨૬ના રોજ આ સત્ર પૂર્ણ થશે. આ સત્રની કેટલીક નજરે જોયેલી અને પ્રત્યક્ષ જાણેલી વાતો આજે અહીં વહેંચવી છે સૌથી પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સત્રમાં આપેલા એક ઐતિહાસિક અને સત્તાધારી પક્ષના મંત્રી વિરૂદ્ધ આપેલા ચુકાદાથી કરીએ

(૧)ઃ-બન્યુ એવું કે તા.૧૬/૦૩/૨૬ના દિવસે પ્રશ્નોતરી દરમિયાન ગૃહ વિભાગના એક પ્રશ્નનો જવાબ અપાઇ ગયા પછી વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળી જવાબમાં ઉમેરણ કરવા ઉભા થયા કે તરત જ કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા અધ્યક્ષ શંકર ચૌધરીએ શૈલેશ પરમારના નિરોધનો મુદ્દો માન્ય રાખીને મંત્રી પ્રવીણ માળીની પ્રશ્નોતરીમાંની અન્ય વિભાગનાં જવાબમાં દખલગીરી કરવાની ચેષ્ઠાને અયોગ્ય ઠેરવી હતી

(૨)ઃ- વિધાનસભાના ઉપાધ્યક્ષપદે વરાયેલ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને આ પદ કદાચ પસંદ નથી તેથી તેઓ ચૂંટાયા પછી ધારાસભામાં નિયમિત રીતે હાજર રહેતા નથી

(૩)ઃ-તા.૧૬/૩/૨૬ના રોજ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોઈ વિષય અંગે સરકારને અભિનંદન આપ્યા તો ભા.જ.પ.ના ધારાસભ્યોએ શોરબકોર કરી મુક્યો તો અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપના સભ્યોને કહ્યું કે સરકારને અભિનંદન આપવાનો ઈજારો એકલા સત્તાધારી પક્ષનો જ નથી.વિરોધ પક્ષના સભ્ય પણ આપી શકે (૫)ઃ-તા.૧૬/૩/૨૬ના દિવસે મંત્રી કુંવરજી બાવળિયાનો જન્મદિવસ હતો પણ પત્રકારોને ભોજન ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય ભગવાનજી બારડે કરાવ્યું હતું.

શું મુખ્યમંત્રીના સ્ટાફના અમુક અધિકારી/કર્મચારીને વિદાય કરાશે?

ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી લગભગ ૧૪ જેટલા વિભાગો સંભાળતા હતા. મંત્રીમંડળમાં થયેલા છેલ્લા ફેરફાર પછી મુખ્યમંત્રી પાસે માત્ર ૭ વિભાગો સંભાળવાની કામગીરી જ રહી છે.

જો કે આ પરિસ્થિતિમાં પણ તેમને ફાળવવામાં આવેલા અધિકારીઓ કે કર્મચારીઓની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સચિવાલયમા થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો વાત જાણે એવી છે કે આ વાત મુખ્યમંત્રી કાર્યાલયના એક આઈ.એ. એસ. અધિકારીના ધ્યાનમાં આવતા તેઓ આ અંગે સક્રિય થયા છે

અને મુખ્યમંત્રીની કામગીરીના ભારણમા થયેલા ઘટાડાના કારણે જે સ્ટાફ પાસે હવે કોઈ કામગીરી રહી નથી તેવા લોકોને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી છૂટા કરવા અંગેની પ્રક્રિયા શરૂ થાય એવી કસરત કરી રહ્યા છે!જો સદરહુ અધિકારીનું આ મીશન સફળ થશે તો મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી સંભવતઃ અડધોઅડધ સ્ટાફ વિદાય થઈ જશે એવી શક્યતા રહે છે.આવુ થશે? એ પણ એક સવાલ છે હોં!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.